ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાતલાઈફસ્ટાઈલહેલ્થ

HD NEWS એક્સ્લુઝિવ : મળો એવા અમદાવાદીને જે સતત 12 વર્ષથી 5 રુ.માં આયુર્વેદિક જ્યુસ વેચી બધાને રાખે છે તંદુરસ્ત

શિયાળાની શરુઆત થઈ ચૂકી છે અને ઠંડીની આ સિઝનમાં મોટાભાગે લોકો તંદુરસ્ત રહેવા માટે લોકો કસરતથી માંડીને મોંઘા મોંઘા ડાયટ્સપ્લાન કરતા હોય છે. ઘણા લોકો આયુર્વેદિકના રસ જેવા કે આમળા, તુલસી, અરડુસી, લીમડો વગેરે જેવા રસોનું પાન પણ કરતા હોય છે, પરંતુ ઘણી વખત આ રસ પીવા થોડા મોંઘા પડી જતા હોય છે. પરંતુ હમ દેખેંગે ન્યૂઝની ટીમ અમદાવાદના એક સમાજ સેવકની એક્સ્લુઝિવ સ્ટોરી આપના માટે લાવી છે. આ સમાજ સેવક છેલ્લાં 12 વર્ષથી માત્ર 5 રુ.માં આયુર્વેદિક જ્યુસ વેચે છે.

આ પણ વાંચો : શિયાળાની ઋતુમાં ‘શક્કરિયા’ ખાવાથી થાય છે અનેકગણા ફાયદા !

 છેલ્લાં 12 વર્ષથી માત્ર 5 રુ.માં આયુર્વેદિક જ્યુસ વેચે છે બાબુભાઈ 

અમદાવાદના CTM વિસ્તારમાં રહેતા બાબુભાઈ, જેને લોકો ‘બાબુકાકા’ કહે તે છેલ્લાં 12 વર્ષથી હરિઓમ જ્યુસ સેન્ટર ચલાવે છે. હમ દેખેંગેની ટીમે બાબુકાકા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ‘તેઓ 10 થી પણ વધારે જાતના આયુર્વેદિક જ્યુસ વેચે છે, જેમાં કડુકર્યાતુ, આંબળા, બીટ, ગાજર, દૂધી, કારેલા, લીમડો, મેથી, આદુ, ફુદીના, પાલક, એલોવેરા અને ડાયાબિટીસ માટે બીજાસન જેવા જ્યુસ આયુર્વેદિક વેચે છે.’ વધુમાં તેઓએ કહ્યુ કે, ‘હું છેલ્લાં 12 વર્ષથી આ સેવા કરું છું. એ પણ ફક્ત 5 રુપિયામાં જ. જ્યારથી આ સેવા શરુ કરી, ત્યારથી મારો એક જ ભાવ છે અને હું મિત્રતાની અને સમાજસેવાના ભાવથી જ આ સેવા કરું છું. ઘણાં ગ્રાહકો મને કહે છે કે કાકા તમારો ભાવ વધારો, મોંઘવારી ઘણી વધી રહી છે, પણ મારે ભાવ વધારવો નથી.’

બાબુકાકા રાત્રે 2.30 વાગે ઉઠીને કરે છે તૈયારી 

આ ઉપરાંત બાબુકાકાએ જણાવ્યું હતું કે, ‘મારી પાસે સામાન્ય માણસથી લઈને મોંઘી કારના ગ્રાહકો પણ આવે છે, તેઓ રાત્રે 2.30 વાગે ઉઠીને આ બધા જ્યુસ બનાવે છે અને 5 વાગે તેમની જગ્યાએ હાજર રહી જાય છે, ઘણી વખત તેઓ પોંહચે તે પહેલાં જ તેમના ગ્રાહકો તેમની રાહ જોઈને ઉભા રહેતા જોવા મળે છે. સવારે 5 થી 9 વાગ્યા સુધી જ્યુસ વેચુ છું અને ઘણી વખત જો કોઈની જોડે પૈસા ન હોય તો તેની પાસેથી હું પૈસા પણ નથી લેતો. આ સેવા શરુ કરવાનો વિચાર મને મારા સદગુરુની પ્રેરણાથી આવ્યો છે અને મારે સેવાના માર્ગે જ આગળ ચાલવું છે, તેથી મારે ભાવ વધારવો નથી.’

Babukaka - Hum Dekhenge News
Babukaka – Hariom Juice Center

ત્યાં આવેલા ગ્રાહકોએ શું કહ્યું ? 

આ ઉપરાંત હમ દેખેંગે ન્યૂઝની ટીમે ત્યાં આવતા ઘણાં ગ્રાહકો જોડે પણ વાતચીત કરી હતી. જેમાં ઘણાં એ જણાવ્યું હતું કે, ‘બાબુકાકાનો જ્યુસ પીધા પછી તેમને ક્યારેય દવાખાને જવાનો વારો આવ્યો નથી.’ એક ગ્રાહકે જણાવ્યુ હતું કે,’બાબુકાકા છે તો અમે છીએ, જ્યારે બાબુકાકા નહીં હોય ત્યારે અમે પણ નહીં હોઈએ.’ એક ગ્રાહકે જણાવ્યું હતું કે, ‘હું છેલ્લાં 12 વર્ષથી આવું છું, જ્યારથી કાકાએ આ સેવા શરુ કરી, અને છેલ્લાં 12 વર્ષથી મારે કોઈ દવા લેવાની જરુર પડી નથી.’ આ ઉપરાંત ઘણાં યુવાનો પણ સવાર સવારમાં બાબુકાકાનો આયુર્વેદિક જ્યુસ પીવા આવતા હોય છે, તેમાંથી એક યુવાને જણાવ્યું હતું કે,’મારી સવાર બાબુકાકાનાં આ જ્યુસથી પડે છે અને આ જ્યુસ પીવાથી શરીરમાં એકદમ તાજગી આવી જતી હોય છે.’

અમદાવાદનાં આ વિસ્તારમાં આવેલું છે ‘હરિઓમ જ્યુસ સેન્ટર’

બાબુકાકાનું આ હરિઓમ જ્યુસ સેન્ટર અમદાવાદના CTM વિસ્તારમાં આવેલું છે. CTM વિસ્તારમાં રબારી કોલોની અને CTM ચાર રસ્તા વચ્ચે જોગેશ્વરી BRTS બસ સ્ટેન્ડની સામે, ગાયત્રી મંદિર પાસે આવેલું છે, જો કોઈ અમદાવાદીને ઓછા પૈસામાં સ્વસ્થ રહેવું હોય તો ચોક્કસ આ જગ્યાની મુલાકાત લેવા જેવી છે.

Back to top button