21 મે, મુંબઈ: દસ વર્ષ સુધી મુંબઈ ઇન્ડિયન્સને ખેલાડી અને કેપ્ટન તરીકેની સેવા આપી ચૂકેલા હરભજન સિંઘે પોતાની જૂની ટીમની આ વર્ષની IPLમાં થયેલી દુર્ગતિ અંગે પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે. આ મંતવ્ય રજૂ કરતી વખતે હરભજને પોતાની જ ટીમ અને હાલના કેપ્ટન હાર્દિક પંડ્યાને ટોણો પણ માર્યો હતો.
હરભજને IPL શરુ થતાં અગાઉ રોહિત શર્માને કાઢી મૂકીને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવા પર કહ્યું હતું કે, ‘હું દસ વર્ષ મુંબઈ ઇન્ડિયન્સ માટે રમ્યો છું. ટીમનું મેનેજમેન્ટ જોરદાર છે, પણ આ વખતે તેમનો રોહિતને કાઢી મુકીને હાર્દિકને કેપ્ટન બનાવવાનો નિર્ણય ઉલટો પડી ગયો છે. મને લાગે છે કે હાર્દિકને ટીમની કપ્તાની સોંપવા અગાઉ એક વર્ષ રાહ જોવી જોઈતી હતી. જે વખતે હાર્દિકને કેપ્ટન બનાવવાનો નિર્ણય થયો હશે ત્યારે ટીમને લાગ્યું હશે કે તે ભવિષ્ય તરફ જોઈ રહી છે પરંતુ એ બન્યું નહીં અને આ નિર્ણય ટીમના સભ્યોએ સ્વીકાર્યો નહીં. જ્યારે પણ મુંબઈ ઇન્ડિયન્સ મેચ રમવા માટે ઉતરી હતી ત્યારે હાર્દિક અલગ રમી રહ્યો હતો અને ટીમ અલગ રમી રહી હતી.’
હાર્દિક પંડ્યા વિશે હરભજને કહ્યું હતું કે, ‘હાર્દિક પંડ્યા કેપ્ટન તરીકે ખરાબ નથી પરંતુ તેની નિયુક્તિનો સમય ખરાબ હતો. મેનેજમેન્ટે આ નિર્ણય લેતાં અગાઉ ટીમને વિશ્વાસમાં લેવાની જરૂર હતી. હાર્દિક પંડ્યા પણ પોતાની ટીમના સભ્યોનો વિશ્વાસ મેળવી શક્યો ન હતો. તે જ્યારે પણ રમવા માટે મેદાનમાં આવતો ત્યારે તેને ફેન્સ દ્વારા થતા હૂટીંગનો સામનો કરવો પડતો હતો. આ બધું તેના આત્મવિશ્વાસને પણ જરૂર તકલીફ પહોંચાડી રહ્યું હશે.’
પાંચ વખત ટીમને IPLની ટ્રોફી અપાવનાર રોહિત શર્માને સ્થાને હાર્દિક પંડ્યાને અચાનક જ કેપ્ટન બનાવવામાં આવતા મુંબઈ ઇન્ડિયન્સના ફેન્સ ગુસ્સે થયા હતા.
હરભજને પોતાની જ ટીમ અને હાલના કેપ્ટન અંગે વાત કર્યા બાદ આવનાર T20 World Cupમાં ટીમ ઇન્ડિયાના ચાન્સ વિશે પણ પોતાનું મંતવ્ય આપ્યું હતું. હરભજને કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાનની મેચનું પરિણામ ભારત આ ટુર્નામેન્ટમાં કેવો દેખાવ કરશે તે નક્કી કરશે. જો કે હરભજનનું માનવું હતું કે એ મેચ ભારત જ જીતશે કારણકે વર્લ્ડ કપમાં ભારતે હંમેશા પાકિસ્તાન કરતાં સારો દેખાવ જ કર્યો છે.