હાટકેશ્વર બ્રિજ કેસ : અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના માલિક પોલીસ સમક્ષ થયા હાજર
અમદાવાદના બહુચર્ચિત હાટકેશ્વર વિસ્તારમાં બનાવવામાં આવેલા બ્રિજ કેસ મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ હાટકેશ્વર બ્રિજ કેસમાં અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના માલિક ચિરાગ પટેલ, કલ્પેશ પટેલ, રસીક પટેલ જાતે જ પોલીસ સામે હાજર થયા છે. આ આરોપીઓ આજે ખોખરા પોલીસ સ્ટેશને હાજર થયા હતા.
અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના માલિક પોલીસ સમક્ષ હાજર
મળતી માહિતી મુજબ અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના માલિક ચિરાગ પટેલ અને કલ્પેશ પટેલ સહિતની આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. ત્યારે આ આરોપીઓએ ધરપકડના ડરથી પોલીસ સમક્ષ જાતે જ હાજર થઈ ગયા છે. સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન રદ થતાં આરોપીઓ આખરે પોલીસ સમક્ષ હાજર થયા છે.
આગોતરા જામીન રદ્દ થતા કર્યું સરેન્ડર
મહત્વનું છે કે હાટકેશ્વર બ્રિજમાં ભ્રષ્ટાચાર મામલે 9 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જેમાથી કેટલાક આરોપીઓએ ધરપકડથી બચવા માટે કોર્ટનું શરણ લીધુ હતું. પરંતુ કોર્ટે તેમની જામીન અરજીને ફગાવી દીધી હતી. ત્યારે તેઓએ સુપ્રીમ કોર્ટની શરણે પહોંચ્યા હતા અને સુપ્રિમ કોર્ટે પણ આગોતરા જામીન અરજી ફગાવી દેતા આખરે બંને આરોપીઓએ ખોખરા પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવાનો નિર્ણય લીધો છે.
મેડિકલ ટેસ્ટ બાદ ધરપકડ બતાવાશે
આરોપીઓએ આત્મસમર્પણ કરતા પોલીસ આ આરોપીઓને મેડિકલ ટેસ્ટ કરાવશે, અને ત્યારબાદ પોલીસ ચોપડે આરોપીઓની ધરપકડ બતાવશે.
આ પણ વાંચો : ભારત માટે ગર્વની વાત : અવકાશમાં ISROની બીજી મોટી સફળતા, નેવિગેશન સેટેલાઇટ NVS 01 લોન્ચ