હરણીકાંડ : વડોદરાના બે મ્યુનિ. કમિશનર સામે શિક્ષાત્મક કાર્યવાહીના આદેશ
- ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરાયો મહત્વનો હુકમ
- એચ.એસ.પટેલ અને વિનોદ રાવ સામે લેવાશે પગલાં
- GAD વિભાગ કરશે બંને અધિકારીઓ સામે કાર્યવાહી
- કાર્યવાહીનો રિપોર્ટ 12 જુલાઈએ કોર્ટમાં રજૂ કરવાનો રહેશે
અમદાવાદ, 9 જુલાઈ : વડોદરામાં આવેલ હરણી લેકમાં થયેલ બોટ દુર્ઘટના કાંડ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો હુકમ કર્યો છે. હાઈકોર્ટ દ્વારા બે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર સામે શિક્ષાત્મક પગલાં ભરવાના આદેશ આપ્યા છે. આ બંને અધિકારીઓ સામે GAD વિભાગ કાર્યવાહી કરશે અને આ કાર્યવાહી અંગેનો રિપોર્ટ હાઇકોર્ટમાં રજૂ કરવાનો રહેશે. જેમાં 12 જુલાઈએ આ કેસની વધુ સુનાવણી થવાની છે. જેના પગલે સનદી અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.
મળતી માહિતી મુજબ, વડોદરા ખાતે આવેલ હરણી લેક ખાતે ગત તા.18 જાન્યુઆરીના રોજ પ્રવાસે આવેલા શાળા વિદ્યાર્થીઓ સાથેની બોટ પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના મૃત્યુ થયા હતા. આ પ્રકરણમાં આજે હાઇકોર્ટે મહત્વનો આદેશ કર્યો છે. હાઈકોર્ટ દ્વારા બે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર સામે શિક્ષાત્મક પગલાં ભરવાના આદેશ આપ્યા છે. તત્કાલીન મ્યુ.કમિશનર એચ.એસ.પટેલ અને વિનોદ રાવ સામે કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવા હુકમ કરવામાં આવ્યો છે.
જાણવા મળ્યા મુજબ આ બંને પૈકી એક અધિકારી નિવૃત્ત થઈ ગયા છે જ્યારે બીજા અધિકારી શિક્ષણ સચિવ તરીકે ફરજ બજાવે છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ઘટના માટે જવાબદાર કોઈને પણ છોડવામાં નહીં આવે તેવી સરકારે કટિબદ્ધતા બતાવી હતી. ત્યારે આજે સુનાવણી દરમિયાન જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા રાજ્ય સરકાર કટિબધ હોવાનું એડવોકેટ જનરલે નિવેદન આપ્યું હતુ.
આ પ્રકરણમાં સામે આવ્યું છે કે, મેસર્સ કોટિયા પ્રોજેક્ટ પાસે જરૂરી ક્વોલિફિકેશન નહીં હોવા છતાં તે સમયના મ્યુનિસિપલ કમિશનરે જાતે જ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી પહેલા મળી નહોતી તેમ છતાંય કમિશનરે મંજૂરી આપી હોવાનું કોર્ટનું અવલોકન જાણવા મળ્યું છે. આ બંને અધિકારીઓએ કાયદાથી વિપરીત નિર્ણયો લીધા હોવાનું પણ કોર્ટનું અવલોકન જોવા મળ્યું છે.