હરિયાણા : નરવાના બ્રાન્ચ કેનાલમાં પડેલી કાર 30 કલાકે મળી, એક જ પરિવારના 4 સભ્યોના મોત
હરિયાણાના અંબાલામાં ઈસ્માઈલપુર પાસેથી પસાર થતી નરવાના બ્રાન્ચ કેનાલમાં તેમની કાર પડતાં એક દંપતી અને બે બાળકોનાં મોત થયાં હતાં. આ ઘટના રવિવારે સવારે 11 વાગ્યે બની હતી. સોમવારે મોડી સાંજે આ માહિતી અંબાલાના નાગલ પોલીસ સ્ટેશને પહોંચી અને લગભગ અઢી કલાકની મહેનત બાદ કારને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી.
મૃતકોની ઓળખાણ કરાઈ, પીએમ માટે મૃતદેહો અંબાલા લવાયા
કારમાંથી દંપતી સહિત બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. જેમની ઓળખ લાલડુ પોલીસ સ્ટેશનના તિવાના ગામના રહેવાસી 40 વર્ષીય કુલબીર અને તેની પત્ની કમલજીત, બે બાળકો 16 વર્ષની જશનપ્રીત કૌર અને 11 વર્ષીય ખુશદીપ તરીકે થઈ છે. મૃતદેહોને બહાર કાઢ્યા બાદ પોલીસે તેમને પોસ્ટમોર્ટમ માટે અંબાલા સિટી સિવિલ હોસ્પિટલના શબઘરમાં રાખ્યા હતા. ફોરેન્સિક નિષ્ણાત તબીબો મંગળવારે પોસ્ટમોર્ટમ કરશે અને ત્યાર બાદ જ મોતનું કારણ સ્પષ્ટ થશે. નાગલ પોલીસ સ્ટેશને જણાવ્યું કે સંબંધીઓને જાણ કરવામાં આવી છે. મારુતિ કારમાં પરિવાર તેમના સંબંધીઓ પાસે જઈ રહ્યો હતો.