ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આજે 15 જુલાઈના રોજ જન્મદિવસ છે તેમના આ જન્મદિને તેમને શુભેછા આપવા પરિવારજનો, મિત્રવર્તુળ, ભાજપ અગ્રણીઓ, કાર્યકરો તેમજ ગુજરાતની જનતા આતુર બની છે. મુખ્યમંત્રી આજે યશસ્વી કારકિર્દીના 60 વર્ષ પૂર્ણ કરી 61 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે હમ દેખેંગે પરિવાર તરફથી તેમને જન્મદિવસની શુભકામનાઓ. સાથે જ આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પારિવારિક જીવન અને સામાજિક જીવનની એક ઝલક…
પ્રારંભિક જીવન
ભુપેન્દ્રભાઈ રજનીકાંત ભાઈ પટેલનો જન્મ 15મી જુલાઈ 1962ના રોજ આપણા ગુજરાતના અમદાવાદ શહેરમાં થયો હતો. કિશોર અવસ્થાથી જ સંઘ સાથે જોડાયેલ ભુપેન્દ્રભાઈએ 1982માં અમદાવાદની સરકારી પોલીટેકનીકમાં થી સિવિલ એન્જીનીયરીંગમાં ડીપ્લોમાંની પદવી મેળવેલ છે. સૌમ્ય સ્વભાવના ભુપેન્દ્રભાઈનું બાળપણ અમદાવાદની દરિયાપુરની કડવા પોળમાં વીત્યુ. તેમના કારકિર્દીની ઝલક જોઈએ તો 1988 થી ભુપેન્દ્રભાઈ બાંધકામ વ્યવસાય સાથે જોડાયા આમ તો વ્યવસાયે તેઓ બિલ્ડર પરંતુ પ્રજાલક્ષી કાર્યોને વાચા આપતા આપતા નગરપાલિકાના સભ્ય બન્યા.
રાજકીય જીવન
1995-96 ત્યાર બાદ 1999-2000 માં મેમનગર નગરપાલિકાના પ્રમુખ રહ્યા. જે પછી લોકોની સાથે રહેવાની તેમની વૃતિ અને પ્રજા લક્ષી કામ કરવાના હેતુથી તેઓ વર્ષ 2008 થી 2010 દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કુલ બોર્ડના વાઈસ ચેરમેન પદે રહ્યા. આ પછી તેઓ વર્ષ 2010 થી 2015 સુધી તેઓ થલતેજ વોર્ડના કાઉન્સીલર પદે રહ્યા હતા ત્યાર બાદ વર્ષ 2015 થી 2017 સુધી અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (ઔડા)ના ચેરમેન પદે રહ્યા હતા. એટલું જ નહિ ભુપેન્દ્રભાઈએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે પણ સારી રીતે કામગીરી બજાવી હતી.
ધારાસભ્ય તરીકે ચૂંટણી
રાજકીય વર્તુળમાં જો જોવામાં આવે તો તેઓ રાજયના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના નજીકના માનવામાં આવે છે અને આનંદીબેન ઘાટલોડિયાના ધારાસભ્ય હતા ત્યાર બાદ પોતાના વિશ્વાસુ ભુપેન્દ્રભાઈને આ વિસ્તારની ટિકિટ અપાવી હતી. 2017માં ભુપેન્દ્રભાઈએ ઘાટલોડિયા બેઠક પરથી વિધાનસભા ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું. પોતાના મતવિસ્તારમાં ‘દાદા’ના હુલામણા નામથી તેઓ ઓળખાતા. વિધાનસભાની ચૂંટણી પ્રથમ વખત જ લડ્યા અને 1,17,000 મતોની વિક્રમજનક સરસાઈથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમ્મેદવાર શશીકાંત ભાઈ પટેલને હરાવી ભવ્ય જીત મેળવી પ્રથમ વખત ગુજરાત વિધાનસભાના સભ્ય બન્યા.
કોમન મેન થી ચીફ મિનિસ્ટર
2017 થી ધારાસભ્ય બન્યા ત્યારથી જ પોતાના મતવિસ્તાર માટે સતત દોડતા રહેતા. તેમના જીવનમાં ભાગ્યના જોરે અચાનક એક વળાંક આવ્યો ગુજરાતના રાજકીય આલમમાં એક ફેરબદલ કરવાની ભાજપ હાઈ કમાંડને જરૂરિયાત ઉભી થઇ. 11મી સપ્ટેમ્બર 2021ના રોજ વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું. અને 12 મી સપ્ટેમ્બર 2021ના રોજ ગાંધીનગર ખાતે વિધાનસભાની બેઠકમાં ભુપેન્દ્રભાઈ પટેલને સર્વાનુમતે ભાજપના વિધાનસભાના નેતા અને મુખ્યમંત્રી તરીકે ચૂંટવામાં આવ્યા હતા.
ભુપેન્દ્રભાઈએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની સફર શરૂ કરી. કાર્યદક્ષતાને પગલે ભુપેન્દ્રભાઈએ અહીં પણ એક પછી એક પ્રજાલક્ષી નિર્ણયો લઇ પ્રજાજનોમાં પ્રિય બનવા લાગ્યા. એટલુ જ નહિ ભુપેન્દ્રભાઈની મુખ્યમંત્રી તરીકેની આ સફરને જોતજોતામાં દસ મહિના પણ થઇ ગયા. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જાહેરમાં ભુપેન્દ્રભાઈના કાર્યશૈલીની પ્રશંસા કરી હતી. આગામી 2022ની વિધાનસભાની ચૂંટણી પણ ભુપેન્દ્રભાઈના જ નેતૃત્વમાં જ લડાશે. તે સ્પષ્ટ થઇ ચુકયું છે ત્યારે ભુપેન્દ્રભાઈ આ ચૂંટણી જંગ માટે સજ્જ થઇ બેઠા છે.
લો-પ્રોફાઈલ ભુપેન્દ્રભાઈના પારિવારીક જીવન વિષે બહુ ઓછી વ્યકિત જાણતી હશે
ભુપેન્દ્રભાઈના પિતા રજનીકાંતભાઈ પટેલ અમદાવાદ પોલીટેકનીકમાં પ્રિન્સીપાલ હતા જેને પગલે બાળપણ થી જ ઘરમાં શિક્ષણનો માહોલ રહ્યો હતો ભુપેન્દ્રભાઈના નાનાભાઈનું નામ કેતન પટેલ છે. 1984ના વર્ષમાં ભુપેન્દ્રભાઈ હેતલબેન સાથે લગ્નગ્રંથીથી જોડાયા હતા. તેમના આ દામ્પત્યજીવન દરમિયાન તેમને અનુજ નામે પુત્ર અને સુહાની નામે પુત્રી રત્ન પ્રાપ્ત થયેલ છે.
તેમના પુત્ર અનુજે પણ પિતાની જેમ ડીપ્લોમાં એન્જીનીયરીંગ કર્યું છે અને હાલ બાંધકામ વ્યવસાયમાં જોડાયેલ છે. ભુપેન્દ્રભાઈના પુત્રવધુનું નામ દેવાંશી પટેલ છે. ભુપેન્દ્રભાઈની દીકરીનું નામ સુહાની છે અને તે દાંતના ડોકટર તરીકે કામ કરી રહી છે જયારે જમાઈ પાર્થ પટેલ બાંધકામ વ્યવસાય સાથે જોડાયેલા છે. ભુપેન્દ્રભાઈની જેમ હેતલબેન પણ ખુબ જ વિનમ્ર અને સાદગી સભર છે. હેતલબેન તેમના માતા પિતાનું એકનું એક સંતાન હોવાથી પિતાના અવસાન પછી તેમના માતા હાલમાં ભુપેન્દ્રભાઈ અને તેમના પરિવાર સાથે જ રહે છે અને તેઓ ભુપેન્દ્રભાઈને દીકરાની જેમ જ રાખે છે.
જયારે મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્રભાઈના નામની જાહેરાત થઇ આ વેળાએ હેતલબેને ખુબ જ નિખાલસતાથી સ્વીકાર્યું હતું કે ‘અમોને એમ હતું કે મંત્રી મંડળ માં કયારેક પદ મળશે પરંતુ મુખ્યમંત્રી બનશે તેવું કયારેય નહોતું વિચાર્યું’. આવો સરળ અને સહજ સ્વભાવ ધરાવતો પરિવાર છે.
ધાર્મિક મનોવૃત્તિ
આપણા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ લો પ્રોફાઈલ વ્યકિતત્વની સાથે સાથે ખુબ જ ધાર્મિક મનોવૃત્તિ ધરાવે છે તેઓ દાદા ભગવાન પંથમાં ખુબ જ આસ્થા ધરાવે છે તો સ્વામીનારાયણ સંપ્રદાયને પણ એટલું જ માન આપે છે. તેમણે શપથ લીધા બાદ સૌથી પહેલા સ્વામીનારાયણ ધામ ગાંધીનગર ખાતે ભગવાન શ્રી સ્વામીનારાયણના દર્શન તથા એસ.એમ.વી.એસ સ્વામીનારાયણ સંસ્થાનાવાળા ગુરૂવારીય પ.પુ સત્ય સંકલ્પ સાથે સ્વામી શ્રીના દર્શન/આશીર્વાદ માટે પધાર્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ દાદા ભગવાન પંથમાં અનેરો વિશ્વાસ ધરાવે છે આશરે વીસેક વર્ષ થી તેઓ દાદા ભગવાન સંસ્થાન જોડે જોડાયેલા છે . અડાલજ સ્થિત ત્રી મંદિરની તેઓ નિત્ય મુલાકાત લેતા રહે છે.
આવા ધાર્મિક મનોવૃત્તિ ધરાવતા આપણા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈને જન્મદિન વેળાએ ગુજરાતની હજારો પ્રજાજનો તરફથી મંગલમય શુભકામનાઓ…