હરિયાણા: મહાયજ્ઞમાં વાસી ભોજન પિરસતા હોબાળો થયો, સુરક્ષાકર્મીએ 3 લોકો પર ગોળી ચલાવી દીધી, પથ્થરમારો પણ થયો


કુરુક્ષેત્ર, 22 માર્ચ 2025: હરિયાણાના કુરુક્ષેત્રના કેશવ પાર્કમાં ચાલી રહેલા 1000 કુંડી યજ્ઞ આયોજનમાં હોબાળો થઈ ગયો. આ યજ્ઞ કાર્યક્રમના આયોજક સ્વામી હરિઓમ દાસના પર્સનલ સુરક્ષાકર્મીઓ પર ત્રણ લોકોને ગોળી મારવાનો આરોપ છે. ગોળી વાગતા ત્રણેય લોકોને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે. તેમાંથી એકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. જાણકારી અનુસાર, મહાયજ્ઞમાં સામેલ થવા માટે અમુક યુવકોએ વાસી ભોજન પીરસવાને લઈને ફરિયાદ કરી હતી. જે બાદ વિવાદ થઈ ગયો. બોલાચાલી દરમ્યાન મહાયજ્ઞના આયોજનકર્તા હરિઓમ દાસના સુરક્ષાકર્મીએ ગોળી ચલાવી દીધી, જેમાં ત્રણ લોકો ઘાયલ થઈ ગયા.
આશીષ તિવારી નામના યુવકને ગંભીર હાલતમાં લોકનાયક જયપ્રકાશ સિવિલ હોસ્પિટલમા દાખલ કર્યો છે. આ ઘટનાથી નારાજ એક જાતિ વિશેષના લોકોએ મહાયજ્ઞ સ્થળ બહાર કુરુક્ષેત્ર-કૈથલ રોડ પર જામ કરી દીધો અને પથ્થરમારો કર્યો. પ્રદર્શનકારીઓની વધતી સંખ્યા જોતા પોલીસે કડકાઈ દાખવી અને જામ ખોલવાનો પ્રયાસ કર્યો. હાલમાં ઘટનાસ્થળ પર ભારે પોલીસ ફોર્સ ખડકી દેવામાં આવી છે અને સ્થિતિને કાબૂ કરવામાં આવી છે. જો કે માહોલ હજુ પણ તણાવભર્યો છે. પોલીસે લોકોને શાંતિ બનાવી રાખવા માટે અપીલ કરી છે અને ઘટનાની તપાસ શરુ કરી દીધી છે.
આ મહાયજ્ઞની શરુઆત 18 માર્ચથી શરુ થઈ હતી અને તે 27 માર્ચ સુધી ચાલવાનો છે. તેના માટે 1008 કુંડી યજ્ઞશાળાઓ બનાવી હતી. મહાયજ્ઞમાં દરરોજ 1,00,000 આહુતીઓ આપવામાં આવી રહી છે. આ આયોજનના સૂત્રધાર હરિઓમ દાસ છે. જેમને આ યજ્ઞ સમ્રાટના નામથી ઓળખાય છે. તેમણે દેશભરમાં 24 રાજ્યોમાં અત્યાર સુધીમાં 101 મહાયજ્ઞનું આયોજન કરાવ્યું છે. તેમનો સંકલ્પ આખા ભારતમાં 108 મહાયજ્ઞ કરવાનો છે. કુરુક્ષેત્રમાં 18 માર્ચથી શરુ થયેલા આ મહાયજ્ઞ આ જ ક્રમમાં 102મું આયોજન હતું. આ મહાયજ્ઞમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ મોહનલાલ બડોલી, મુખ્યમંત્રીની પત્ની સુમન સૈની અને પૂર્વ રાજ્ય મંત્રી સુભાષ સુધા જેવા કેટલાય મોટા નેતા પણ સામેલ થઈ ચુક્યા છે.
આ પણ વાંચો: ગજબનો ટોપીબાજ છે આ શિક્ષક, એક બે નહીં પણ આઠ મહિલા સાથે લગ્ન કર્યા, તેમના નામે 42 લાખની લોન પણ લઈ લીધી