ગુજરાત રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર છે તેનાથી સૌ કોઈ અવગત છે. થોડા વર્ષો અગાઉની વાત કરવામાં આવે તો ગુજરાતના આણંદ, નડિયાદ અને વડોદરા સહિતના જિલ્લાઓમાં દારૂ કેવી રીતે મળતો હતો તે વાત કોઇથી છૂપી નથી. આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે પણ રાજ્યમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશની સીમા વિસ્તારમાંથી દારૂની હેરાફેરી મોટાપાયે થઈ રહી છે. જાન્યુઆરી 2023થી જ વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં રેડ કરી દારૂનો મોટો જથ્થો ઝડપી પડ્યો છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં કેટલો દારૂ પકડાયો છે તે તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પણ ઉપલબ્ધ છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા જાન્યુઆરી 2023થી જ્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે તેમા મોટાભાગે દારૂ એવી જગ્યાએથી જ પકડાયો છે જ્યાંથી સ્થાનિક પોલીસ મથક 2 થી 5 કિલોમીટરના અંદર હોય. સૂત્રો દ્વારા મળતી વધુ માહિતી મુજબ અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવામાં કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના વચેટિયાઓ સૌથી મોટો ભાગ ભજવે છે. ગુજરાત-રાજસ્થાન અને ગુજરાત-મધ્યપ્રદેશના સરહદી વિસ્તારના અંતરિયાળ ગામોમાં કોઈ ચેક પોસ્ટ હોતી નથી, આવા સરહદી વિસ્તારોમાંથી દારૂ ગુજરાતમાં ઘૂસાડવા માટે ભ્રષ્ટ અધિકારીઓના વચેટિયાઓ મોટી ભૂમિકા ભજવે છે. એટલું જ નહિ, આ વચેટિયાઓને ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા ઈનોવા અને સ્કોરપીઓ જેવી મોંઘીદાટ એસયુવી પણ આપતા હોય તેવું કહેવાઈ રહ્યું છે.
આ પણ વાંચો : શું હવે ગુજરાતમાં દારૂબંધીની પુનઃ સમીક્ષા કરવાનો સમય પાકી ગયો છે ? તમારું શું માનવું છે ?
રાજ્યમાં દારૂબંધી હોવા છતાં સૌથી વધુ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. તેનું તાજું ઉદાહરણ હમણાં બનાસકાંઠા જિલ્લામાં એક એવો કિસ્સો આવ્યો કે દારૂનું વેચાણ કરતાં એક શખ્સના પડોશીએ પોતાના ઘરની બહાર બોર્ડ લગાવવું પડ્યું કે દારૂ અહિયાં નહિ બાજુમાં મળે છે, આનાથી આપણે વિચારવું જોઈએ કે દારૂબંધીના નિયમોના ખુલ્લેઆમ ધજાગારા થઈ રહ્યા છે. ગઇકાલની જ વાત કરવામાં આવે તો બોડેલીમાં એક બાતમીદારને એક પોલીસકર્મી કથિત રીતે SMCને દારૂના અડ્ડાની બાતમી આપવા બદલ અપશબ્દો બોલી ધાકધમકી આપતા હોવાનું સામે આવ્યું હતું, ત્યારે દારૂબંધીનો કેવો અમલ થઈ રહ્યો છે તે ગુજરાતની જનતા સહિત ગૃહવિભાગના મોટા અધિકારીઓ પણ જાણે જ છે.
આ પણ વાંચો : પોલીસ જ પોલીસની જાસૂસ, કયા સુધી ચાલશે આ સિલસિલો!
અલબત્ત દારૂબંધીને એકદમ હટાવવી પણ ગુજરાત માટે હાનિકારક છે, કારણ કે વર્ષોથી દબાવેલી સ્પ્રિંગને એક્દમથી છોડી દેવામાં આવે તો તેના ગંભીર પરિણામો ચૂકવવા પડે છે પણ ચોક્કસ કાયદા સાથે અને મર્યાદિત સ્થળોએ ધીમે ધીમે શરૂઆત કરવામાં આવે તો ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને એક નવી દિશા મળે તેવું પ્રવાસન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનું માનવું છે.