Happy Ram Navami: કેવી રીતે કરશો ભગવાન રામની પૂજા, જાણો મહત્ત્વ


ચૈત્ર નવરાત્રિની નોમ રામ નવમીના નામથી ઓળખાય છે. નવરાત્રિ નવ દિવસનો તહેવાર છે, જે આખા દેશમાં આનંદપુર્વક મનાવવામાં આવે છે. ચૈત્ર મહિનાના સુદની નોમના દિવસે ભગવાન રામનો જન્મોત્સવ આવે છે. તેને રામનવમી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન રામના બાળસ્વરૂપનો ભવ્ય શણગાર કરવામાં આવે છે. શ્રીરામનો જન્મોત્સવ અભિજિત મુહુર્તમાં મનાવવાનું શુભ માનવામાં આવે છે. કેમકે રામચંદ્રજીનો જન્મ 12 વાગ્યે થયો હતો. રામનવમીના આજના પવિત્ર દિવસે શ્રીરામની પૂજાનું શુભ મુહુર્ત, પુજન સામગ્રી અને પુજા વિધિ અંગે જાણો
રામનવમી મુહુર્ત
ચૈત્ર સુદ નોમઃ 29 માર્ચ, બુધવાર, રાતે 9.07 વાગ્યાથી શરૂ
30 માર્ચ ગુરૂવારે રાતે 11.30 વાગ્યા સુધી
શ્રીરામની પૂજાનો સમય
સવારે 11.17થી બપોરે 1.46 સુધી
(કુલ 2.28 કલાક)
આ રીતે કરો પૂજા
રામનવમીના દિવસે બ્રહ્મમુહુર્તમાં ઉઠીને સ્નાન કરી લો. સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને શુભ મુહુર્તમાં મંદિરમાં જાવ. હવે શ્રીરામ અને શ્રીરામચરિતમાનસની પૂજા કરો. ત્યાં ભગવાન શ્રીરામનો કેસરયુક્ત દુધથી અભિષેક કરો. ત્યારબાદ ધ્યાન લગાવીને 108 વખત ॐ श्रीं ह्रीं क्लीं रामचन्द्राय श्रीं नम: નો જાપ કરો. ભગવાનને પીળા રંગના ફુલ, વસ્ત્રો, ચંદન વગેરે પૂજન સામગ્રી ચઢાવો. ભોગમાં તુલસીપત્ર નાંખીને પ્રસાદ અર્પિત કરો. ત્યારબાદ ઘરની છત પર ધ્વજા લગાવો અને ઘરમાં સુંદરકાંડના પાઠ કરો. સાથે રામાયણનો પાઠ પણ સાંભળો.
એક કટોરીમાં ગંગાજળ લઇને ઘરના ખુણે ખુણે છાંટો. આમ કરવાથી વાસ્તુદોષ દુર થાય છે અને નકારાત્મક ઉર્જા દુર ભાગી જાય છે. પરિવારના તમામ સભ્યો દેવી-દેવતાઓના નામ લઇને હવનકુંડમાં આહુતિ આપો અને આરતી કરો. ભગવાન રામની સાથે માતા સીતા, લક્ષ્મણ અને રામ ભક્ત હનુમાનજીની પુજા અવશ્ય કરો. અંતમાં ભગવાન રામને તમારી મનોકામના પુરી કરવા માટે વિનંતી કરો.
આ પણ વાંચોઃ અયોધ્યાઃ રામભક્તોને ખાસ ભેટ, હવે હેલિકોપ્ટરથી આખી અયોધ્યા જોવા મળશે