ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલને રાહત, હાઈકોર્ટે આપ્યા વચગાળાના જામીન

Text To Speech

મુંબઈ, 06 મે 2024: બોમ્બે હાઈકોર્ટે જેટ એરવેઝના ફાઉન્ડર નરેશ ગોયલને મેડિકલ સમસ્યાના આધાર પર બે મહિનાના વચગાળાના જામીન આપ્યા છે. તેમને 1 લાખ રૂપિયાના અંગત બૉન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. નોંધનીય છે કે, મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. નરેશ ગોયલ અને તેમના પત્ની અનિતા ગોયલ બંને કેન્સરથી પીડિત છે. તેમની મુંબઈની રિલાયન્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જો કે, નરેશ ગોયલ કોર્ટની પરવાનગી વિના મુંબઈની બહાર જઈ શકશે નહીં.

સ્પેશિયલ કોર્ટમાંથી જામીન મંજૂર થયા ન હતા

આ પહેલા 3 મેના રોજ થયેલી સુનાવણીમાં બોમ્બે હાઈકોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ફેબ્રુઆરીમાં વિશેષ અદાલતે નરેશ ગોયલને જામીન આપવાનો ઇનકાર કરી દીધો હતો. જો કે, તેમને પસંદગીની પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવાની અને સારવાર કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ ગોયલે હાઈકોર્ટમાં જઈને તબીબી આધાર પર વચગાળાની રાહત માટે વિનંતી કરી.

EDએ હાઈકોર્ટમાં જામીનનો વિરોધ કર્યો હતો

ગોયલના વકીલ હરીશ સાલ્વેએ કોર્ટને માનવતાના આધારે કેસની તાકીદે સુનાવણી કરવા વિનંતી કરી હતી. પરંતુ EDનું પ્રતિનિધિત્વ કરતા હિતેન વેનેગાંવકરે જામીન અરજીનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે એજન્સીને ગોયલને વધુ દિવસો સુધી હોસ્પિટલમાં રાખવામાં કોઈ વાંધો નથી. વેનેગાંવકરે દલીલ કરી હતી કે કોર્ટ ગોયલની હોસ્પિટલમાં દાખલ થવાનો સમયગાળો વધુ ચાર અઠવાડિયા લંબાવી શકે છે અને પછી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે નવો મેડિકલ રિપોર્ટ માંગી શકે છે. આના પર સાલ્વેએ દલીલ કરી હતી કે ગોયલની તબિયત બગડી રહી છે અને તેમની માનસિક સ્થિતિ પણ સારી નથી.

મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સપ્ટેમ્બર 2023માં ગોયલની કેનેરા બેંક સાથે 538 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. નવેમ્બર 2023માં EDએ ગોયલના પત્ની અનિતાની પણ ધરપકડ કરી હતી. નીતા ગોયલને તેમની ઉંમર અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તે જ દિવસે વિશેષ અદાલતે જામીન આપ્યા હતા.

આ પણ વાંચો: ઝારખંડમાં EDને મળ્યો નોટોનો પહાડ! મંત્રી આલમગીર સાથે કનેક્શન

Back to top button