હલ્દવાની હિંસાના માસ્ટરમાઇન્ડ અબ્દુલ મલિકની દિલ્હીથી કરાઇ ધરપકડ
નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી : હલ્દવાની હિંસાના(Haldwani violence) માસ્ટરમાઇન્ડ અબ્દુલ મલિકની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસ ઘણા સમયથી તેને શોધી રહી હતી. હલ્દવાની પોલીસના જણાવ્યા અનુસાર આ ધરપકડ દિલ્હીથી કરવામાં આવી છે. મલિકનો બગીચો અબ્દુલ મલિકનો હતો, જ્યાં વહીવટીતંત્ર ગેરકાયદે બાંધકામ દૂર કરવા ગયું હતું. આ પછી હિંસા થઈ હતી.
અબ્દુલ પર જમીન પર ગેરકાયદે કબજો કરવાનો આરોપ
હલ્દવાનીમાં થયેલી હિંસામાં કુલ 6 લોકોના મોત થયા હતા, જ્યારે 60થી વધુ લોકો ઘાયલ થયા હતા. પોલીસ હિંસાના માસ્ટરમાઇન્ડ પૈકીના એક અબ્દુલ મલિકને શોધી રહી હતી. અબ્દુલ મલિકે ગેરકાયદેસર રીતે જમીનો પર કબજો કરી ગેરકાયદે વેચાણ કર્યું હોવાના આક્ષેપો છે.
બાણભૂલપુરામાં જે જગ્યા પર અતિક્રમણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી તેને ‘મલિકનો બગીચો’ પણ કહેવામાં આવે છે. આ સાથે પ્રશાસન એ પણ તપાસ કરી રહ્યું છે કે જ્યાંથી પથ્થર ફેંકવામાં આવ્યા હતા તે મકાનોની કાનૂની સ્થિતિ શું છે?
શું છે સમગ્ર મામલો?
8મી ફેબ્રુઆરીએ મદરેસામાં તોડફોડ બાદ બાણભૂલપુરામાં હિંસા ફાટી નીકળી હતી. તે દિવસે સ્થાનિકોએ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ અને પોલીસ પર પથ્થરમારો અને પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા, જેના કારણે ઘણા કર્મચારીઓને પોલીસ સ્ટેશનમાં આશરો લેવાની ફરજ પડી હતી. ત્યારબાદ ટોળાએ પોલીસ સ્ટેશનને આગ ચાંપી દીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, હિંસામાં છ તોફાનીઓ માર્યા ગયા હતા અને પોલીસકર્મીઓ અને મીડિયાકર્મીઓ સહિત 100થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ પછી બાણભૂલપુરા હિંસાને કારણે કર્ફ્યુ પણ લાદવામાં આવ્યો હતો.
કોણ છે અબ્દુલ મલિક?
અબ્દુલ મલિકે બાણભૂલપુરામાં સરકારી જમીન પર કબજો કરીને ઘણી કમાણી કરી હતી. તેઓ લોકસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે. વર્ષ 2004માં અબ્દુલ મલિકે BSPની ટિકિટ પર ફરીદાબાદથી લોકસભાની ચૂંટણી લડી હતી, પરંતુ તેઓ ચૂંટણી હારી ગયા હતા. એવું કહેવાય છે કે બીએસપીએ નામાંકનના છેલ્લા દિવસે તેમના નામની જાહેરાત કરી હતી. અબ્દુલ મલિક જ્યારે નોમિનેશન ભરવા ગયા ત્યારે તેમની સાથે 100 લોકોની ટીમ હતી.