IPL-2024T-20 વર્લ્ડ કપવિશેષસ્પોર્ટસ

હર્ષ ભોગલે અનુસાર રોહિત અને હાર્દિકના સંબંધ સુધારવા દ્રવિડે શું કરવું જોઈએ?

12 મે, ચેન્નાઈ: ભારતીય ટીમના ખેલાડીઓ જેમનું સિલેક્શન T20 વર્લ્ડ કપમાં થયું છે તે આવતા અઠવાડિયાથી પોતાની જાતને માનસિક રીતે તૈયાર કરવા માંડશે. પરંતુ જાણીતા અને લોકપ્રિય કોમેન્ટેટર હર્ષ ભોગલે એ એક ખાસ મુદ્દા પર ક્રિકેટ ફેન્સનું ધ્યાન દોર્યું છે અને તેના પર આવનારા દિવસોમાં મોટી ચર્ચા છેડાઈ પડે તો નવાઈ નહીં.

હર્ષ ભોગલેએ ટ્વીટ કરી હતી અને કહ્યું હતું કે, ‘આ ટુર્નામેન્ટની (IPL 2024) કહેવા લાયક કોઈ કથા હોય તો તે છે મુંબઈ ઇન્ડિયન્સની શરણાગતી. આપણામાંથી મોટાભાગના એવું માનતા હતા કે આ ટીમ પ્લેઓફ્સમાં જરૂર આવશે. પરંતુ  હવે જ્યારે એ ખબર પડી ગઈ છે કે આમ નથી થવાનું ત્યારે હવે આપણે ટીમ ઇન્ડિયાની દ્રષ્ટિએ જોવાનું શરુ કરી દેવું જોઈએ. રાહુલ દ્રવિડને તુરંત જે કાર્ય કરવાનું છે એ છે કે તેના બે મુખ્ય ખેલાડીઓ, એટલેકે કેપ્ટન અને વાઈસ કેપ્ટન વચ્ચે સુમેળભર્યો સંબંધ સ્થાપિત કરવો અને ખાસ કરીને બંનેને ફોર્મમાં પરત લાવવા.’

હર્ષ ભોગલે વર્ષોથી કોમેન્ટ્રી કરે છે અને તેમનું દરેક મંતવ્ય કાયમ મહત્વપૂર્ણ હોય છે. લોકો તેમના વિચારને સન્માન પણ આપતા હોય છે પછી તે ક્રિકેટનો જાણકાર હોય, ફેન હોય કે પછી ક્રિકેટરો ખુદ હોય. હર્ષ ભોગલેએ ઉપરોક્ત ટ્વીટ કરીને એક બાબતે તો ઈશારો કરી દીધો છે કે મુંબઈ ઇન્ડિયન્સમાં બધું સારું નથી એ અફવા ફક્ત અફવા જ નથી.

ભોગલેએ કહ્યું છે કે કેપ્ટન અને વાઈસ કેપ્ટન એટલેકે રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા વચ્ચે સુમેળભર્યા સંબંધ સ્થાપિત કરવા એ રાહુલ દ્રવિડના તુરંત કરવાના કામમાંથી એક છે. આનો સીધો મતલબ એ જ છે કે મુંબઈ ઇન્ડિયન્સની  કપ્તાનીના મુદ્દે રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા વચ્ચે અણબનાવ છે અથવાતો હતો.

હર્ષ ભોગલેની આ વાત માની લેવામાં આવે તો ભારત માટે વર્લ્ડ કપ જીતવો એ એક મોટો પડકાર બની જશે. કારણકે જો કેપ્ટન અને તેના ડેપ્યુટી વચ્ચેનો સંબંધ જ સારો ન હોય તો ટીમના મોરલ પર તેની ખરાબ અસર પડી શકે છે. રાહુલ દ્રવિડનો શાંત અને ઠરેલ સ્વભાવ આ બંને વચ્ચે ફરીથી સારા સંબંધ સ્થાપિત કરવા માટે જરૂરથી કામે આવશે, પરંતુ તે એટલું સરળ નહીં હોય.

એટલું જ અઘરું હશે આ  બંનેને ફોર્મમાં પરત લાવવાનું કાર્ય. રોહિત શર્માની બેટિંગ જ્યારે હાર્દિક પંડ્યાની બેટિંગ અને બોલિંગ બંને આ IPLમાં એક વખત પણ નોંધપાત્ર દેખાવ કરી શક્યા નથી. ફોર્મને નેટમાં પરત લાવી શકાતું નથી તેથી દ્રવિડે આ બંનેને માનસિકરીતે તેમને નડતી તકલીફમાંથી બહાર કાઢવા પડશે અને એક હકારાત્મક માઈન્ડસેટમાં બેસાડવા પડશે ત્યારે જ આ બંને ફોર્મમાં આવશે.

Back to top button