હજીરાના ગુંદરડી ફળિયામાં બે ફુટ સુધી પાણી ભરાઇ ગયા, સ્થાનિકોનો AMNS સામે ભારે આક્રોશ
રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં દ.ગુજરાતમાં વરસાદની અસર જોવા મળી રહી છે. ત્યારે કેટલાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટના સામે આવી રહી છે. જેમાં પણ હજીરા વિસ્તારમાં ગુંદરડી ફળિયામાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવાની ઘટના સામે આવી રહી છે.
બુધવારે અને ગુરૂવારે વરસાદના કારણે ઘણાં વિસ્તારમોમાં પાણી ભરાઈ જવાની ઘટના સામે આવી રહી છે. આ માટે ગ્રામવાસીઓનો આક્ષેપ છે કે આર્સેલ મિત્તલ એન્ડ નિપ્પોન કંપનીના (AMNS) લીધે તેઓના ઘરોમાં વરસાદી પાણી ભરાયા છે. હાલમાં ગ્રામવાસી અને સ્થાનિક આગેવાનો તલાટી, કલેક્ટરને આ મામલે ફરિયાદ કરવા દોડ્યા છે.
હજીરા ગામના ગુંદરડી ફળીયામાં 15થી 20 જેટલાં ઘરોમાં બેથી અઢી ફૂટ જેટલાં પાણી ભરાઈ જતા ગ્રામવાસીઓ હેરાન થઈ ગયા હતા. લોકોની ઘરવખરી પાણીમાં ડૂબી ગઈ હતી. જાણે પૂર આવી ગયું હોય તેવી સ્થિતિ ગ્રામવાસીઓની થઈ હતી. ગ્રામવાસીઓનો આક્ષેપ છે કે આ બધું પાણી આર્સેલર મિત્તલ એન્ડ નિપ્પોન કંપનીના લીધે તેમના ઘરોમાં આવી રહ્યું છે.
સ્થાનિક આગેવાન દિપક પટેલે કહ્યું કે, હજીરા ગામના ગુંદરડી ફળિયાની ચારેતરફ આર્સેલર મિત્તલ એન્ડ નિપ્પોન કંપની દ્વારા સ્ટીલ પ્લાન્ટનું બાંધકામ કરી દેવાયું છે. કંપની દ્વારા તેમના રસ્તા ગુંદરડી ફળિયાની સરખામણીએ ચારથી પાંચ ઊંચા રાખ્યા છે. પ્લાન્ટના રસ્તા જમીનથી 4થી 5 ફૂટ ઊંચા હોવાના લીધે બાજુમાં આવેલા નીચાણવાળા ગુંદરડી ફળિયામાં પાણીનો ભરાવો થાય છે.
તેમજ સ્થાનિક લોકોએ કહ્યું કે, પંચાયતના તલાટી, કલેક્ટર, જીપીસીબી સહિત તમામ જવાબદાર કચેરી અને અધિકારીઓને લેખિતમાં ફરિયાદ કરવા જઈ રહ્યાં છે. કંપની પોતાના વિકાસ માટે ગ્રામજનોને હેરાન કરે તે ચલાવી લેવાય નહીં. વર્ષ પહેલાં કંપનીએ ગુંદરડી ફળિયાની આસપાસ સ્ટીલ પ્લાન્ટનું બાંધકામ કર્યું ત્યારથી આ સમસ્યા ઉભી થઈ છે. અનેકોવાર કંપનીને રજૂઆત કરવામાં આવી પરંતુ તેઓ સમસ્યાનો કાયમી ઉકેલ લાવી રહ્યાં નથી. જ્યારે પાણી ભરાય ત્યારે પંપથી પાણી કાઢી આપે છે.