ટ્રેન્ડિંગધર્મ

હર હર ભોલેઃ આજથી પવિત્ર શ્રાવણ માસ શરૂ, ભક્તો શિવમય બન્યા

  • હર હર ભોલેના નાદથી શિવાલયો ગુંજ્યા

  • અનેક શિવાલયોમાં વિશેષ પૂજાનું આયોજન

  • વહેલી સવારથી જ જામી ભક્તોની ભીડ

અધિક માસ ગઇકાલે સમાપ્ત થઇ ચુક્યો છે. હવે ફરી ત્રણ વર્ષ પછી 17 મે 2026ને રવિવારે અધિક માસ આવશે. બાબા ભોલેનાથના ભક્ત આખું વર્ષ જેની રાહ જોતા હોય છે તે શ્રાવણ માસનો પ્રારંભ આજથી થઇ રહ્યો છે. જેને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ છે. આજે વહેલી સવારથી જ શહેરનાં શિવાલયોમાં શિવ ભકતોની ભીડ જામી છે. શિવાલયો આજે ઓમ નમ: શિવાય અને હર હર મહાદેવના નાદથી ગૂંજી ઊઠ્યા છે. આજે સવારથી જ શિવભકતોએ દૂધ, પાણી, બિલ્વપત્ર વડે ભગવાન શિવની પૂજા કરવા લાઇનો લગાવી દીધી છે. આ ઉપરાંત શ્રાવણ માસ દરમિયાન શિવાલયોમાં ભગવાન શિવનાં વિવિધ દર્શનોનું આયોજન કરવામાં આવશે. શ્રાવણ સાથે જ ગુજરાતીઓના તહેવારોની શરૂઆત પણ થાય છે.

ક્યારે આવશે શ્રાવણનો પહેલો સોમવાર

આ વર્ષે શ્રાવણ માસમાં ચાર સોમવાર આવશે. પહેલો સોમવાર 21 ઓગસ્ટના રોજ હશે. 28 ઓગસ્ટના દિવસે શ્રાવણનો બીજો સોમવાર,
4 સપ્ટેમ્બરે શ્રાવણનો ત્રીજો સોમવાર, 12 સપ્ટેમ્બર શ્રાવણનો ચોથો સોમવાર હશે. શ્રાવણના સોમવારનું વિશેષ મહત્વ હોય છે.

પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ Hum dekhenge news

શ્રાવણમાં આવતા મુખ્ય તહેવારો

શ્રાવણ માસમાં આવતા મુખ્ય તહેવારમાં રક્ષાબંધન, બોળ ચોથ, નાગ પંચમી, રાંધણ છઠ્ઠ, શીતળા સાતમ અને જન્માષ્ટમી છે. રક્ષાબંધન 30 ઓગસ્ટે, બોળ ચોથ 3 સપ્ટેમ્બર, નાગપંચમી 4 સપ્ટેમ્બર, રાંધણછઠ્ઠ 5 સપ્ટેમ્બર, 6 સપ્ટેમ્બરે, 7 સપ્ટેમ્બરે જન્માષ્ટમીનું પર્વ છે. દેવોના દેવ મહાદેવને શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય છે. આ ઉપરાંત પ્રાત:કાલથી શિવજીની પૂજા, રુદ્રાભિષેક, શિવમહિમ્નસ્ત્રોત, મહાઆરતી, પંચામૃત અભિષેક વડે મહાદેવને શિવ ભકતો રીઝવશે. મંદિરોમાં કીર્તન-ભજન અને શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

શિવજી શ્રાવણમાં સાસરે જતા હોવાની માન્યતા

ભગવાન શિવને શ્રાવણ માસ પ્રિય હોવાના અનેક કારણ છે. ઋષિ માર્કંડેયે લાંબા આયુષ્ય માટે શ્રાવણમાં જ ઘોર તપ કર્યુ હતુ અને શિવજીની કૃપા મેળવી હતી. તેના કારણે મળેલી શક્તિઓની સામે યમરાજા પણ નતમસ્તક થઇ જાય છે. અલ્પાયુ માર્કંડેય ચિંરજીવી થઇ ગયા હતા. એટલુ જ નહીં એ શ્રાવણનો જ મહિનો હતો જ્યારે ભગવાન શિવ પૃથ્વી પર અવતરિત થઇને પોતાના સાસરે ગયા હતા. ત્યાં તેમનું સ્વાગત અર્ઘ્ય અને જળાભિષેકથી કરાયુ હતુ. એવુ માનવામાં આવે છે કે દરેક શ્રાવણમાં ભગવાન શિવ પોતાના સાસરે આવે છે. ભુ-લોકવાસીઓ માટે શિવકૃપા મેળવવાનો આ ઉત્તમ સમય હોય છે.

આ પણ વાંચોઃ મોરારી બાપુની રામ કથામાં પહોંચ્યા ઋષિ સુનક, કહ્યું- હું વડા પ્રધાન નહીં, હિન્દુ બનીને આવ્યો છું

Back to top button