ટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટ્સ

6,6,6,6… ઇજા બાદ હાર્દિક પંડ્યાની શાનદાર કમબેક, તોફાની બેટિંગથી મચાવી ધમાલ

હૈદરાબાદ: 2 ડિસેમ્બર, 2025: એશિયા કપ ફાઈનલ પહેલા ઈજાના કારણે ટીમમાંથી બહાર થયેલા સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ આખરે મેદાન પર ધમાકેદાર વાપસી કરી છે. મંગળવારે (2 ડિસેમ્બર) સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT)માં બરોડા તરફથી રમતા હાર્દિકે પંજાબ સામે 77 રનની આક્રમક ઈનિંગ રમીને પોતાની ટીમને શાનદાર જીત અપાવી હતી. તેની વાપસીને લઈને ચાલી રહેલી તમામ અટકળો પર આ ઇનિંગ સાથે પૂર્ણવિરામ મુકાયું છે.

​બે મહિના બાદ મેદાન પર ઉતર્યો હાર્દિક

​ઉલ્લેખનીય છે કે, એશિયા કપમાં શ્રીલંકા સામેની ભારતની મેચ બાદ હાર્દિક પંડ્યા ક્વાડ્રિસેપ્સ સ્નાયુની ઈજાના કારણે બહાર થયો હતો. આ ઈજાના કારણે તે બે મહિનાથી વધુ સમય સુધી ક્રિકેટના મેદાનથી દૂર રહ્યો હતો. તેની ફિટનેસને લઈને અનિશ્ચિતતા હતી, પરંતુ બેંગલુરુ સ્થિત BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સમાં રિહેબ અને સખત અભ્યાસ બાદ તેણે SMAT 2025માં વાપસી કરી છે. તેની પ્રથમ મેચ જ મજબૂત પંજાબ ટીમ સામે હતી, જેણે આ મુકાબલાને વધુ ખાસ બનાવ્યો હતો.

​પંજાબ સામે બરોડાનો રોમાંચક વિજય

​મંગળવારે હૈદરાબાદમાં રમાયેલી આ હાઈ-સ્કોરિંગ મેચમાં હાર્દિકની બોલિંગ થોડી મોંઘી સાબિત થઈ હતી. તેણે પોતાની ચાર ઓવરમાં 52 રન આપ્યા હતા અને માત્ર એક વિકેટ (અનમોલપ્રીત સિંહ) મેળવી હતી. પંજાબની ટીમે અભિષેક શર્માની 19 દડામાં 50 રનની તોફાની ઈનિંગની મદદથી 20 ઓવરમાં 8 વિકેટે 222 રનનો મોટો સ્કોર ખડક્યો હતો.

​7 ચોગ્ગા અને 4 છગ્ગા

​મોટા લક્ષ્યનો પીછો કરતા બરોડાને વિષ્ણુ સોલંકી અને શાશ્વત રાવતે સારી શરૂઆત અપાવી હતી. જ્યારે બરોડાનો સ્કોર 7.2 ઓવરમાં 92 રન પર 2 વિકેટ હતો ત્યારે હાર્દિક ક્રિઝ પર આવ્યો હતો. ત્યારબાદ હાર્દિકે મોરચો સંભાળી લીધો અને માત્ર 42 દડામાં 7 ચોગ્ગા અને 4 ગગનચુંબી છગ્ગા સાથે અણનમ 77 રનની વિસ્ફોટક ઈનિંગ રમી. તેની આ દમદાર બેટિંગના કારણે બરોડાએ 19.1 ઓવરમાં 223 રનનું લક્ષ્ય હાંસલ કરી યાદગાર જીત મેળવી હતી.

​હાર્દિકની આ શાનદાર ફિટનેસ અને ફોર્મને જોતા હવે એવી પ્રબળ શક્યતા છે કે તે 9 ડિસેમ્બરથી શરૂ થનારી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની 5 મેચોની T20 સિરીઝમાં ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે.

Back to top button