‘હમારી અધૂરી પ્રેમ કહાની…’ : CM સિદ્ધારમૈયાએ જાહેર મંચ પર પોતાની ‘લવ સ્ટોરી’ને યાદ કરી
મૈસુર, 25 મે : કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ગુરુવારે રાત્રે મૈસુરમાં એક કાર્યક્રમમાં સમાજમાં જાતિવાદને કારણે તેમની નિષ્ફળ ગયેલી ‘લવ સ્ટોરી’ને યાદ કરીને જનતા સાથે ખુલીને વાત કરી હતી. ‘બુદ્ધ પૂર્ણિમા’ નિમિત્તે આંતરજ્ઞાતિય લગ્ન અંગેના એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ તેમના કોલેજકાળના દિવસોને યાદ કરતાં એક જૂની ઘટના સંભળાવી. તેણે કહ્યું, “હું આંતરજ્ઞાતિય લગ્ન કરવા માંગતો હતો પરંતુ તેમ ન થયું. છોકરીએ ના પાડી.”
તેમણે વધુમાં કહ્યું કે, હું જ્યારે ભણતો હતો ત્યારે મને એક છોકરી સાથે પ્રેમ થયો હતો. મેં તેની સાથે લગ્ન કરવાનું વિચાર્યું હતું પરંતુ તેનો પરિવાર અને યુવતી રાજી ન હતી. એટલા માટે લગ્ન ન થયા. એવી સ્થિતિ ઊભી થઈ કે મારે મારી જ જ્ઞાતિની છોકરી સાથે લગ્ન કરવા પડ્યા. મારા લગ્ન મારા સમુદાયમાં જ થયા હતા.
આંતર-જ્ઞાતિય લગ્નોને તેમનો સંપૂર્ણ ટેકો અને સહકાર આપતા, સિદ્ધારમૈયાએ વચન આપ્યું હતું કે તેમની સરકાર આંતર-જ્ઞાતિય લગ્નો માટે તમામ સહાય પૂરી પાડશે. તેમણે એ હકીકત પર શોક વ્યક્ત કર્યો કે સમાનતા આધારિત સમાજ બનાવવા માટે ઘણા સમાજ સુધારકોના પ્રયાસો હજુ સુધી પરિણામ લાવ્યા નથી.
તેમણે કહ્યું કે જ્ઞાતિવાદના સામાજિક દુષણને નાબૂદ કરવાના બે જ રસ્તા છે. એક આંતરજ્ઞાતિય લગ્ન અને બીજું તમામ સમુદાયો વચ્ચે સામાજિક-આર્થિક સશક્તિકરણ. સિદ્ધારમૈયાએ કહ્યું કે સામાજિક-આર્થિક ઉત્થાન વિના કોઈ પણ સમાજમાં સામાજિક સમાનતા ન હોઈ શકે.
આ પણ વાંચો :RBIના ભૂતપૂર્વ ગવર્નરે કયું ફોર્મ ભર્યું હતું? સરકાર માનવા લાગી કે તે સીઆઈએના જાસૂસ છે?