IPL-2024ટ્રેન્ડિંગસ્પોર્ટસ

હાર્દિક પંડ્યાના નામે શરમજનક રેકોર્ડ, ચાહકોને યાદ આવી 2008ની IPL સિઝન

  • ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ નવા કેપ્ટન હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં રમી રહી છે, પરંતુ અત્યાર સુધી ટીમનું પ્રદર્શન અપેક્ષા મુજબનું રહ્યું નથી

HD ન્યૂઝ ડેસ્ક, 28 માર્ચ: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં અત્યાર સુધી 2 મેચ રમી છે અને બંનેમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. ગત વર્ષે જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે અચાનક જ હાર્દિકને ટીમનો નવો કેપ્ટન બનાવવાનો નિર્ણય કર્યો ત્યારે આ અંગે ચાહકોમાં ભારે નારાજગી જોવા મળી હતી, જ્યારે હવે પ્રથમ 2 મેચમાં ટીમની હારને કારણે કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યા પર ઘણું દબાણ વધી ગયું છે. આ સાથે જ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે હાર્દિકના નામે એક શરમજનક રેકોર્ડ પણ જોડાઈ ગયો છે.

હરભજન બાદ હાર્દિક આ મામલે બીજો કેપ્ટન બન્યો

મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 2008ની આઈપીએલ સીઝન હરભજન સિંહની કપ્તાનીમાં રમી હતી, જેઓ પ્રથમ વખત ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા. આ સીઝનની પ્રથમ ત્રણ મેચમાં ટીમને સતત હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી હાર્દિક મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો બીજો કેપ્ટન બની ગયો છે, જેણે પ્રથમ વખત આ ફ્રેન્ચાઈઝીના કેપ્ટન તરીકે IPL સિઝનની પ્રથમ 2 મેચ હારી છે. હાર્દિકે વર્ષ 2022ની સિઝનમાં ગુજરાત ટાઇટન્સ ટીમ સાથે IPLમાં તેની કેપ્ટનશિપની શરૂઆત કરી હતી અને પ્રથમ પ્રયાસમાં જ ટીમને વિજેતા બનાવી હતી. આ પછી, GT 2023 સીઝનમાં પણ ફાઇનલમાં પહોંચી હતી. આ વર્ષની IPL સિઝનમાં હાર્દિક તેની જૂની ફ્રેન્ચાઈઝીમાં પાછો ફર્યો હતો, જેમાં તેને રોહિત શર્માની જગ્યાએ ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જોકે હવે ટીમનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નથી.

હાર્દિક અત્યાર સુધી બેટિંગ અને બોલિંગમાં ફ્લોપ રહ્યો

IPL 2024 સીઝનની પ્રથમ બે મેચોમાં જ્યારે હાર્દિક પંડ્યા કેપ્ટનશિપના મોરચે સંપૂર્ણ ફ્લોપ દેખાયો હતો, ત્યારે તે બોલિંગમાં કે બેટિંગમાં પણ કંઈ ખાસ કરી શક્યો નથી. પહેલી મેચમાં હાર્દિક 30 રન આપ્યા બાદ કોઈ વિકેટ લઈ શક્યો ન હતો, ત્યાં તે બેટથી માત્ર 11 રન જ બનાવી શક્યો હતો. સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં હાર્દિકે તેની 4 ઓવરમાં 46 રન આપ્યા અને માત્ર 1 જ વિકેટ લીધી હતી. જ્યારે ટીમ 278 રનના મોટા લક્ષ્યનો પીછો કરી રહી હતી ત્યારે હાર્દિક 20 બોલમાં 24 રનની ધીમી ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો.

આ પણ વાંચો: IPL2024: સનરાઈઝર્સ હૈદરાબાદનો જંગી સ્કોર પાર કરવામાં મુંબઈ ઈન્ડિયન્સનો પનો ટૂંકો પડ્યો

Back to top button