ગુજરાત

જે બસ ચલાવી ગુજરાન ચલાવતો હતો તેની જ ચોરી કરી !!

Text To Speech
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં દેણુ વધી જતાં સ્કૂલ બસના ડ્રાઇવરે તેના મિત્ર સાથે મળી બસની ચોરી કરી હતી. આરોપીઓએ બસને અમદાવાદ ભંગારમાં વેચવાનો પ્લાન બનાવ્યો હતો પણ વેચવા જાય એ પહેલાં જ પોલીસે દબોચી લીધા હતા.
વિદ્યાર્થીઓને મુકી બસ સાંજે ગામમાં રાખી જતો રહ્યો, સવારે બસ ગાયબ હતી
મળતી માહિતી મુજબ, જેતપુરના મોટાગુંદાળા ગામે રહેતા અને ધોરાજી ખાતે હિરપરાવાડીમાં આવેલી અંકુર સ્કૂલ ચલાવતા હરેશભાઇ ગોરધનભાઇ કોટડિયા (ઉ.વ.35)એ ધોરાજી પોલીસ મથકમાં તોરણિયા ગામ ખાતેથી પોતાની ગોપાલ વિદ્યાલય લખેલી જી.જે.03-એટી-6001 નંબરની બસ ચોરાઇ ગયાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં હરેશભાઇના જણાવ્યા મુજબ ધોરાજીમાં આવેલી તેઓની અંકુર વિદ્યાલયની બસ તોરણિયા ખાતે વિદ્યાર્થીઓને લેવા-મુકવા માટે દરરોજ જાય છે. આ બસ ધોરાજીમાં રહેતો સોયબખાન પઠાણ ચલાવે છે. ગત તા. 29-6ના રોજ સોયબ સ્કૂલ બસ લઇ વિદ્યાર્થીઓને તોરણિયા મુકી આવ્યો હતો અને ત્યારબાદ તે બસ ત્યાંજ રાખી ધોરાજી ચાલ્યો ગયો હતો ત્યારબાદ બીજે દિવસે વહેલી સવારે તે પરત તોરણિયા બસ લેવા માટે ગયો હતો પણ ત્યાં બસ જોવા ન મળી હતી.
સંચાલકે આસપાસના ગામોમાં તપાસ કરી, આખરે ફરિયાદ નોંધાવી
 જેથી તેણે તુરંત જ શાળાના સંચાલક હરેશભાઇને ફોન કરી આ અંગે જાણ કરી હતી જેથી હરેશભાઇ તુરંત જ તોરણિયા પહોંચ્યા હતા અને ત્યાં આસપાસના ગામોમાં તપાસ કરી હતી પરંતુ તેઓને કયાંય બસ જોવા મળી ન હતી જેથી હરેશભાઇએ ગ્રામજનોને આ અંગે પૂછપરછ કરી હતી પણ બસનો કયાંય પતો લાગ્યો ન હતો જેથી તેઓએ ધોરાજી પોલીસમાં જાણ કરી હતી જેના આધારે પોલીસે અજાણ્યા શખસ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
દેણું વધી જતાં બસ ચોરી કરી હતી, વેંચવા જતાં હતાં અને પકડાયા
દરમિયાન ધોરાજી પોલીસ મથકના પીઆઇ એ.બી. ગોહિલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય ત્યારે ભૂતવડ ચોકડી પાસેથી ચોરાઉ બસ સાથે બે શખસોને ઝડપી લેવામાં આવ્યા હતા. આ બન્ને શખસોના નામ પૂછતા તેઓએ સોયબ ઉર્ફે કુચી પઠાણ (ઉ.વ.22) અને રાજેશ ગોહેલ (ઉ.વ.28) હોવાનું જણાવ્યું હતુ જે અંગે પોલીસે હરેશભાઇ કોટડિયાને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા અને ઝડપાયેલા બન્ને શખસો પૈકી આરોપી સોયબ તેમની સ્કૂલ બસનો ચાલક હોવાનું જણાવ્યું હતુ. પોલીસે આ બસ ચોરી કરવા અંગેનું કારણ પૂછતા સોયબે જણાવ્યું હતુ કે, તેને દેણું વધી ગયુ હતુ જે ભરપાઇ કરવા માટે સ્કૂલ બસની ચોરી કરી લીધી હતી જેને તેઓ પાંચપીપળા ગામે મુકી આવ્યા હતા. ત્યારબાદ બીજા દિવસે તે બસ અમદાવાદ ખાતે ભંગારના ડેલે વેંચવા માટે લઇ જતા હતા ત્યારે જ પોલીસે બન્નેને ઝડપી પાડ્યા હતા.
Back to top button