હાર્દિક પટેલના કોના ? ‘કેસરિયા’ કરે તો કોને ફાયદો ?
કૉંગ્રેસમાં રાજીનામું આપી ગુજરાતની રાજનીતિમાં રાજકીય ભૂકંપ સર્જનાર હાર્દિક પટેલ છેલ્લા 24 કલાકથી ચર્ચાના કેન્દ્રમાં છે. પહેલા નારાજગી, પછી રાજીનામું અને હવે ચર્ચા એ છે કે, હાર્દિક પટેલ કૉંગ્રેસનો હાથ છોડ્યા બાદ શું ભાજપનો ખેસ પહેરશે ? અને જો કેસરિયો પહેરે તો તેનાથી હાર્દિકને કેટલો ફાયદો ?
ગુજરાતની રાજનીતિની શેરીમાં જે હવા ચાલી રહી છે. તે મુજબ, તો હાર્દિક પટેલ ભાજપમાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. રાજીનામા બાદ કરેલી પહેલી પ્રેસ કોન્ફરન્સમાં હાર્દિક પટેલે ભાજપના ભરપૂર વખાણ કર્યા છે. અનામતને લઈ ભાજપના સરકારના વખાણ કરતા હાર્દિકે કહ્યું કે- “અમે દુ:ખી હતા એટલે અમે આંદોલન કરતાં હતા પણ ભાજપ સરકારે જ મોટું મન રાખીને અમને 10 ટકા અનામત આપી હતી.”
ભાજપનું હાર્દિક તરફ નરમ વલણ
તો, બીજી તરફ ભાજપે હાર્દિકના આગમનના સવાલ પર હંમેશા એ જ જવાબ આપ્યો છે કે, ભાજપના દરવાજા તમામ લોકો માટે ખુલ્લા છે. જેને આવવું હોય તેનું સ્વાગત છે. ભાજપ તરફથી ભલે સીધી રીતે હાર્દિકની વાત ન કરવામાં આવતી હોય પરંતુ, ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપ કોઈપણ નિર્ણય લઈ શકે છે. તો હાર્દિક પણ રાજનીતિમાં સક્રિય રહેવા અને સત્તા પક્ષમાં અસ્તિત્વ-વર્ચસ્વ મળવાની બાંહેધરીથી કેસરિયા કરી શકે છે. તેનું કારણ છેભાજપનું હાર્દિક પ્રત્યેનું નરમ વલણ છે. હાર્દિક પટેલ સામેના કેસ પરત ખેંચવા માટે ગુજરાત સરકાર સંમત થઈ છે. અને પાટીદાર સામે કુણુ વલણ દાખવ્યું છે. જેથી હવે હાર્દિક પાસે માત્ર એક જ ઓપ્શન છે કે તે ભાજપમાં જોડાઈ જાય. અને વિરમગામ બેઠક પરથી 2022ની વિધાનસભાની ચૂંટણી લડે.
2017માં વિરમગામ બેઠક પરથી ભાજપના તેજશ્રીબહેન પટેલ સામે કોંગ્રેસના લાખાભાઈ ભરવાડ જીતી ગયા હતા. વિરમગામ બેઠક કોંગ્રેસનો ગઢ ગણાય છે. વિકાસમાં હજી પણ પાછળ છે. આ એ જ વિરમગામના હાર્દિક પટેલ જો ભાજપમાં જોડાય તો ભાજપ વિરમગામ બેઠકની ટિકિટ તેમને આપે અને કોંગ્રેસની બેઠક છીનવી લે તેવું બને. અને હાર્દિક જીતે તો કેબિનટ મંત્રી પણ બની શકે છે.
હાર્દિકના કેસરિયાથી ભાજપને કેટલો ફાયદો ?
હાર્દિક પટેલના ભાજપમાં આવવાથી પક્ષને કોઈ સીધો ફાયદો થાય તેવું લાગતું નથી, કારણકે ભાજપ માટે ચૂંટણીનો સૌથી મોટો ચહેરો પીએમ નરેન્દ્ર મોદી છે. અને પાટીદારો તો વર્ષોથી ભાજપના ચાહક છે અને ભાજપની મતબેંક છે. પાટીદારો સીધી રીતે હવે હાર્દિક પટેલની વાત માને તેવું નથી. પાટીદાર અનામત આંદોલન વખતની વાત જૂદી હતી. હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા પછી પહેલા જેવી લોકપ્રિયા હવે રહી નથી. હાર્દિક પટેલના કોંગ્રેસમાં આવ્યા પછી કોંગ્રેસના જ કેટલાક સીનીયર નેતાઓમાં નારાજગી હતી. એવી જ રીતે હાર્દિક પટેલ ભાજપમાં આવશે તો ભાજપના જ પાટીદાર નેતાઓ નારાજ થશે, તે વાત ચોક્કસ છે. તેમ છતાં, પહેલા ના કહીને કૉંગ્રેસને માત આપવા માટે હંમેશા કૉંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓને લેતી ભારતીય જનતા પાર્ટી હાર્દિકને આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી એક તક આપી શકે છે.