મુંબઈ, 11 એપ્રિલઃ લાગે છે દેશના ટોચના ક્રિકેટર હાર્દિક પંડ્યાની માઠી દશા ચાલી રહી છે. એક તરફ Indian Premier League 2024 ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમની કપ્તાની કરી રહેલા હાર્દિક પંડ્યાની ટીમ મેદાન પર અપેક્ષા મુજબનું પ્રદર્શન બતાવવામાં સફળ રહી નથી, તો બીજી તરફ હાર્દિક હવે એક કેસનો સામનો કરી રહ્યો છે. તેની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હાર્દિક સાથે આ છેતરપિંડી તેના સાવકા ભાઈ વૈભવ પંડ્યા દ્વારા કરવામાં આવી હોવાના અહેવાલ છે. આ મામલે હાર્દિક અને કૃણાલ તરફથી મુંબઈની ઈકોનોમિક ઑફિસ વિંગમાં ફરિયાદ કરવામાં આવી હોવાનું અને તેના આધારે કેસ નોંધવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ કેસમાં વૈભવની પણ ધરપકડ કરવામાં આવી છે.
4.3 કરોડ રૂપિયાની છેતરપિંડી
વર્ષ 2021 માં, હાર્દિક અને કૃણાલે તેમના સાવકા ભાઈ વૈભવ પંડ્યા સાથે પોલિમર બિઝનેસ શરૂ કર્યો. TOIના અહેવાલ મુજબ, આ કંપનીમાં હાર્દિક અને કૃણાલની 40-40 ટકા ભાગીદારી હતી, જ્યારે વૈભવ પાસે 20 ટકા હિસ્સો હતો. ભાગીદારીની શરતો અનુસાર, કંપનીમાં નફો પણ આ શૅર પ્રમાણે વહેંચવાનો હતો. બિઝનેસમાં થયેલો નફો હાર્દિક અને કૃણાલને આપવાને બદલે વૈભવે એક અલગ કંપની બનાવી અને તેમાં રોકાણ કર્યું. જેના કારણે હાર્દિક અને કૃણાલને અંદાજે 4 કરોડ 30 લાખ રૂપિયાનું મોટું નુકસાન વેઠવું પડ્યું હતું. હવે આ વિશે જાણ્યા બાદ હાર્દિક-કૃણાલે વૈભવ સામે પગલાં લેવાનું નક્કી કર્યું અને તેમની ફરિયાદના આધારે મુંબઈની આર્થિક ગુના શાખાએ તેની ધરપકડ કરી છે.
હાર્દિક IPLમાં વ્યસ્ત
હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા બંને ભાઈઓ હાલ આઈપીએલની 17મી સીઝનમાં વ્યસ્ત છે. જ્યારે હાર્દિક મુંબઈ ઈન્ડિયન્સ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે, ત્યારે કૃણાલ પંડ્યા લખનૌ સુપર જાયન્ટ્સ ટીમનો ભાગ છે. હાર્દિક માટે આ સિઝન અત્યાર સુધી સારી રહી નથી. તો બીજી તરફ કેપ્ટનશિપ સિવાય બેટિંગ અને બોલિંગ દ્વારા કૃણાલે 7મી એપ્રિલે લખનૌ અને ગુજરાત વચ્ચે રમાયેલી મેચમાં શાનદાર પ્રદર્શન કરીને પોતાની ટીમની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
આ પણ વાંચોઃ જ્યારે ગુજરાતની ૨૪ સીટ ઉપર ૬૯ ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી હતી