જીવતાં જગતિયું કર્યાના બે જ દિવસમાં થયું મૃત્યુ

- UPના વ્યક્તિએ પોતાની તેરમી પર કાર્ડ વહેંચીને 800 લોકો માટે મરણોત્સવનું આયોજન કરી પ્રસાદ જમાડ્યો
ઉત્તર પ્રદેશ, 17 જાન્યુઆરી : ઉત્તર પ્રદેશના એટામાં પોતાની હયાતીમાં જ મૃત્યુપર્યંતની વિધિ અર્થાત જીવતા જગતિયું કરનાર વ્યક્તિનું એ પ્રસંગના બે જ દિવસમાં અવસાન થયું છે. વ્યક્તિ જીવતે જીવ પોતાની તેરમીનું આયોજન કર્યું હતું. આ વ્યક્તિએ કાર્ડ વહેંચીને 800 લોકો માટે મરણોત્સવનું આયોજન કરી પ્રસાદ જમાડ્યો હતો. આ અંગે વિસ્તારમાં ભારે ચર્ચા જાગી હતી. જો કે, તે સમયે કોઈને ખબર ન હતી કે તે આટલી જલ્દી દુનિયાને અલવિદા કહી દેશે. ગ્રામજનોને નવાઈ લાગે છે કે, જે વ્યક્તિ બે દિવસ પહેલા પોતાના મૃત્યુ પર હસ્યો હતો તે આજે ભગવાનને પ્રિય થઈ ગયો છે. તેના તેરમા માટે સેંકડો લોકો ઉમટી પડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, એટાના રહેવાસી વૃદ્ધ હાકિમ સિંહે 15 જાન્યુઆરીએ પોતાની હાજરીમાં જ પોતાની મૃત્યુપર્યંતની વિધિ કરી હતી. જીવતા રહીને તેરમું અને પિંડ દાન કરવા પાછળનું કારણ સમજાવતા, હાકિમે કહ્યું હતું કે, તેણે તેના પરિવારના સભ્યો પરથી વિશ્વાસ ગુમાવી દીધો છે. “મને ખબર નથી કે મારા મૃત્યુ પછી તે મારું સન્માન કરશે કે નહીં.” તેથી, તેમણે જીવતા જ તમામ પ્રક્રિયાઓ કરાવી લીધી.
કાર્ડ વિતરણ કરીને મરણોત્સવનું કર્યું હતું આયોજન
હવે આ ઘટના બાદ ત્રીજા દિવસે હાકિમ સિંહનું મૃત્યુ થયું હતું. લોકોનું કહેવું હતું કે, કદાચ હાકિમ સિંહને તેમના મૃત્યુની પૂર્વસૂચના હતી તેમજ કહેવામાં આવ્યું હતું કે, હાકિમ સિંહનું મૃત્યુ કુદરતી હતું. જેથી મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સકીટ કસ્બાના મુનશી નગર વિસ્તારના રહેવાસી હાકિમ સિંહે તેમની તેરમી માટે કાર્ડ પ્રિન્ટ કરાવ્યા હતા અને આમંત્રણોનું વિતરણ કર્યું હતું, જેમાં લગભગ 800 લોકોએ હાજરી આપી હતી. આ પહેલા, હાકિમે તેરમીના દિવસે કરવામાં આવતી ધાર્મિક વિધિઓ પૂર્ણ કરી લીધી હતી.
પરિવારજનોના વ્યવહારથી હાકિમ સિંહને તેમના પર ભરોસો રહ્યો નહીં
મળતી માહિતી મુજબ, હાકિમ સિંહે બિહારની એક યુવતી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ થોડો સમય સાથે રહ્યા બાદ પત્ની તેને છોડીને તેના ઘરે ચાલી ગઈ હતી. હાકિમને કોઈ સંતાન ન હોવાથી તેના પરિવારે તેની જમીન અને મકાનનો કબ્જો મેળવી લીધો હતો. તેમના વ્યવહારથી હાકિમ પરેશાન રહેતો હતો. હકીમ સિંહે જણાવ્યું હતું કે, તેમના ભાઈઓ અને ભત્રીજાઓ તેમને ઘર અને 5 વીઘા ખેતર માટે વારંવાર મારતા હતા. થોડા દિવસ પહેલા એક ઝઘડામાં તેનો હાથ પણ તૂટી ગયો હતો. આવી સ્થિતિમાં, મારા મૃત્યુ પછી તેઓ મારી તેરમી કરશે કે નહીં તેનો ભરોસો નહોતો.
આ પણ જુઓ :રેલવે ફાટક પર ટ્રેનની ટક્કરથી કારનો આબાદ બચાવ, જુઓ વાયરલ વીડિયો