ગરબાના સમય અંગેનો કેસ દાખલ કરવા હાઇકોર્ટનો ઇનકાર, કહ્યું FIR કરો


અમદાવાદઃ ગુજરાતની ઓળખ સમાન ગરબા અંગે ગૃહરાજ્યમંત્રીએ લીધેલા નિર્ણય સામે અમુક લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી અને તેની સામે હાઇકોર્ટમાં કેસ દાખલ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોર્ટે કેસ દાખલ કરવાનો ઇનકાર કરતા કહ્યું હતું કે, તમે પોલીસમાં FIR નોંધાવી શકો છો.
રાજ્યમાં નવરાત્રિનો ઉત્સવ સૌથી વધુ ધામધૂમથી ઊજવાય છે. તમામ ઉંમરના લોકો તેમાં ઉત્સાહથી ભાગ લે છે, પરંતુ અદાલતી આદેશને કારણે ગરબા રાત્રે 12 વાગ્યે બંધ કરી દેવા પડતા હતા જેને કારણે અનેક લોકોને ઉત્સવનો પૂરો આનંદ મળતો નહોતો.
પ્રજાની આવી લાગણીને ધ્યાનમાં રાખીને રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બે દિવસ અગાઉ એવી જાહેરાત કરી હતી કે, ગરબા રાત્રે 12 વાગ્યે બંધ કરાવવા માટે પોલીસ ફરજ નહીં પાડે અને એ માટે સૂચના આપવામાં આવી છે. ગૃહરાજ્યમંત્રીના આવા પ્રજાલક્ષી નિર્ણયને સમગ્ર રાજ્યની પ્રજાએ સહર્ષ વધાવી લીધો હતો.
જોકે, અમદાવાદના અમુક લોકોને આ નિર્ણય ગમ્યો નહીં અને તેમણે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરવા પ્રયાસ કર્યો હતો. અલબત્ત, હાઇકોર્ટે આવી કોઈ અપીલ દાખલ કરવાનો ઇનકાર કરતા જણાવ્યું કે, અરજદારને આ વિશે કોઈ ફરિયાદ હોય તો તે પોલીસમાં એફઆઈઆર દાખલ કરી શકે છે.
અરજદારે મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલ તથા ન્યાયમૂર્તિ અનિરુદ્ધ માયીની બેન્ચ સમક્ષ અરજી દાખલ કરી હતી. ન્યાયમૂર્તિઓએ અરજદારને કહ્યું કે, મોડી રાત્રે મોટેથી માઇક વગાડવા સામે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે જ અને જો અરજદાર ઇચ્છે તો તેને આધારે પોલીસમાં ફરિયાદ દાખલ કરી શકે છે. આ માટે હાઇકોર્ટમાં કેસ દાખલ કરવાની કોઈ જરૂર નથી. અદાલતે અરજદારને કહ્યું કે, તેમને મધ્યરાત્રી બાદ અવાજનું પ્રદૂષણ લાગતું હોય તો પોલીસ ફરિયાદ દાખલ કરીને દાદ મેળવી શકે છે.
આ પણ વાંચોઃ https://humdekhenge.in/navratri-gift-to-players-can-play-garba-as-long-as-they-want/