ચૂંટણી 2024ટ્રેન્ડિંગનેશનલ

હજુ કાલે શપથ લીધા, હવે મંત્રીપદ છોડવા માગે છે આ નેતા, જાણો કોણ છે અને શું કહ્યું?

  • કેરળના એક માત્ર બીજેપી સાંસદ સુરેશ ગોપીએ રવિવારે લીધા કેન્દ્રીય રાજ્ય મંત્રી તરીકેના શપથ

કેરળ, 10 જૂન: કેરળના ભાજપના પ્રથમ સાંસદ સુરેશ ગોપી, જેમણે રવિવારે કેન્દ્રીય રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા, હવે તેઓ મંત્રી પદ છોડે તેવી શક્યતા છે. શપથ ગ્રહણ સમારોહ પછી દિલ્હીમાં એક ચેનલ સાથે વાત કરતા તેમણે કહ્યું કે તેમણે મંત્રી પદની માંગ કરી નથી અને આશા છે કે તેમને ટૂંક સમયમાં પદ પરથી મુક્ત કરવામાં આવશે.

કેરળના એક માત્ર બીજેપી સાંસદ કેમ છોડવા માંગે છે મંત્રી પદ?

પોતાનું મંત્રી પદ છોડવાનું કારણ જણાવતા સાંસદ સુરેશ ગોપીએ કહ્યું કે મેં ફિલ્મો સાઈન કરી છે અને મારે તે કરવી પડશે. સુરેશ ગોપીએ કહ્યું, ‘હું ત્રિશૂર સાંસદ તરીકે સેવા આપીશ.’ સુરેશ ગોપી ત્રિશૂર સંસદીય મતવિસ્તારમાંથી જીત્યા અને કેરળના પ્રથમ બીજેપી સાંસદ તરીકે ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે. સુરેશે ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (CPI)ના ઉમેદવાર સુનીલકુમારને 74686 મતોથી હરાવ્યા હતા.

સુરેશ ગોપીએ કહ્યું, ‘મારો ઉદ્દેશ્ય સાંસદ તરીકે કામ કરવાનો છે. મેં કંઈપણ માંગ્યું નથી, મેં કહ્યું કે મને આ પોસ્ટની જરૂર નથી. મને લાગે છે કે મને ટૂંક સમયમાં આ પદ પરથી મુક્ત કરવામાં આવશે. ત્રિશૂરના મતદારોને કોઈ સમસ્યા નથી. તેઓ આ જાણે છે અને એક સાંસદ તરીકે હું તેમના માટે ખરેખર સારું કામ કરીશ. મારે કોઈપણ કિંમતે મારી ફિલ્મો કરવી છે.’

રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે સુરેશ ગોપી

જે ત્રિશૂર બેઠક પરથી સુરેશ ગોપી જીત્યા હતા તે છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસ પાસે ગઈ હતી. સુરેશ ગોપી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા પહેલા રાજ્યસભાના સાંસદ પણ હતા. તેઓ 2016માં રાજ્યસભા માટે નોમિનેટ થયા હતા. રાજ્યસભામાં તેમનો કાર્યકાળ 2022 સુધીનો હતો.

ફિલ્મોમાં મહત્વની ભૂમિકાઓ ભજવી

સુરેશ ગોપી મૂળ કેરળના અલપ્પુઝાના છે. તેમનો જન્મ 1958માં થયો હતો. તેમણે કોલ્લમમાંથી વિજ્ઞાન વિષયમાં ડિગ્રી લીધી અને અંગ્રેજીમાં માસ્ટર કર્યું હતું. આ સાથે સુરેશ ફિલ્મો સાથે પણ સંબંધિત છે. તેમણે બાળ કલાકાર તરીકે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું અને પછી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. સુરેશ ગોપીએ ઘણી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા પણ ભજવી છે. તેમને 1998માં આવેલી ફિલ્મ કલિયાટ્ટમ માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો છે. આ સિવાય તે લાંબા સમયથી ટીવી શો પણ હોસ્ટ કરી રહ્યા છે.

આ પણ વાંચો: સાયકલના પંચર બનાવી ચલાવ્યું ઘરનું ગુજરાન : ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટમાં

Back to top button