કચ્છ - સૌરાષ્ટ્રફૂડવિશેષ
ઘરે આવતા મહેમાનોને ટેસ્ટ કરાવો જૂનાગઢના રિટાબેને બનાવેલું ચોકોપાન
હાલમાં રાજ્યભરમાં વંદે ગુજરાત યાત્રા અંતર્ગત અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે. સરકાર દ્વારા યુવાનો, મહિલાઓને રોજગારી મળી રહે તેવા નવતર પ્રયોગ કરી રહી છે ત્યારે જૂનાગઢના રીટાબેન દ્વારા આ યાત્રા અંતર્ગત ચાલી રહેલા સખીમેળામાં પોતાની નવી જ વેરાયટી હોમમેડ ચોકોપાન રજૂ કરી લોકોની વાહવાહ મેળવી છે.
પાનનો પોતાનો અલગ ટેસ્ટ, માત્ર રૂ.6 નું એક અને 60 બોક્સ
જૂનાગઢમાં એ.જી. હાઈસ્કૂલના મેદાન ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત સખી મેળામાં આ ચોકો પાનનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેની કિંમત માત્ર છ રૂપિયા છે. પણ આ પાનના દસ નંગ સાથેના એક બોક્સમાંં રૂ.૬૦માં વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ હોમમેડ ચોકો પાનને રીટાબેન ગજેરાએ પોતાની આગવી સૂજબૂજથી બનાવવાની રીત અને તેનો ટેસ્ટ વિકસાવ્યો છે.
એકવાર ટેસ્ટ કરે તે બીજીવાર ઓર્ડર અચૂક આપે છે
તેઓ કહે છે કે, એકવાર ચોકલેટવાળા નાગરવેલના પાનનો ટેસ્ટ કર્યો હતો. તેમાંથી કંઈક અલગ આ ચોકો પાન બનાવવાનો વિચાર આવ્યો હતો. હવે લોકોને આ ચોકો પાન પસંદ પડી રહ્યું છે, જે લોકો ચોકો પાનનો એકવાર ટેસ્ટ કરે છે, તે બીજીવાર આ પાનનો ઓર્ડર અચૂક આપે છે. ખાસ કરીને બર્થ ડે, કિટી પાર્ટી વગેરેના પ્રસંગોએ આ ચોકો પાનનો ઓર્ડર મળે છે. જો કે, હજુ આ ચોકો પાનનું કોઈ મોટા ફલક પર પહોંચ્યું નથી.
ઈમીટેશનની ખરીદી કરવાની સાથે ચોકોપાન પણ ટેસ્ટ કરે છે
રીટાબેન કહે છે કે, હું ગોકુલ સખીમંડળ સાથે સંકળાયેલી છું, જે મુખ્યત્વે ઈમીટેશનની વિવિધ પ્રોડક્ટનું વેચાણ કરે છે. જેને રાજ્ય સરકાર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના માધ્યમથી સખી મેળા સહિતના પ્લેટફોર્મ પૂરા પાડવામાં આવે છે. ત્યારે આ સાથે ચોકો પાનને પણ વેચાણ અને ડેમોસ્ટ્રેશન માટે મૂકીએ છીએ. આમ, લોકો અહીંયા ઈમીટેશન ની ખરીદી કરવાની સાથે ચોકો પાન પણ ટેસ્ટ કરે છે અને ઘણા લોકો ખરીદી પણ કરે છે.
સખી મેળો બહેનોની ખોલી રહ્યો છે આત્મનિર્ભરતાની રાહ
વધુમાં રીટાબેન કહે છે કે, આ ચોકાઓ પાનના વેચાણથી ઠીકઠાક આવક મેળવી રહી છું, સાથે જ સખી મેળાના માધ્યમથી ચોકો પાનના વેચાણમાં પણ વધારો થશે. અંતમાં તેમણે ઉમેર્યું કે, જૂનાગઢનો આ સખી મેળો બહેનોની આત્મ નિર્ભરતાની રાહ ખોલી રહ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મહિલાઓના ઉત્કર્ષ માટે બજેટમાં વિશેષ જોગવાઈઓ પણ કરવામાં આવી છે. કારીગરોના સામર્થ્યને પ્રોત્સાહન મળે અને મહિલાઓ પગભર બને તે માટે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાત નવી સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે.