ભારતના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતની સાથે હરિયાણાના એક ક્રિકેટરે 1.63 લાખ કરોડની છેતરપિંડી કરી છે. પંતની સાથે આ ચિટીંગ મૃણાંક સિંહે કરે છે, જેને પંતને સસ્તી કિંમતે મોંઘી બ્રાન્ડેડ ઘડિયાળ અપાવવાની વાત કરી હતી. આ ઉપરાંત મૃણાંકે પંત પાસેથી ઘરેણાં સહિતની કિંમતી વસ્તુઓ પણ લઈ લીધી જે તેને પરત કરી નથી. મૃણાંક એક બિઝનેસમેનને 6 લાખ રૂપિયા ઠગવાના આરોપમાં પહેલેથી જ મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે.
લક્ઝરી ઘડિયાળ સસ્તા ભાવે ખરીદવા જતા છેતરાયો પંત
રિપોટ્સ મુજબ ઋષભ પંતને મૃણાંક સિંહે કરોડોની કિંમતવાળી મોંઘી લક્ઝરી ઘડિયાળ સસ્તા ભાવે આપવાની લાલચ આપીને પોતાના જાળમાં ફસાવ્યો હતો. ઋષભ તેની પાસેથી ફ્રેંક મુલર વેનગાર્ડ સિરીઝની ક્રેઝી કલર વોચ 36 લાખ 25 હજાર રૂપિયા અને રિચર્ડ મિલી વોચ 62 લાખ 60 હજાર રૂપિયામાં ખરીદવા માગતો હતો. જે માટે તેને એડવાન્સ પેમેન્ટ પણ કર્યું હતું. આ મામલામાં ઋષભ પંતના વકીલ એકલવ્ય દ્વિવેદીએ પણ મૃણાંક વિરૂદ્ધ છેતરપિંડીનો કેસ કર્યો હોવાની જણાવી કહ્યું કે મૃણાંકે બાઉન્સ ચેકથી તેની સાથે છેતરપિંડી કરી છે.
આ રીતે પંતને બાટલીમાં ઉતાર્યો
ઋષભ પંતની ફરિયાદ મુજબ મૃણાંક સિંહે તેને જાન્યુઆરી 2021માં સસ્તી કિંમત મોંઘી લક્ઝરી ઘડિયાળ આપવાનું કહિને દગો આપ્યો હતો. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે મૃણાંકે પંતને લક્ઝરી ઘડિયાળ, બેગ અને જ્વેલરી ખરીદવા-વેચવાનો બિઝનેસ શરૂ કર્યો હોવાનું જણાવ્યું અને તેને વિશ્વાસમાં લેવા માટે અનેક એવા ક્રિકેટર્સના રેફરન્સ પણ આપ્યા જેમને તેમની પાસેથી વસ્તુઓ ખરીદી છે.
મૃણાંકે ઋષભ પંત અને તેમના મેનેજરને જણાવ્યું હતું કે લક્ઝરી ઘડિયાળ અને અન્ય વસ્તુ તેમને ઘણાં સસ્તા ભાવે અપાવી શકે છે. ઘડિયાળનું એડવાન્સ પેમેન્ટ ઉપરાંત પંતે મૃણાંકને લગભગ 66 લાખ રૂપિયાની કિંમતનો લક્ઝરી સામાન અને જ્વેલરી પર રિસેલ માટે આપ્યો હતો.
19 જુલાઈએ થશે સુનાવણી
દ્વિવેદીએ વધુમાં કહ્યું કે વ્યાજ સહિતની રકમ 1.8થી 1.9 કરોડ રૂપિયા થઈ ગઈ છે, કેમકે ફેબ્રુઆરી 2021માં ચેક બાઉન્સ થયો હતો. દ્વિવેદીએ કહ્યું કે- તે મેજિસ્ટ્રેટ સમક્ષ છેલ્લી સુનાવણીમાં હાજર ન હતો. તેથી મેજિસ્ટ્રેટે ત્યાંના SHOને નિર્દેશ આપ્યા છે કે તેઓ 19 જુલાઈએ આરોપીને વર્ચ્યુઅલી હાજર કરે. તે દિવસે તેનું નિવેદન પણ લેવામાં આવશે. અમે વચગાળાના વળતર માટે કલમ 143-એ અંતર્ગત અરજી પણ કરી છે, જેના પર વિચાર કરાશે અને દલીલ સાંભળવામાં આવશે.