- દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો
- 2024ની લોકસભા ચૂંટણી પહેલા આપ પર સંકટ
- ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીનો થઈ રહ્યો છે સફાયો
દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે.આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા વધુ છ કોર્પોરેટરો એકસાથે બળવો કરી ભાજપમાં જોડાઇ ગયા છે. આ અગાઉ AAPના 4 કોર્પોરેટર ભાજપમાં જોડાયા હતા આમ સુરત આપના કુલ 10 કોર્પોરેટરો આપ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા છે. ત્યારે 2024ની લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીનું શું થશે તે હાલ પ્રશ્ન થઈ રહ્યો છે.
સુરત AAPના 6 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા
આમ આદમી પાર્ટીની હાલત અત્યારે‘બાર સાંધે, ત્યાં તેર તૂટે’ જેવી થઈ ગઈ છે. એક તરફ પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલને દિલ્હી દારૂ કાંડ બાબતે CBIનું તેડું આવ્યું છે, તો બીજી તરફ આમ આદમી પાર્ટીમાં ભંગાણની પરિસ્થિતિ સર્જાઈ છે. ગઈ કાલે ગૃહમંત્રીની હાજરીમાં સુરત AAPના 6 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા છે. જેમાં સ્વાતિબેન કયાડા (વોર્ડ નંબર 17), નિરાલીબેન પટેલ (વોર્ટ નંબર 05), ધર્મેન્દ્રભાઈ વાવલિયા (વોર્ડ નંબર 04), અશોકભાઈ ધામી (વોર્ડ નંબર 05), કિરણભાઈ ખોખાણી (વોર્ડ નંબર 05) તથા ઘનશ્યામભાઈ મકવાણા (વોર્ટ નંબર 04) આપમાંથી ભાજપમાં જોડાયા છે.
ઈશુદાન ગઢવીએ ભાજપ પર લગાવ્યો આરોપ
આપના આ કોર્પોરેટરોએ ઝાડું છોડીને કેસરીયો કરતા રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. આમ આદમી પાર્ટીએ હવે ભાજપ પર કોર્પોરેટરોને મોટી રકમથી ખરીદવાના આરોપ લગાવ્યાં છે. આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ આ અંગે નિવેદન આપ્યું છે કે “અમારા કોર્પોરેટરોને 50 થી 75 લાખ રૂપિયા આપીને ખરીદી લેવામા આવ્યા છે. શિક્ષણમંત્રીના બંગલામાં આ કોર્પોરેટરો ગયા હતા અને ત્યાં જ આ ષડયંત્ર રચાયું છે અને અમારા ઘણા કોર્પોરેટરોને ડરાવી ધમકાવીને લઈ ગયા છે.”
લોકસભા 2024 માં અસર ન થાય એ માટે ભાજપમાં પ્રવેશ
મહત્વનું છે કે બારડોલી લોકસભા બેઠકમાં આપ ને 3 લાખથી વધુ મત મળ્યાં છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં બારડોલી લોકસભા બેઠકનાં પૂણા વિસ્તારમાં આમ આદમી પાર્ટીને મળેલાં મતો ને લીધે લોકસભા 2024 માં અસર ન થાય એ માટે આપ નાં સક્રિય નગરસેવકોને ભાજપ પ્રવેશ અપાયો હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ પ્રતીત થઈ રહ્યું છે.
આમ આદમી પાર્ટી વિવાદમાં
આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતાનું વર્ચસ્વ બનાવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતુ તેમ છતા પણ ગુજરાતમાં 5 થી વધુ સીટ મેળવી શકી નહીં. અને ઈમાનદારીની વાતો કરતો પાર્ટીના અનેક નેતાઓ અગાઉ વિવાદમા ફસાયા હોવાને કારણે પાર્ટી અત્યાર સુધી લોકોનો વિશ્વાસ જીતવામા નિષ્ફળ રહી છે. અરવિંદ કેજરીવાલના કથિત સાથીદારો એક પછી એક વિવાદમા ફસાયા હતા અગાઉ સત્યેન્દ્ર જૈન, કેજરીવાલના ખાસ મનીષ સિસોદિયા તેમજ તાહિર હુસૈન, જિતેન્દ્રસિંહ તોમર, સંદિપ કુમાર આ તમામને કારણે આમ આદમી પાર્ટી વિવાદમા આવી ચૂકી છે. અને હાલ અરવિંદ કેજરીવાલ પણ પોતે વિવાદમાં ફસાય છે. ત્યારે 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ પોતાનો રસ્તો સાફ કરી રહી છે. અને ગુજરાતમાંથી આમ આદમી પાર્ટીનો સફાયો થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.
2024 લોકસભાની ચુંટણી પહેલા AAP પર સંકટ
ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલને ગઈ કાલે ગોવા પોલીસ અને CBI દ્વારા આગામી સમયમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે ત્યારે હવે આ બધુ જોતાં એવું લાગી રહ્યું છે કે 2024 લોકસભાની ચુંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં કોઈ મોટો નેતા રહેશે નહિ જે પાર્ટીનું નેતૃત્વ કરી શકે.
આ પણ વાંચો : આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, સુરતના 6 કોર્પોરેટર ભાજપમાં જોડાયા