ગુજરાતટોપ ન્યૂઝ

હું ભાજપમાં જોડાઈશ કે નહીં તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી, જ્યારે નિર્ણય લઈશ ત્યારે જણાવીશઃ હાર્દિક પટેલ

Text To Speech

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. હાર્દિકે આજે અમદાવાદ ખાતે પત્રકાર પરીષદ યોજી જેમાં કહ્યું કે, કોંગ્રેસમાં જોડાયા પછી ખબર પડી કે તેઓ ગુજરાતમાં માત્ર જાતિવાદની જ રાજનીતિ કરે છે. હાર્દિક કહ્યું કે ત્રણ વર્ષની અંદર કોંગ્રેસને જાણી. કાર્યકારી પ્રમુખની જવાબદાર શોભાના ગાંઠિયા સમાન હોય છે.

કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલે પહેલું નિવેદન આપ્યું હતું. હાર્દિક પટેલે કહ્યું કે, ગઈકાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ આજે ખુલ્લા મનથી ચર્ચા કરવા આવ્યો છું. 2015થી 2019 સુથી ઈમાનદારીથી લડત લડી. 2019ના માર્ચમાં કોંગ્રેસમાં જોડાયો હતો. ગુજરાતના લોકોની વાત આક્રમકતાથી કરવા મટે કોંગ્રેસમાં જોડાયો હતો. 2019થી 2022ના સમયગાળામાં કોંગ્રેસને નજીકથી જાણી છે. કોંગ્રેસ સૌથી મોટી જાતિવાદી રાજનીતિ કરે છે. ગુજરાત કોંગ્રેસમાં કાર્યકારી અધ્યક્ષ એટલે શોભાના ગાંઠીયા જેવા હોય છે. ગુજરાત કોંગ્રેસે એકપણ જવાબદારી મને આપી નથી. કોંગ્રેસના નેતાઓ મને કહેતા હતા કે, તારા જેવા યુવાનોની જરૂર છે. કોંગ્રેસના ધારાસભ્ય અને અનેક યુવાનો નારાજ છે. જો કે હકિકત એ છે કે કોંગ્રેસ માત્ર લોકોનો દુરુપયોગ કરીને તેમને ફેંકી દેવાની જ નીતિ અપનાવે છે. નરહરિ અમીન ,ચીમનભાઈ પટેલને કોંગ્રેસમાંથી હટાવી દેવાયા છે. જ્યારે જ્યારે કોંગ્રેસમાં સાચી વાત કરવામાં આવી ત્યારે ત્યારે કેટલાક લોકો દ્વારા બદનામ કરવાનું કામ કરવામાં આવે છે.

હાર્દિકે કહ્યું કે, ‘મેં હજુ ભાજપમાં જોડવાનો નિર્ણય કર્યો નથી. કોંગ્રેસનું કાર્યાલય તોડનારા શહેર પ્રમુખ બને છે. પાટીદાર સમાજના 14 યુવાનો મૃત્યુ પામ્યા ત્યારે તેમના ઘરે કોંગ્રેસના નેતાઓ કેમ નહોતા ગયા. રામ મંદિર, NRC અને CAA મુદ્દે કોંગ્રેસ બોલવા તૈયાર નથી. 2017માં મે લોકોને કોંગ્રેસને મત આપવા વિનાવ્યા હતા તે બદલ માફી માગુ છું. વિરોધ પ્રદર્શનના નામે કોંગ્રેસ માત્ર નાટક કરે છે. રઘુ શર્માને સચિન પાયલોટએ મદદ કરી હતી. પાયલોટને મદદ કરવાનો વારો આવ્યો ત્યારે રઘુ શર્માએ ના કરી. મંત્રી તરીકે હટાવવાના હતા એટલે પ્રભારી બની ગયા. દાહોદમાં 25 હાજર લોકો હતા અને 70 હજારનું બિલ બનાવ્યું. કેન્દ્રમાંથી ખોટા બિલ બનાવીને પૈસા લઈ લેવા છે. કોંગ્રેસના કાર્યકરોનો દિલથી આભાર માનું છું. કોંગ્રેસના કાર્યકરોને છોડવાનું દુઃખ છે. આપ કે ભાજપમાં જવાનો નિર્ણય કર્યો નથી. જ્યારે નિર્ણય લઈશ ત્યારે આપને જાણ કરીશ.’

હાર્દિકે કોંગ્રેસના નેતાઓને આડેહાથ લેતાં કહ્યું કે, મારા પિતાનું મૃત્યુ થયું ત્યારે માત્ર શક્તિસિંહ ગોહિલ જ મારા ઘરે આવ્યા હતા. જો મારા દુઃખમાં ન આવી શક્યા તે ગુજરાતના લોકોનું દુઃખ શું જાણી શકવાના. ગુજરાતના લોકોને વિનંતી કરું છું કે, કોંગ્રેસ ઉપર વિશ્વાસ ન કરતા. કોંગ્રેસ તમારો ભરોષો તોડશે. મે મારી કારકિર્દીના 3 વર્ષ બગડ્યા તેનો મને અફસોસ છે. ગુજરાતમાં કોંગ્રેસ આવનારા દિવસોમાં વિપક્ષની ભૂમિકામાં પણ નહિ હોય.

ગુજરાતમાં પાટીદાર સમાજ હોય કે અન્ય સમાજના હોય તેમને કોંગ્રેસમાં સહન કરવું પડ્યું છે. કોંગ્રેસમાં સાચું બોલો એટલે મોટા નેતાઓ તમને બદનામ કરે અને તે જ તેમનો વ્યૂહ છે.ગુજરાતમાં માત્ર હાર્દિક જ કોંગ્રેસથી નારાજ નથી.ગુજરાતમાં અસંખ્ય નેતાઓ અને ધારાસભ્યો એવા છે જે માત્રને માત્ર કોંગ્રેસનો ઉપયોગ કરે છે.કોંગ્રેસમાં કોઈ મજબૂત થાય ત્યારે તેને હટાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.સત્તામાં બેસીને પાર્ટીમાં વખાણ કરો એનો મતલબ એ નથી એ પાર્ટીમાં બે ટકા વસ્તી ધરાવતા સમાજના મુખ્યમંત્રી બની શકે છે.7 થી 8 લોકો 33 વર્ષથી કોંગ્રેસ ચલાવે છે. મારા જેવા કાર્યકરો રોજના 500-600 કિ.મી. ફરીને લોકો વચ્ચે જઈને તેમના સુખ-દુખ જાણવાનો પ્રયાસ કરે તો અહીંના મોટા નેતાઓ એસી ચેમ્બરમાં બેસીને આ પ્રયાસને ખોરવી નાંખવા પ્રયાસ કરે છે.

યુથ કોંગર્સની ચૂંટણીમાં 5 કરોડ ઉઘરાવવામાં આવે છે. કોંગ્રેસ મૂર્ખ કહેવાય જેણે મારા કહેવાથી ટિકીટ આપી. મેં કોંગ્રેસને માત્ર આપ્યું છે, કશું લીધું નથી. કોંગ્રેસને પાટીદાર આંદોલનનો ફાયદો થયો છે.જ્યારે તમને અનુભવ થશે ત્યારે બીજા લોકોને પણ ખબર પડશે. હજી ભાજપમાં જવાનો મારો નિર્ણય પણ નથી. હું કોંગ્રેસમાં રહું તેવું કોઈ નેતા ઈચ્છતા નથી. કોંગ્રેસ પર ગુસ્સો એટલા માટે આવે છે કારણ કે વારંવાર ધર્મની વાતને અવગણવામાં આવે છે.તમારે કોંગ્રેસને જોવી હોય તો ખરેખર રાજીવ ગાંધી ભવન આવીને જોવી જોઈએ, ત્યારે ખરેખર વાસ્તવિકતા શું છે એની ખબર પડશે.કોંગ્રેસ ગુજરાતના લોકોને દુઃખી કઈ રીતે કરી શકાય તે જ કામ કરે છે.

ગુજરાતમાં રાહુલ આવે ત્યારે આજ સુધી તેમના વિરુદ્ધ બોલ્યો નથી. તેઓ જ્યારે ગુજરાત આવ્યા ત્યારે તેમને ગુજરાતની સમસ્યા વિશે વાત કરી નથી.પાર્ટીના નેતાઓ રાહુલ ગાંધી માટે ચિકન સેન્ડવીચ અને ડાયટ કોકની વ્યવસ્થા કરે છે. પક્ષમાં એવી ચર્ચાઓ કરવામાં આવે છે કે જ્યારે લોકો કંટાળી જશે ત્યારે કોંગ્રેસને વોટ આપશે. નરેશ પટેલને પાર્ટીમાં લેવાની વાતો કરે છે પણ હજી કોઈ નિર્ણય લીધો નથી.મેં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે વાત કરી છે અને ગુજરાતની સમસ્યા જણાવી છે. તેમણે મને શું સમસ્યાઓ છે એવું પૂછ્યું અને મેં જણાવી છે. ત્યારે મને ઈગ્નોર કરવામાં આવ્યો હતો. મેં પક્ષ છોડવાનો દુઃખ સાથે નિર્ણય નથી લીધો પણ હિંમત સાથે લીધો છે.

બુધવારે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું
છેલ્લાં એક મહિનાથી હાર્દિક પટેલ અને કોંગ્રેસ વચ્ચે નારાજગીના સમાચારો સામે આવી રહ્યાં હતા, ત્યારે હાર્દિક પટેલે બુધવારે કોંગ્રેસમાંથી રાજીનામું આપતાં એક પ્રકરણનો અંત આવી ગયો છે. જો કે હવે હાર્દિક આપમાં જોડાશે કે ભાજપમાં? કે પછી પોતાની નવી પાર્ટી ઊભી કરશે? જેવી અનેક અટકળો ચાલી રહી છે.

મેં બે વખત ફોન કર્યો પણ હાર્દિક કાપી નાખ્યો- જગદીશ ઠાકોર
હાર્દિક પટેલના રાજીનામા મુદ્દે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે તીખી પ્રતિક્રિયા આપી હતી. ચિંતન શિબિરનો ઉલ્લેખ કરતાં કહ્યું કે શિબિર સમયે મેં હાર્દિકને બે વખત ફોન કર્યો હતો. પણ હાર્દિકે ફોન કાપી નાખ્યો, કોઈ જવાબ ન આપ્યો.હાર્દિક પટેલની ઈચ્છા હતી કે નારાજગીનો મામલો વધુ લંબાય. હાર્દિકના રાજીનામાનો પત્ર કમલમથી લખાયો હોવાનો આરોપ પણ પ્રદેશ પ્રમુખે કર્યો હતો.

કોંગ્રેસ પ્રત્યે કાઢી ભડાશ
હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપતા તેઓએ ટ્વિટર ઉપર સોનિયા ગાંધીને સંબોધીને પત્ર લખ્યો છે અને પાર્ટીના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી હોવાનું જણાવ્યું છે. સોનિયા ગાંધીને લખેલા પત્રમાં હાર્દિક પટેલે પક્ષ પ્રત્યે પોતાની હૈયાવરાળ ઠાલવી છે.

હાર્દિક પટેલે કોંગ્રેસ અધ્યક્ષાને પત્ર લખી પક્ષ પ્રત્યે ભડાશ કાઢી હતી

હાર્દિકે પત્રમાં લખ્યું છે કે, “આ 21મી સદી છે અને ભારત વિશ્વનો સૌથી યુવા દેશ છે. દેશના યુવાનોને સક્ષમ અને મજબૂત નેતૃત્વ જોઇએ છે. છેલ્લાં લગભગ 3 વર્ષમાં મેં જોયું છે કે કોંગ્રેસ પાર્ટી માત્ર વિરોધની રાજનીતિ પૂરતી સીમિત રહી ગઈ છે, જ્યારે દેશની જનતાને એવા વિકલ્પની જરૂર છે, જે તેમના ભવિષ્ય વિશે વિચારે, દેશને આગળ લઈ જવાની ક્ષમતા રાખે. અયોધ્યામાં ભગવાન શ્રીરામનું મંદિર હોય, CAA-NRCનો મુદ્દો હોય, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની વાત હોય કે GST લાગુ કરવાની હોય, દેશ લાંબા સમયથી એનો ઉકેલ ઇચ્છતો હતો અને કોંગ્રેસ પાર્ટી માત્ર એમાં અડચણરૂપ બનવાનું કામ કરતી રહી.“

ગુજરાતના નેતાઓ દિલ્હીથી આવતા નેતાને ચિકન સેન્ડવિચ મળી કે નહીં તે વાત પર જ ધ્યાન
હાર્દિક વધુમં લખ્યું છે કે “ હું જ્યારે પણ હાઇકમાન્ડને મળ્યો ત્યારે તેમનું ધ્યાન માત્ર મોબાઈલમાં જ હતું. હાઇકમાન્ડને ગુજરાત અને ગુજરાતીઓથી નફરત છે. ગુજરાતનાં નેતાઓ દિલ્હીથી આવેલા નેતાને ચિકન સેન્ડવીચ ટાઈમ પર મળી કે નહીં તેની પર જ ધ્યાન આપે છે.”

કોંગ્રેસના મોટા નેતાઓએ જાણીજોઇને ગુજરાતની જનતાના પ્રશ્નોને નબળા પાડ્યા
ભારત હોય, ગુજરાત હોય કે મારો પાટીદાર સમાજ હોય, દરેક મુદ્દે કોંગ્રેસનું સ્ટેન્ડ કેન્દ્ર સરકારનો વિરોધ કરવા પૂરતું જ સીમિત રહ્યું છે. દેશના લગભગ દરેક રાજ્યમાં કોંગ્રેસને જનતાએ નકારી કાઢી છે, કારણ કે કોંગ્રેસ પક્ષ અને પક્ષનું નેતૃત્વ જનતા સમક્ષ પાયાનો રોડમેપ પણ રજૂ કરી શક્યું નથી.

મારે અત્યંત દુઃખ સાથે કહેવું પડે છે કે આજે ગુજરાતમાં દરેક વ્યક્તિ જાણે છે કે કેવી રીતે કોંગ્રેસના મોટા નેતાઓએ જાણીજોઇને ગુજરાતની જનતાના પ્રશ્નોને નબળા પાડ્યા છે અને એના બદલામાં પોતે જ મોટો આર્થિક ફાયદો ઉઠાવ્યો છે. રાજકીય વિચારધારા ભલે જુદી હોય, પરંતુ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ આ રીતે વેચાઇ જવું એ રાજ્યની જનતા સાથે મોટો વિશ્વાસઘાત છે.

ગુજરાતના યુવાનો પ્રત્યે દ્વેષ રાખે છે
હાર્દિકે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પર પણ પત્રમાં અનેક આક્ષેપ કર્યા છે. સાથે જ લખ્યું છે કે, “રાજકીય વિચારધારા ભલે જુદી હોય, પરંતુ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ આ રીતે વેચાઇ જવું એ રાજ્યની જનતા સાથે મોટો વિશ્વાસઘાત છે. મે ક્યારેય વિચાર્યું ન હોતું કે કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ અમારા રાજ્ય, અમારા સમાજ અને ખાસ કરીને યુવાનો પ્રત્યે આટલો દ્રેષ પોતાના મનમાં રાખે છે.”

Back to top button