હરિયાણામાં કોર્ટે ઇન્સ્પેક્ટરને એક કલાક લોકઅપમાં રહેવાની આપી સજાઃ કારણ જાણીને ચોંકી જશો!

હરિયાણાઃ 12 સપ્ટેમ્બર, 2025: Hariyana Court: હરિયાણાના કૈથલ જિલ્લામાં ગુરૂવારે (11 સપ્ટેમ્બર) જિલ્લા કોર્ટમાં સાક્ષી તરીકે હાજર થવા આવેલા ઇન્સ્પેક્ટર રાજેશ કુમારને લોકઅપમાં બંધ કરવામાં આવ્યા હતા. ઇન્સ્પેક્ટર રાજેશ એક હત્યા કેસમાં તપાસ અધિકારી તરીકે જુબાની આપવા માટે એડિશનલ સેશન્સ જજ મોહિત અગ્રવાલની કોર્ટમાં આવ્યા હતા, પરંતુ અડધો કલાક મોડા આવવાને કારણે કોર્ટે ઇન્સ્પેક્ટરને ઠપકો આપ્યો અને તેમને લોકઅપમાં બંધ કરવાનો આદેશ આપ્યો. એટલું જ નહીં, કોર્ટે તેમનો પગાર પણ જપ્ત કરવાની સજા ફટકારી હતી.
કોર્ટે પોતાના આદેશમાં લખ્યું કે, ઇન્સ્પેક્ટર રાજેશ વારંવાર કોર્ટનો અનાદર કરી રહ્યા હતા, જેમની સામે અગાઉ બિનજામીનપાત્ર વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું. કોર્ટ દ્વારા વારંવાર સમન્સ પાઠવ્યા બાદ, ઇન્સ્પેક્ટર રાજેશ સવારે 10:30 વાગ્યે કોર્ટમાં હાજર થયા, જ્યારે કોર્ટનો સમય સવારે 10 વાગ્યે શરૂ થાય છે. ત્યાર બાદ, કોર્ટે ઇન્સ્પેક્ટરને સવારે 10:30 થી 11:30 વાગ્યા સુધી લોકઅપમાં રાખવાનો આદેશ આપ્યો.
કોર્ટે કેમ આપ્યો આવો આદેશ?
પીડિત પક્ષે પંજાબ હરિયાણા હાઇકોર્ટમાં દલીલ કરી હતી કે, હત્યા કેસમાં ન્યાય મળવામાં વિલંબ થઈ રહ્યો છે. જેના કારણે હાઇકોર્ટે 10 ડિસેમ્બર 2024ના દિવસે જિલ્લા કોર્ટને કાયદા મુજબ સમય મર્યાદામાં કેસનો ચુકાદો સંભળાવવાનો આદેશ આપ્યો હતો. મર્યાદિત સમયમાં કેસની સુનાવણી કર્યા પછી પણ, ઈન્સ્પેક્ટર વારંવાર કોર્ટમાં હાજર રહ્યા ન હતા.
શું હતો કેસ?
હાલમાં સિરસા જિલ્લામાં તૈનાત ઇન્સ્પેક્ટર રાજેશ 2021માં કૈથલ જિલ્લાના સીવન પોલીસ સ્ટેશનમાં તપાસ અધિકારી તરીકે પોસ્ટેડ હતા. તે દરમિયાન, પોલીસ સ્ટેશન હેઠળના એક ગામમાં ફરિયાદીના ભત્રીજાની હત્યા કરવામાં આવી હતી. જેના કારણે મૃતકના કાકાએ તેમના ભત્રીજાના મૃત્યુ પછી ન્યાયમાં વિલંબ અંગે પંજાબ હરિયાણા હાઇકોર્ટમાં અપીલ કરી હતી અને તેમના પરિવારને જલ્દી ન્યાય મળવો જોઈએ.
આ પણ વાંચોઃ દેશની તિજોરી વિદેશી મુદ્રા ભંડારથી છલકાઈ, ખજાનો $698.27 બિલિયન પર પહોંચ્યો
આ પણ વાંચોઃ પીએમ મોદીની મણિપુર મુલાકાત કેટલી મહત્વપૂર્ણ ? બે વર્ષની હિંસા પછી, મેઇતેઈ અને કુકી સમુદાયોમાં આશાઓ વધી












