ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

હમાસે ગાઝામાં બંધક બનાવેલી બે વૃદ્ધ ઇઝરાયેલી મહિલાઓને મુક્ત કરી

  • હમાસે હજુ પણ લગભગ 200 નાગરિકોને બંધક બનાવ્યા
  • માનવતાવાદી અને સ્વાસ્થ્યના કારણોથી મહિલાઓને મુક્ત કરી
  • ગાઝામાં છેલ્લા 24 કલાકમાં લગભગ 436 લોકોએ જીવ ગુમાવ્યા

હમાસે સોમવારે ગાઝામાં બંધક બનાવવામાં આવેલી બે વૃદ્ધ ઇઝરાયેલી મહિલાઓને મુક્ત કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે હમાસે હજુ પણ લગભગ 200 નાગરિકોને બંધક બનાવીને રાખ્યા છે. અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી છે કે ઇઝરાયેલ-હમાસ યુદ્ધ ભયાનક સ્તરે પહોંચશે તો વ્યાપક રીતે તબાહી સર્જાશે. જેમાં અમેરિકન સૈનિકો પરના હુમલા પણ સામેલ હશે.

બાઇડને બંધકોને મુક્ત કરવાના હમાસના નિર્ણયને આવકાર્યો

 સોમવારે રાત્રે હમાસે બે ઇઝરાયેલી મહિલા બંધકોને મુક્ત કર્યા હતા. 79 વર્ષીય નૂરિત કૂપર અને 85 વર્ષીય યોચેવેડ લિફશિટ્ઝનું કિબુત્ઝ બિરીમાંથી હમાસે અપહરણ કર્યું હતું. હમાસે કહ્યું- બંને મહિલાઓને માનવતાવાદી અને સ્વાસ્થ્યના કારણોસર મુક્ત કરવામાં આવી છે. તેલ અવીવમાં તપાસ બાદ બંને મહિલાઓ સ્વસ્થ છે. યુએસ પ્રમુખ બાઇડને બંધકોને મુક્ત કરવાના હમાસના નિર્ણયને આવકાર્યો હતો. તેમણે કહ્યું- હમાસ પહેલા તમામ બંધકોને મુક્ત કરે અને ત્યાર બાદ જ યુદ્ધવિરામ પર ચર્ચા કરવામાં આવશે.

ઇઝરાયેલે કહ્યું હતું કે હમાસે લગભગ 222 લોકોને બંદી બનાવી લીધા છે. અલ જઝીરા અનુસાર, સોમવારે ગાઝામાં ઇઝરાયેલના હુમલામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા 5,087 પર પહોંચી ગઈ છે. ગાઝામાં છેલ્લા 24 કલાકમાં લગભગ 436 લોકોએ જીવ ગુમાવ્યા છે. સોમવારે ઇઝરાયેલે અલ-શત્તી રેફ્યુજી કેમ્પ પર હુમલો કર્યો હતો. જેમાં ઘણી મહિલાઓ અને બાળકોનાં મૃત્યુ થયાં હતાં.આ પહેલા યુએસ પ્રમુખ બાઇડને ઇઝરાયેલના પીએમ નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી હતી. તેમણે ગાઝા સુધી માનવતાવાદી સહાય પહોંચવાનું ચાલુ રાખવા  પર ભાર મૂક્યો. ઇઝરાયેલે સોમવારે પશ્ચિમ કાંઠે અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ઘણા પેલેસ્ટિનિયનોની ધરપકડ પણ કરવામાં આવી છે.

આ ઉપરાંત, ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદ ગાઝાને લગભગ બે અઠવાડિયાથી સીલ કરી દેવામાં આવ્યું છે. પાણી, વીજળી, ઈંધણ અને અન્ય પ્રાથમિક સુવિધાઓનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. આ કારણે ગાઝા પટ્ટીમાં ખોરાક, પાણી અને દવાઓની ભારે અછત છે. વૈશ્વિક દબાણ બાદ રાહત સામગ્રી ઇજિપ્ત મારફતે સપ્લાય કરવાની મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચો:  ઇઝરાયેલ સાથેના યુદ્ધ વચ્ચે હમાસે પ્રથમ વખત બે અમેરિકન બંધકોને કર્યા મુક્ત

Back to top button