ટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મનેશનલવર્લ્ડ કપસ્પોર્ટસ

હરભજન અને લારા ધર્માંતર કરવા માગતા હતા! ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટરનો દાવો

  • પાકિસ્તાન ભૂતપૂર્વ ક્રિકેટર ઈન્ઝમામ ઉલ હકની હરભજનસિંહ બાદ બ્રાયન લારા પર વિવાદાસ્પદ ટિપ્પણી
  • હરભજનસિંહે ઈસ્લામ અપનાવવાની ઈચ્છા કરી હતી વ્યક્ત : ઈન્ઝમામ
  • બ્રાયન લારા મુસ્લિમોના જીવનથી પ્રભાવિત હોવાનો ઈન્ઝમામ ઉલ હકનો દાવો
  • ઈન્ઝમામ-ઉલ-હક કયા પ્રકારના નાશના પ્રભાવમાં વાત કરી રહ્યો છે : હરભજનસિંહ 

નવી દિલ્હીઃ વર્લ્ડ કપમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમ ગ્રુપ સ્ટેજમાંથી બહાર થયા બાદ ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટરોનો આક્રોશ સાતમા આસમાને પહોંચી ગયો છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ ખેલાડીઓએ હવે વિવાદાસ્પદ નિવેદનો આપવાનું શરૂ કરી દીધું છે. ઈન્ઝમામ ઉલ હકે પોતાના વિવાદિત નિવેદનોમાં જણાવ્યું કે, “હરભજનસિંહે ઈસ્લામ અપનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી તેમજ બ્રાયન લારા પણ મુસ્લિમોના જીવનથી પ્રભાવિત હતો.” ઈન્ઝમામ ઉલ હકના વિવાદાસ્પદ નિવેદન પર જવાબ આપતા હરભજનસિંહે જણાવ્યું કે, “ઈન્ઝમામ-ઉલ-હક કયા પ્રકારના નાશના પ્રભાવમાં વાત કરી રહ્યો છે.”

હરભજનસિંહને લઈને ઈન્ઝમામનું વિવાદાસ્પદ નિવેદન

વર્લ્ડ કપમાંથી પાકિસ્તાની ક્રિકેટ ટીમ બહાર થતાં ભૂતપૂર્વ ખેલાડીઓએ વિવાદાસ્પદ નિવેદનો આપવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકે પણ ભારતીય દિગ્ગજ હરભજન સિંહને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. ઈન્ઝમામે એક વીડિયોમાં કહ્યું કે, હરભજન સિંહ મૌલાના તારિક જમીલથી ઘણો પ્રભાવિત હતો અને તેણે ઈસ્લામ અપનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. મૌલાના તારિક જમીલ દરરોજ અમને મળવા આવતા હતા. નમાઝ પઢવા માટે એક ઓરડો રાખ્યો હતો. તે નમાઝ પછી અમારી સાથે વાત કરતો હતો. એક-બે દિવસ પછી, અમે ઈરફાન પઠાણ, ઝહીર ખાન અને મોહમ્મદ કૈફને નમાઝ અદા કરવા માટે બોલાવવાનું શરૂ કર્યું. તે બાદ મેં જોયું કે 2-3 વધુ ભારતીય ખેલાડીઓ પણ જોડાયા, તેઓ નમાઝ અદા કરતા ન હતા પરંતુ મૌલાનાને સાંભળતા હતા.

 

ઈન્ઝમામે કહ્યું, ‘હરભજને એકવાર મને કહ્યું હતું કે મારું દિલ મને કહે છે કે તે (મૌલાના) જે પણ કહે, મારે તેને સ્વીકારવું જોઈએ. મેં કહ્યું તો તેને ફોલો કરો. તને કોણ રોકે છે?’ જેના જવાબમાં ભજ્જીએ કહ્યું, “હું તારી સામે જોઉં છું અને પછી રોકાઈ જાઉં છું.”

ઈન્ઝમામ-ઉલ-હક બ્રાયન લારા પર પણ આપ્યું વિવાદાસ્પદ નિવેદન

હવે ઈન્ઝમામ ઉલ હકે વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ કેપ્ટન બ્રાયન લારા વિશે વિવાદાસ્પદ વાતો કહી છે. ઈન્ઝમામ ઉલ હકે કહ્યું કે, ‘જ્યારે કરાચીમાં ટેસ્ટ મેચ ચાલી રહી હતી ત્યારે મોહમ્મદ યુસુફે બ્રાયન લારાને ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. તેમની યજમાની કરી હતી. જ્યાં મોહમ્મદ યુસુફે બ્રાયન લારાને અલ્લાહ વિશે અને ઇસ્લામ વિશે જણાવ્યું. આ બધું સાંભળીને બ્રાયન લારા ચૂપ થઈ ગયા અને કહ્યું કે, “મુસ્લિમો જેવું જીવન જીવે છે તેવું જીવન જીવવું જોઈએ.”

હરભજન સિંહે ઈન્ઝમામ-ઉલ-હકને લગાવી ફટકાર

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહ દ્વારા ઈન્ઝમામ-ઉલ-હકને તેમના વિવાદાસ્પદ નિવેદન માટે ફટકાર લગાવવામાં આવી હતી. હરભજનસિંહે ટ્વિટર પર લખ્યું કે, ‘તે (ઈન્ઝમામ-ઉલ-હક) કયા પ્રકારના નાશના પ્રભાવમાં વાત કરી રહ્યો છે? હું ભારતીય અને શીખ હોવાનો ગર્વ અનુભવું છું. આ બકવાસ લોકો કંઈ પણ બોલે છે.”

 

પાકિસ્તાનના ખરાબ પ્રદર્શનને કારણે ઈન્ઝમામ ઉલ હકે મુખ્ય પસંદગીકારના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. હારૂન રશીદે આ પદ છોડ્યા બાદ ઈન્ઝમામને આ વર્ષે ઓગસ્ટ મહિનામાં PCBના મુખ્ય પસંદગીકાર બનાવવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં પાકિસ્તાન ટીમના પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ત્રણ મહિનાથી પણ ઓછા સમય સુધી આ પદ પર રહ્યા. આ પહેલા ઈન્ઝમામ 2016-19 દરમિયાન પણ ચીફ સિલેક્ટરનું પદ સંભાળી ચૂક્યા છે. મુખ્ય પસંદગીકાર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન જ પાકિસ્તાને ભારતને હરાવીને 2017ની ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.

આ પણ જુઓ :વર્લ્ડકપઃ પીચ બદલવાનો BCCI ઉપર “અંગ્રેજ” આક્ષેપ, ભારતની સતત જીત ઈર્ષાનું કારણ બની!

Back to top button