અમદાવાદકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ FSL ખાતે મૃતકોના DNA રીપોર્ટ તૈયાર કરવાની કામગીરીની સમીક્ષા કરી

રાજકોટ, 27 મે 2024, શહેરમાં બનેલી દુર્ઘટના બાદ હાલમાં એફ.એસ.એલ દ્વારા મૃતકોના DNA કલેક્ટ અને મેચ કરવાની કામગીરી ચાલી રહી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજે એફ.એસ.એલ ખાતે પહોંચી આ કામગીરીની સમીક્ષા કરી હતી અને મૃતકોના પાર્થિવ દેહ તેમના પરિવારજનોને સત્વરે મળી રહે તે માટે 18થી વધુ સભ્યોની એફ.એસ.એલ ટીમ દિવસ-રાત કામગીરી કરી રહી હોવાની વિગતો આપી હતી. DNA કલેક્ટ કરવાથી લઇ તેનો ફાઈનલ રીપોર્ટ તૈયાર કરવા સુધીની કામગીરીની માહિતી આપતા મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે,મૃતદેહમાંથી DNAના સેમ્પલ લેવા માટે બ્લડની જરૂર હોય છે, રાજકોટની ઘટનામાં બ્લડ ન હોવાથી મૃતકોના બોન્સને તાત્કાલિક ગાંધીનગર એફ.એસ.એલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. મોટરમાર્ગે સમય ના બગડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલીક એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવા સૂચના આપી હતી.

વહેલી સવારે એફ.એસ.એલની ટીમે કામગીરી શરૂ કરી દીધી
ગૃહ રાજ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગઈકાલે વહેલી સવારે પાંચ વાગ્યાથી જ એફ.એસ.એલની ટીમે કામગીરી શરૂ કરી દીધી છે. સૌપ્રથમ આવેલા DNA સેમ્પલમાં બ્લડ અને મૃતકના પોસ્ટ્મૉર્ટમ દરમિયાન લેવાયેલા નમૂના હતાં. DNA સેમ્પલથી ફાઈનલ રીપોર્ટ સુધી કુલ આઠ તબક્કામાં આ કામગીરી કરવાની હોય છે. જે દરેક તબક્કામાં નમુનાના પ્રકારના આધારે પરીક્ષણનો સમયગાળો નક્કી કરાતો હોય છે.મંત્રીએ કહ્યું હતું કે, પ્રથમ તબક્કામાં કેસને પરીક્ષણ માટે નમૂનાઓના એનાલીસીસ માટે ખોલવા માટેની કેસ ઓપનીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, જેમાં અંદાજીત છ થી સાત કલાક સમય લાગે છે. દ્વિતીય તબક્કામાં નમૂનાઓમાંથી DNA એક્સ્ટ્રેક્ટ કરવામાં આવે છે, જેમાં પણ અંદાજીત છ થી સાત કલાક સમય જાય છે. ત્રીજા તબક્કામાં DNAની ક્વોન્ટીટી અને ક્વોલીટી ચેક કરવામાં આવે છે, જેમાં અંદાજીત ત્રણ થી ચાર કલાક સમય લાગે છે.

આ રીતે DNA સંવર્ધનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે
ત્યારબાદ ચોથા તબક્કા હેઠળ DNA નમૂનાઓનું પી.સી.આર એટલે કે, DNA સંવર્ધનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, જેમાં આશરે ત્રણ થી ચાર કલાક સમય લાગે છે. પાંચમા તબક્કામાં DNA પ્રોફાઈલીંગ કરવામાં આવે છે, જે અંદાજે આઠ થી નવ કલાક સમય લે છે. છઠ્ઠા તબક્કા હેઠળ મેળવેલ DNA પ્રોફાઈલનું એનાલીસીસ કરવામાં આવે છે, જેમાં બે થી ત્રણ કલાક સમય લાગે છે. આ ઉપરાંત સાતમાં તબક્કામાં એનાલીસીસ થયેલા નમૂનાઓનું ઈન્ટરપ્રીટેશન કરવામાં આવે છે, જેમાં અંદાજીત છ થી સાત કલાક સમય લાગે છે તેમજ અંતિમ અને આઠમાં તબક્કા હેઠળ DNA રીપોર્ટ તૈયાર કરવામાં આવે છે, જેમાં અંદાજીત ત્રણથી પાંચ કલાક સમય લાગે છે, તેમ મંત્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું.

આ પણ વાંચોઃઅમને તંત્રની કામગીરી પર ભરોસો નથી, હવે કામ નહી થાય તો વિચારવું પડશેઃ હાઈકોર્ટ

Back to top button