શું ખરેખર પાછલા 9 વર્ષમાં દેશના દેવામાં 181%નો વધારો થયો છે?
હમ દેખેગે ન્યૂઝ: આપણે આગામી દિવસોમાં કોંગ્રેસે પીએમ મોદી પર દેશના દેવાને લઇને નિશાન સાધ્યું હતું. કોંગ્રેસે પોતાના નિવેદનમાં કહ્યું હતુ કે, આગામી 14 વડાપ્રધાનોએ પાછલા 70 વર્ષમાં જેટલું દેવું કર્યું નહતું તેટલું દેવુ પીએમ નરેન્દ્ર મોદી એ પાછલા નવ વર્ષમાં જ કરી લીધું છે. દેશને પાછલા વર્ષમાં દેવાદાર બનાવી દેવાનો આરોપ કોંગ્રેસે પીએમ મોદી પર લગાવ્યો હતો.
“દેશના 14 વડાપ્રધાનોએ મળીને 67 વર્ષમાં કુલ 55 લાખ કરોડ રૂપિયાનું દેવું કર્યું. છેલ્લા 9 વર્ષમાં પીએમ નરેન્દ્ર મોદી એ ભારતનું દેવું ત્રણ ગણું વધાર્યું છે. તેમણે માત્ર 9 વર્ષમાં 100 લાખ કરોડ રૂપિયાથી વધુનું દેવું લીધું. 2014માં સરકાર પર કુલ દેવું 55 લાખ કરોડ રૂપિયા હતું જે હવે વધીને 155 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.”
10 જૂને આ વાત કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનાતે કહી છે. ત્યારથી ભારત સરકારના દેવાની ચર્ચાએ જોર પકડ્યું છે. અમે બજેટ 2023 આર્થિક સર્વેક્ષણ અને સંસદમાં નાણામંત્રીના જવાબની મદદથી કોંગ્રેસના દાવાની તપાસ કરી છે કે શું આ વાત સત્ય છે.
ભારત સરકાર પર કેટલું દેવું છે? આ પ્રશ્નનો જવાબ કેન્દ્ર સરકાર દ્વારા બજેટની સત્તાવાર વેબસાઇટ પર જણાવવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર 31 માર્ચ 2023 સુધી ભારત સરકાર પર 155 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. આવતા વર્ષે માર્ચ સુધીમાં તે વધીને 172 લાખ કરોડ રૂપિયા થઈ શકે છે.
આ સિવાય 20 માર્ચ 2023ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે સાંસદ નાગેશ્વર રાવના એક પ્રશ્નનો લેખિત જવાબ આપ્યો છે. સાંસદ નાગેશ્વર રાવે સરકારી દેવા અંગે પ્રશ્ન પૂછ્યો હતો. તેના જવાબમાં નાણામંત્રી સીતારમણે પણ કહ્યું કે 31 માર્ચ 2023 સુધી ભારત સરકાર પર 155 લાખ કરોડ રૂપિયાનું દેવું છે.
આમ છેલ્લા 9 વર્ષમાં દેશનું દેવું 181% વધ્યું છે. તે વાત સ્પષ્ટ થાય છે. કોંગ્રેસના આરોપો પાયાવિહોણા નથી. જોકે, આ દેવા વધવા પાછળ શું કારણ છે તે પણ તપાસવા જરૂરી છે. તો મનમોહન સરકાર દરમિયાન દેશ પર કેટલું દેવું વધ્યું તે પણ તપાસ કરી લઈએ.
જ્યારે 2004માં મનમોહન સિંહની સરકાર બની ત્યારે ભારત સરકાર પર કુલ દેવું 17 લાખ કરોડ રૂપિયા હતું. 2014 સુધીમાં તે ત્રણ ગણાથી વધુ વધીને 55 લાખ કરોડ રૂપિયા થઈ ગયું. હાલમાં ભારત સરકાર પર કુલ 155 લાખ કરોડ રૂપિયાનું દેવું છે.
આ પણ વાંચો- બંગાળમાં TMC-રાજ્યપાલ વચ્ચે વિવાદ, CM મમતા બેનર્જીએ CV આનંદ બોઝને લખ્યો પત્ર
નાણાકીય વર્ષ 2014-15 મુજબ ત્યારે ભારત સરકાર પર કુલ દેવું 55 લાખ કરોડ રૂપિયા હતું. જો 2014માં દેશની કુલ વસ્તી 130 કરોડ માની લેવામાં આવે તો તે સમયે દરેક ભારતીયનું સરેરાશ દેવું લગભગ 42 હજાર રૂપિયા હતું.
હવે 2023માં ભારત સરકાર પર કુલ દેવું વધીને 155 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. ભારતની કુલ વસ્તી 140 કરોડ માની લઈએ તો આજના સમયમાં દરેક ભારતીય પર 1 લાખ રૂપિયાથી વધુનું દેવું છે.
એ જ રીતે હવે જો આપણે વિદેશી દેવાની વાત કરીએ તો 2014-15માં ભારતનું વિદેશી દેવું 31 લાખ કરોડ રૂપિયા હતું. હવે 2023માં ભારતનું વિદેશી દેવું વધીને 50 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.
2014માં સરકાર બનાવતા પહેલા ભાજપે જનતાને વચન આપ્યું હતું કે તે ભારત સરકારનું દેવું ઘટાડશે, પરંતુ છેલ્લા 9 વર્ષમાં દેશનું દેવું ઘટવાને બદલે વધ્યું છે.
2014થી અત્યાર સુધી મોદી સરકારે વિદેશમાંથી કુલ 19 લાખ કરોડ રૂપિયાનું દેવું લીધું છે, જ્યારે 2005થી 2013 સુધીના નવ વર્ષમાં યુપીએ સરકારે લગભગ 21 લાખ કરોડ રૂપિયાનું વિદેશી દેવું લીધું હતું. 2005માં દેશનું વિદેશી દેવું 10 લાખ કરોડ હતું જે 2013માં વધીને 31 લાખ કરોડ થઈ ગયું. એટલે કે 9 વર્ષમાં વિદેશી દેવું 21 લાખ કરોડ રૂપિયા વધ્યું.
2014થી 2022 સુધીમાં વિદેશી દેવું 33 લાખ કરોડ રૂપિયાથી વધીને 50 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે, એટલે કે આ 9 વર્ષમાં વિદેશી દેવું 19 લાખ કરોડ રૂપિયા વધી ગયું છે. આનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે 2014 પછી NDA સરકારમાં દેશનું દેવું ઓછું તો થયું નથી પરંતુ સતત વધી રહ્યું છે. આ દેશના માથા ઉપર પ્રતિદિવસ ભાર વધારતું રહેશે.
અર્થશાસ્ત્રી અરુણ કુમારે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતુ કે સરકારનું દેવું બે બાબતો પર નિર્ભર છે… 1. સરકારની આવક કેટલી છે અને 2 સરકારનો ખર્ચ કેટલો છે.
આવક કરતાં ખર્ચ વધુ હોય તો સરકારે દેવું લેવું પડે છે. સરકાર લોન લેતાંની સાથે જ રેવન્યુ ડેફિસિટમાં વધારો કરે છે. આનો અર્થ એ થયો કે સરકારનો ખર્ચ આવક કરતાં વધુ છે. સામાન્ય રીતે રાજકોષીય ઘાટો ત્યારે વધું હોય છે જ્યારે સરકાર દેવાના પૈસા ત્યાં ખર્ચે છે જ્યાં વળતર આવતું નથી.
કોરોના મહામારી (2020) પછી ભારત સરકારે લોકોને અનેક પ્રકારની સબસિડી આપી રહી છે. જે નીચે પ્રમાણે છે.
- 1. દર મહિને 80 કરોડ લોકોને મફત અનાજ
- 2. ઉજ્જવલા યોજના હેઠળ લગભગ 10 કરોડ મહિલાઓને મફત ગેસ સિલિન્ડર
- 3. લગભગ 9 કરોડ ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયા
- 4. પીએમ આવાસ યોજના હેઠળ બે કરોડ લોકો માટે ઘર બનાવવા માટે નાણાકીય સહાય
અર્થશાસ્ત્રી પરંજોય ગુહા ઠાકુરતાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે 2014માં સત્તામાં આવ્યા બાદ મોદી સરકારે ઘણી ફ્રીબીજ યોજનાઓ શરૂ કરી છે. લોકોને મફત વસ્તુઓ આપવા માટે સરકાર લોન લે છે. સબસિડી, સંરક્ષણ અને અન્ય સમાન સરકારી ખર્ચને કારણે દેશની રાજકોષીય ઘાટો વધે છે.
શું દેશનું દેવું વધવાથી મોંઘવારી વધે છે?
દરેકના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવે છે કે શું દેશનું દેવું વધવાથી મોંઘવારી વધે છે. આ કિસ્સામાં કેર રેટિંગ એજન્સીના ચીફ ઇકોનોમિસ્ટ મદન સબનવીસના જણાવ્યા અનુસાર, ‘દેશ પર વધતા દેવાનો ફુગાવા સાથે સીધો સંબંધ નથી. સરકાર દેવાના પૈસાનો ઉપયોગ આવક વધારવા માટે કરે છે. જ્યારે દેવાના પૈસા બજારમાં આવે છે ત્યારે તે સરકારની આવકમાં વધારો કરે છે.
આ સાથે તેમણે કહ્યું કે જો દેવાના પૈસાનો દુરુપયોગ થશે તો મોંઘવારી પણ વધી શકે છે. ઉદાહરણ તરીકે જો લોન લીધા પછી પૈસા સામાન્ય લોકોમાં વહેંચવામાં આવે છે, તો લોકો વધુ વસ્તુઓ ખરીદવાનું શરૂ કરશે. તેનાથી બજારમાં વસ્તુઓની માગ વધશે. માગ વધ્યા પછી પુરવઠો યોગ્ય નહીં હોય તો વસ્તુઓની કિંમતમાં વધારો થશે.
દેવું પણ દેશના વિકાસ માટે જરૂરી
અન્ય એક અર્થશાસ્ત્રી સુવ્રોકમલ દત્તાના મતે દેવું લેવું હંમેશા દેશ માટે ખરાબ હોતું નથી. ભારતની અર્થવ્યવસ્થા 3 ટ્રિલિયનથી વધુ થઈ ગઈ છે. આ હિસાબે 155 લાખ કરોડ રૂપિયાનું દેવું વધારે નથી. સરકાર આ પૈસા વંદે ભારત જેવી ટ્રેનો ચલાવવા, રસ્તાઓ અને એરપોર્ટ બનાવવા પાછળ ખર્ચે છે, જે દેશના વિકાસ માટે જરૂરી છે. સરળ ઉદાહરણ તરીકે સમજીએ તો, જેમ તમે કોઈ ગાડી ધંધો કરવા માટે લોન પર લો છો, તે ગાડી થકી તમે ધંધો કરીને લોન ચૂકવો છો અને પોતાના પરિવારનું ભરણપોષણ કરવાની સાથે તેમનો વિકાસ પણ કરો છો. આમ ઘણી વખત લોન લેવી ખરાબ ગણાતી નથી પરંતુ તેની યોગ્ય સમયે ભરપાઇ ન કરવામાં આવે તો તે મુસીબત બની જાય છે. આમ વ્યક્તિગત લોન લેવામાં આવી હોય કે દેશના વિકાસ માટે લોન લેવામાં આવી હોય પરંતુ તેની ચૂકવણી સમયસર ન થાય તો તે મુસીબત જ ઉભી કરે છે. કેમ કે વ્યાજનું ચક્ર સતત સમયની જેમ ફર્યા કરે છે.
વિશ્વમાં સૌથી વધુ દેવું લેનારા દેશોમાં જાપાન જેવા દેશોનો સમાવેશ થાય છે. વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ અમેરિકા પણ દેવું લેવા બાબતે ભારત કરતા આગળ છે. જોકે, અમેરિકાની અર્થવ્યવસ્થા $26.854 ટ્રિલિયનથી વધારે છે. તેથી તેના સાથે સરખામણી કરવી યોગ્ય ગણાશે નહીં. તો બીજી તરફ અમેરિકામાં માથાદીઠ આવક પણ ભારતીયો કરતાં ઘણી વધારે છે.
આ પણ વાંચો- ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં આ શહેરમાં યોજાશે વર્લ્ડ રેકોર્ડ