ટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

હાર્દિકે કોહલીનો તોડ્યો રેકોર્ડ! સિક્સ ફટકારીને મેચ જીતાડી અને નંબર-1 પર પહોંચી ગયો

  • ટીમ ઈન્ડિયાએ T20 સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી

ગ્વાલિયર, 7 ઓક્ટોબર: ભારતીય ટીમે રવિવારે પ્રથમ T20 મેચમાં બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું હતું. આ સાથે ટીમ ઈન્ડિયાએ સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. બાંગ્લાદેશે ભારતને જીતવા માટે 128 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને ટીમ ઈન્ડિયાએ સરળતાથી હાંસલ કરી લીધો હતો. ભારતીય ટીમ માટે વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, હાર્દિક પંડ્યા અને નીતિશ રેડ્ડીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ખેલાડીઓના કારણે જ ટીમ ઈન્ડિયા વિજય નોંધાવવામાં સફળ રહી હતી. બાંગ્લાદેશ સામેની આ મેચમાં હાર્દિક પંડ્યાએ બેટ વડે 39 મહત્ત્વપૂર્ણ રન બનાવ્યા અને બોલિંગ દરમિયાન એક વિકેટ પણ ઝડપી હતી.

 

હાર્દિક પંડ્યાના નામે ખાસ રેકોર્ડ 

ટીમ ઈન્ડિયા માટે હાર્દિક પંડ્યાએ 16 બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 39 રન બનાવ્યા હતા. તેણે તસ્કીન અહેમદની ઓવરમાં સિક્સર ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. હાર્દિક પંડયાએ અત્યાર સુધી T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 5 વખત સિક્સ ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી છે. જ્યારે વિરાટ કોહલીએ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 4 વખત સિક્સ મારીને મેચ જીતાડી હતી. હવે હાર્દિક પંડયાએ કોહલીનો આ રેકોર્ડ તોડી નાખ્યો છે. તે આ સિક્સ ફટકારીને સૌથી વધુ વખત T20I મેચ જીતડનારો ભારતીય ખેલાડી બન્યો છે અને નંબર-1નો તાજ હાંસલ કર્યો છે. આ યાદીમાં મહેન્દ્ર સિંહ ધોની અને ઋષભ પંત પણ સામેલ છે. આ બંને ખેલાડીઓએ ત્રણ-ત્રણ વખત સિક્સર મારીને T20I મેચ જીતાડી છે.

T20I ક્રિકેટમાં સૌથી વધુ વિજેતા સિક્સર મારનાર ભારતીય ખેલાડીઓ:

  1. હાર્દિક પંડ્યા- 5 છગ્ગા
  2. વિરાટ કોહલી- 4 છગ્ગા
  3. MS ધોની- 3 છગ્ગા
  4. રિષભ પંત- 3 છગ્ગા
  5. શિવમ દુબે- 1 છગ્ગો 

બેટિંગ પહેલા હાર્દિક પંડ્યાએ બોલિંગમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું. તેણે 4 ઓવરમાં 26 રન આપીને 1 વિકેટ લીધી હતી. આ સિવાય તે ફિલ્ડિંગમાં પણ પાછળ ન રહ્યો અને તૌહીદ હૃદય તેમજ રિયાદ હુસૈનનો કેચ પકડ્યો. તેની ચપળતા મેદાન પર દેખાઈ આવે છે.

હાર્દિક પંડ્યાની કારકિર્દી કેવી રહી?

હાર્દિક પંડ્યા એ ટીમનો સભ્ય છે જેણે ભારત માટે T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો. તેણે વર્ષ 2016માં T20 ઈન્ટરનેશનલમાં ભારતીય ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી, તેણે કુલ 103 T20I મેચોમાં 87 વિકેટ લીધી છે. આ સિવાય 1562 રન પણ બનાવ્યા છે. વનડે ક્રિકેટમાં તેના નામે 84 અને ટેસ્ટમાં 17 વિકેટ છે. અહેવાલો મુજબ, ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર હાર્દિકને ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે અને આ માટે તે ઘરેલુ ક્રિકેટમાં રમી શકે છે. હાર્દિકના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં માત્ર એક જ સદી છે અને તેણે તે માત્ર ટેસ્ટમાં જ ફટકારી છે.

આ પણ જૂઓ: ગ્વાલિયર T20 મેચમાં ભારતની 7 વિકેટે જીત, પંડ્યાના માત્ર 16 બોલમાં 39 રન

Back to top button