

દેશભરમાં મોંઘવારીએ માજા મુકી છે. તમામ વસ્તોના ભાવ આસમાને પહોંચ્યા છે. જેના પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હવે દેશવાસીઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. આરબીઆઈ ગવર્નરે મોંઘવારીને લઈને એક મોટો દાવો કર્યો છે. મોંઘવારીથી પીડિત લોકોને આગામી થોડા મહિનામાં મોટી રાહત મળી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ગવર્નર શક્તિકાંત દાસનું કહેવું છે કે નાણાકીય વર્ષ 2022-23ના બીજા ભાગમાં મોંઘવારી દરમાં ઘટાડો થવાની ધારણા છે. તેમણે કહ્યું કે કેન્દ્રીય બેંક ફુગાવાને અંકુશમાં લેવા માટે તમામ પ્રકારના નાણાકીય પગલાં લેવાનું ચાલુ રાખશે. હાલમાં, વૃદ્ધિને લગતા સારા સંકેતો છે.

દાસે કહ્યું હતું કે હાલમાં સપ્લાયનો અંદાજ ઘણો સારો દેખાય છે. તમામ સૂચકાંકો 2022-23ના બીજા ભાગમાં અર્થતંત્રની રિકવરીનો સંકેત આપી રહ્યા છે. અમારું મૂલ્યાંકન છે કે અમારી વર્તમાન ફુગાવો ધીમે ધીમે નીચે આવી શકે છે. આનાથી ભારતીય અર્થવ્યવસ્થાને આંચકાની શક્યતા ઓછી થશે.

દાસે કહ્યું કે આ એવો સમય છે જ્યારે સમગ્ર વિશ્વ મોંઘવારી દરમાં વધારો જોઈ રહ્યું છે. તે જ સમયે, વૈશ્વિક વેપારમાં ઘટાડો થયો છે. અમુક સમય માટે, ફુગાવો તે વસ્તુઓને અસર કરી શકે છે, જે નિયંત્રણની બહાર છે. તેમણે કહ્યું કે દેશની અર્થવ્યવસ્થામાં સ્થિરતા જાળવવા માટે રિઝર્વ બેંક પોતાની નીતિમાં ફેરફાર કરતી રહેશે.
રેપો રેટમાં વધારો
કોરોના મહામારીને કારણે ભારતીય અર્થવ્યવસ્થાની સ્થિતિ દયનીય બની છે. જો કે ધીમે ધીમે તેમાં રિકવરી નોંધાઈ રહી છે. પરંતુ મોંઘવારી દર હજુ પણ આરબીઆઈ દ્વારા નિર્ધારિત લક્ષ્ય કરતાં વધુ છે. કેન્દ્રીય બેંકે મોંઘવારી પર અંકુશ મેળવવા માટે રેપો રેટમાં વધારો કરવાનું શરૂ કર્યું છે. જૂન મહિનામાં જ રેપો રેટમાં વધારો કરવામાં આવ્યો હતો. આ પછી દેશની લગભગ તમામ બેંકોએ લોન પરના વ્યાજદરમાં વધારો કર્યો હતો. જૂનમાં રેપો રેટ 0.50 ટકા વધ્યા બાદ તે 4.90 ટકા થઈ ગયો છે.
ફુગાવો દર
દાસે કહ્યું કે મોનેટરી પોલિસી કમિટી (MPC) એ તેની એપ્રિલ અને જૂનની બેઠકોમાં 2022-23 માટે ફુગાવાનો દર સુધારીને 6.7 ટકા કર્યો છે. મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર 15.88 ટકા હતો. તે જ સમયે, એપ્રિલ મહિનામાં તે 15.08 ટકા હતો. 2012 પછી પહેલીવાર મોંઘવારી દર આ સ્તરે પહોંચ્યો છે. મે મહિનામાં રિટેલ મોંઘવારી દર 7.04 ટકા હતો.