Happy Birthday Thalaiva : જાણો કેવી રહી રજનીકાંતની બસ કંડક્ટરથી લઈને સાઉથના સુપરસ્ટાર સુધીની સફર

આજે સાઉથના સુપરસ્ટાર રજનીકાંતનો જન્મદિવસ છે, અને આજે રજનીકાંતે જે ઊંચાઈઓ પ્રાપ્ત કરી છે, ત્યાં સુધી પહોંચવા માટે તેમને ઘણી મહેનત કરવી પડી હતી. રજનીકાંતે કુલીથી બસ કંડક્ટર સુધી કામ કર્યું છે. પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવ્યા બાદ તેમણે સાઉથથી લઈને બોલિવૂડ સુધીની એકથી એક શાનદાર ફિલ્મો આપી છે. રજનીકાંતનો જન્મ 12 ડિસેમ્બર 1950ના રોજ એક મરાઠી પરિવારમાં થયો હતો. તેમનું નામ શિવાજી રાવ ગાયકવાડ હતું. રજનીકાંતને 4 ભાઈ-બહેન હતા જેમાં તેઓ સૌથી નાના હતા. રજનીકાંતના પિતા પોલીસ હેડ કોન્સ્ટેબલ હતા, જ્યારે રજનીકાંતની માતા જીજાબાઈનું બાળપણમાં જ અવસાન થયું હતું. આજે રજનીકાંતના જન્મદિવસે અમે તેમની સફર વિશે જણાવીશું.
આ પણ વાંચો : Film Review : ફિલ્મ ‘સલામ વેંકી’ને પસંદ કરી રહ્યા છે લોકો, કાજોલની એક્ટિંગ તમને કરી દેશે દંગ
પડકારોથી ભરેલી હતી રજનીકાંતની સફર
અભિનયમાં આવ્યા ત્યાં સુધીની રજનીકાંતની સફર પડકારોથી ભરેલી હતી. રજનીકાંતના પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી. જેના કારણે તેમણે પહેલા ઓફિસ બોય તરીકે કામ કર્યું અને ત્યાર બાદ તેમણે કુલી તરીકે સામાન ઉપાડવાનું શરૂ કર્યું, પરંતુ તેનાથી વધારે કમાણી થઈ નહીં. આ સિવાય તેમણે પૈસાની જરૂરિયાતને કારણે રજનીકાંતે સુથારનું કામ કરેલુ છે. આખરે ઘણી મહેનત પછી તેમને BTSમાં બસ કંડક્ટરની નોકરી મળી. જ્યાં રજનીકાંતની ટિકિટ વેચવાની અને સીટી વગાડવાની સ્ટાઈલથી મુસાફરો મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

એક્ટિંગ વિરુદ્ધ હતા પરિવારના સભ્યો
રજનીકાંત એક્ટિંગ શીખવા માંગતા હતા પરંતુ પરિવારના સભ્યો તેની વિરુદ્ધ હતા. જોકે, રજનીકાંતની અંદર અભિનય કરવાની ઈચ્છા એટલી પ્રબળ હતી, તેઓએ રામકૃષ્ણ મઠમાં અભ્યાસ દરમિયાન વેદ-પુરાણ નાટકોમાં અભિનય કરવાનું શરુ કર્યુ હતુ. આ પછી રજનીકાંતે મદ્રાસ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાંથી એક્ટિંગ શીખવાનું શરૂ કર્યું અને અહીં તેમણે એક નાટકમાં દુર્યોધનની ભૂમિકા ભજવી હતી, જેને જોઈને ડિરેક્ટર કે બાલચંદ્રન ખૂબ જ પ્રભાવિત થયા હતા.

અપૂર્વ રાશંગલથી કર્યુ ડેબ્યુ
રજનીકાંતને તેમની પ્રથમ ફિલ્મ કમલ હાસન સાથે અપૂર્વ રાશંગલમાં મળી, જોકે તેમાં રજનીકાંતનો રોલ ઘણો નાનો હતો. આ પછી તેમને ફિલ્મ ભૈરવીથી સફળતા મળી. આ ફિલ્મ પછી રજનીકાંતે ક્યારેય પાછું વળીને જોયું નથી અને સેંકડો હિટ ફિલ્મો આપી હતી. રજનીકાંતની સુપરહિટ ફિલ્મોમાં બાશા, પદયપ્પા, અરુણાચલમ, થલાપથી, મુથુનો સમાવેશ થાય છે.
2023માં ફિલ્મ ‘જેલર’માં જોવા મળશે રજનીકાંત
રજનીકાંતે 68 વર્ષની ઉંમરે પણ શિવાજી- ધ બોસ, રોબોટ અને કબાલી જેવી હિટ ફિલ્મો કરી છે. આજે તેઓ 72 વર્ષની ઉંમરે પણ રજનીકાંત ફિલ્મોમાં સક્રિય છે. નવા વર્ષમાં એટલે કે 2023માં રજનીકાંત ફિલ્મ ‘જેલર’માં જોવા મળશે.