રાજકોટ સેન્ટરની AIBEની પરીક્ષાનું પરિણામ રદ કરવા મુદ્દે BCIને નોટિસ ફટકારતી હાઇકોર્ટ
- રાજકોટના એડવોકેટે પરિણામ જાહેર કરવા પિટિશન કરી
- પિટિશન દાખલ કરતા 11 સપ્ટેમ્બર સુધીમાં જવાબ રજૂ કરવા આદેશ
- અગાઉ દેશભરના સેન્ટરનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું હતું
બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ભાવી વકીલો માટેની પરીક્ષા એઆઈબીઇ દ્વારા લેવાયેલી પરીક્ષાનું રાજકોટ સેન્ટરોનું પરિણામ રદ કર્યા બાદ રાજકોટના એડવોકેટ દ્વારા પરિણામ જાહેર કરવાની માંગ સાથે રીટ પિટિશન કરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટ પિટિશન એડમિટ કરી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને નોટિસ પાઠવી આગામી તારીખ 11 સપ્ટેમ્બર સુધીમાં જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.
લો પાસ કર્યા પછી વકીલાત કરવા આપવી પડે છે પરીક્ષા
બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાત સહિત સમગ્ર ભારતમાં એઆઈબીઈ 17ની પરીક્ષા તારીખ 5/3/2023ના રોજ લીધી હતી. જે પરીક્ષા સમગ્ર ભારતમાંથી વકીલ બનવા ઇચ્છતા તમામ વિદ્યાર્થી મિત્રોએ લો પાસ કર્યા પછી આપવાની થતી હોય છે. આ પરીક્ષાનું પરિણામ તારીખ 26/4/2023ના રોજ ડિક્લેર કરી દેવામાં આવેલું અને રાજકોટ સેન્ટરનું પરિણામ સ્થગિત રાખવામાં આવેલું હતું. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા રાજકોટ સેન્ટર ખાતે લેવાયેલ પરીક્ષાની તમામ વિદ્યાર્થીઓના પરિણામ રદ કરવાના નિર્ણય કરેલો હતો.
બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને નોટિસ
જે નિર્ણયની સામે રાજકોટના એડવોકેટ પરાગભાઈ ઉર્ફે ગોપાલભાઈ રસિકભાઈ અનડકટ દ્વારા હાઇકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવેલી હતી. જે રીટ દાખલ કરવામાં પક્ષકારના એડવોકેટ તરીકે બ્રિજ વિકાસભાઈ સેઠ રોકાયેલ હતા તે રીટ ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ વૈભવી નાણાવટી મેડમની કોર્ટમાં દાખલ કરવામાં આવેલી હતી. રીટ પર પક્ષકારના એડવોકેટ બ્રિજ વિકાસભાઈ શેઠ દ્વારા ધારદાર દલીલ કરવામાં આવેલ હતી જે રીટ ગુજરાત હાઈકોર્ટ દ્વારા સ્વીકારી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને નોટિસ પાઠવવામાં આવેલી છે અને આગામી તારીખ 11/9/2023સુધીમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને જવાબ રજૂ કરવા જણાવવામાં આવ્યું છે.