ગુજરાતટોપ ન્યૂઝ

હાર્દિક પટેલ ગુરુવારે ભાજપમાં જોડાય તેવી શક્યતા, કમલમ ખાતે CM અને પ્રદેશપ્રમુખની ઉપસ્થિતિમાં કેસરિયો ધારણ કરશે

Text To Speech

પાટીદાર આંદોલનથી લાઈમલાઈટમાં આવેલા પાટીદાર નેતા હાર્દિક પટેલે થોડા દિવસ પહેલાં જ કોંગ્રેસને રામ રામ કરી દીધા છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ જશે એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું, પરંતુ હવે તેઓ આગામી 2 જૂનના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે. કમલમમાં બપોરે બાર વાગ્યે સત્તાવાર રીતે હાર્દિક પટેલ કેસરિયો ખેસ ધારણ કરશે. આ પહેલાં હાર્દિક પટેલ 30 કે 31 મેનાં રોજ ભાજપમાં જોડાશે તેવી વાત સામે આવી હતી, ત્યારે હવે 2 જૂન, ગુરુવારે હાર્દિક કેસરિયો ધારણ કરશે તેવી વાતે જોર પકડ્યું છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભાજપમાં પ્રવેશ કરતા પહેલા હાર્દિક પટેલ સભા યોજી શક્તિ પ્રદર્શન પણ કરી શકે છે. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા હાર્દિકના ભાજપ પ્રવેશ દરમિયાન હાજર રહે તેવી શક્યતા છે.  જો કે હાર્દિક કે ભાજપ તરફથી હજુ સુધી આ મામલે કોઈ પુષ્ટી કરવામાં આવી નથી. હાર્દિકના નજીકના વ્યક્તિએ આ માહિતી આપી હતી. સૂત્રો તરફથી મળેલી જાણકારી મુજબ હાર્દિકે પોતાના નજીકના સાથીઓને ફોન અને મેસેજ કરી 30 અને 31 તારીખે ગાંધીનગર આવવા માટે કહ્યું છે.

18મી મેનાં રોજ હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું
છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ રહેલા હાર્દિક પટેલે 18મી મેએ સોનિયા ગાંધીને ખુલ્લો પત્ર લખીને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદથી હાર્દિક ખૂલીને કોંગ્રેસનો વિરોધ કરી રહ્યો છે. હાલમાં જ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીના રામ મંદિરની ઈંટો પર કૂતરાઓ પેશાબ કરતા હતા એ નિવેદનને લઈને રાજકારણ ગરમાયું હતું.

હાર્દિક પટેલે ટ્વીટ કરીને કહ્યું હતું કે, “મેં પહેલાં પણ કહ્યું હતું કે કોંગ્રેસને જનતાની ભાવનાઓ સાથે કોઈ લેવાદેવા નથી, કોંગ્રેસ પાર્ટી હંમેશાં હિન્દુ ધર્મની આસ્થાના વિરોધમાં જ કામ કરતી આવી છે. આજે ગુજરાતના નેતાએ નિવેદન આપ્યું કે રામ મંદિરની ઈંટો પર કૂતરાઓ પેશાબ કરતા હતા. હું કોંગ્રેસ અને તેના નેતાઓને પૂછવા માગું છું કે તમને ભગવાન શ્રીરામથી શું વાંધો છે. હવે તો ભગવાન શ્રીરામના મંદિરનું નિર્માણ પણ થઇ રહ્યું છે છતાંય કોંગ્રેસના નેતા વિવાદાસ્પદ નિવેદન કેમ આપે છે. શું કોંગ્રેસને હિન્દુઓના વોટની જરૂર નથી?”

રાજીનામું આપ્યા બાદ ભાજપની બોલી બોલતો હાર્દિક પટેલ
હાર્દિક પટેલે કોંગ્રેસ છોડ્યા બાદ કરેલી પ્રેસ-કોન્ફરન્સમાં પણ રામ મંદિર, CAA, NRCનાં વખાણ કર્યા હતા. તેનું કહેવું છે કે યુવાનો દેશ માટે સક્ષમ અને મજબૂત નેતૃત્વ ઈચ્છે છે, પણ હકીકત એ છે કે કોંગ્રેસનું એક જ કામ છે- કેન્દ્ર સરકારનો વિરોધ કરવાનું. દેશ અયોધ્યામાં રામ મંદિર, 370, CAA-NRC અને GST જેવા નિર્ણય ઈચ્છે છે, જ્યારે કોંગ્રેસ માત્ર અવરોધો પેદા કરે છે. કોંગ્રેસ પર ગુસ્સો એટલા માટે આવે છે, કારણ કે વારંવાર ધર્મની વાતને અવગણવામાં આવે છે.

Back to top button