Hate Speech : કાજલ હિન્દુસ્તાની જેલ હવાલે, ધારાસભ્ય સામે કાર્યવાહી ક્યારે ?


ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં રામનવમીના દિવસે ભડકાઉ ભાષણ આપીને ચર્ચામાં આવેલી સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્તાનીને કોર્ટે જેલમાં ધકેલી દીધી છે. ભડકાઉ ભાષણના કેસમાં પોલીસે કાજલ હિન્દુસ્તાની સામે ગુનો નોંધ્યો હતો. આ કેસમાં ધરપકડથી બચવા કાજલ હિન્દુસ્તાનીએ ઉનાની નીચલી કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી. આ પછી કાજલ હિન્દુસ્તાનીએ કોર્ટમાં પહોંચીને સરેન્ડર કર્યું હતું. જ્યાંથી કાજલ હિન્દુસ્થાનીને જેલભેગી કરવામાં આવી હતી. ઉના શહેરમાં આયોજિત હિન્દુ સંમેલનમાં કાજલ હિન્દુસ્થાનીની વિવાદાસ્પદ સ્પીચથી ચોક્કસ સમુદાયમાં રોષ ફેલાયો હતો. આ પછી ગીર સોમનાથ પોલીસે કાજલ હિન્દુસ્તાની સામે ગુનો નોંધ્યો હતો.
આ પણ વાંચો :Kajal Hindustani : કોણ છે કાજલ હિન્દુસ્તાની, જેમના પર ઉશ્કેરણીજનક ભાષણ આપવાનો આરોપ છે ?
કાજલ હિન્દુસ્તાની પર ચોક્કસ સમુદાય વિરુદ્ધ ઉશ્કેરણીજનક ભાષણ કરવાનો આરોપ છે. તો બીજી તરફ કાજલ હિન્દુસ્તાની સામે એફઆઈઆર નોંધ્યા બાદ પોલીસે શનિવાર સુધી ધરપકડ કરી ન હતી. આ દરમિયાન કાજલ હિન્દુસ્તાનીએ નીચલી કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. આ જ મંચ પર ભાજપના એક ધારાસભ્ય પણ હજાર હોવાનું લોકમુખે ચર્ચા થઈ રહી છે અને તેઓ આ ભાષણને પણ સમર્થન આપી રહ્યા હોવાનું પણ ચર્ચા થઈ રહી છે ત્યારે શું પોલીસ આ ધારાસભ્ય વિરુદ્ધ કાર્યવાહી કરતાં ડરે છે કે કેમ તે અંગે પણ ગણગણાટ થઈ રહ્યો છે. અત્યારસુધીની કાર્યવાહીમાં પોલીસે 70 લોકોની ધરપકડ કરી હતી. અગાઉ સુપ્રીમ કોર્ટે હેટ સ્પીચ મામલે રાજ્યસરકારો નપુંસક થઈ ગઈ હોવાની ટિપ્પણી કરી હતી.