હજ એ મુસ્લિમોનો સૌથી મોટો ધાર્મિક પ્રસંગ છે. ઇસ્લામ અનુસાર દરેક મુસ્લિમે તેના જીવનમાં એકવાર હજ માટે જવું આવશ્યક છે. સાઉદી અરેબિયાના પવિત્ર શહેર મક્કામાં દર વર્ષે ધૂલ હિજ્જા મહિનામાં હજ કરવામાં આવે છે. ધુલ હિજ્જા એ ઇસ્લામિક કેલેન્ડર વર્ષનો 12મો મહિનો છે.
આજથી હજયાત્રાની શરૂઆત
સાઉદી અરેબિયામાં ચંદ્રના દર્શન થયા બાદ 7 જુલાઈ ગુરુવારથી હજ યાત્રા શરૂ થઈ છે. સાઉદી અરેબિયામાં આ વખતે મોટી સંખ્યામાં લોકો હજ કરવા પહોંચ્યા છે. હજને ઇસ્લામના પાંચ સ્તંભોમાંથી એક ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે શારીરિક અને આર્થિક રીતે સક્ષમ મુસ્લિમોએ તેમના જીવનમાં ઓછામાં ઓછું એક વાર હજ જવું જોઈએ. હજ કરવાનો હેતુ વ્યક્તિના પાપોને ધોવા અને પોતાને અલ્લાહની નજીક લાવવાનો છે.
હજ કેવી રીતે કરવી?
હાજીઓ હજ માટે ધુલ-હિજ્જાના સાતમા દિવસે મક્કા પહોંચે છે. હજ યાત્રાના પ્રથમ તબક્કામાં હાજીઓએ ઇહરામ બાંધવાનું હોય છે. ઇહરામ વાસ્તવમાં એક સિલાઇ વગરનું કપડું છે, જે શરીરની આસપાસ લપેટવામાં આવે છે. આ દરમિયાન સફેદ વસ્ત્રો પહેરવા જરૂરી છે. જો કે મહિલાઓ પોતાની પસંદગીના કોઈપણ સાદા કપડા પહેરી શકે છે પરંતુ હિજાબના નિયમોનું પાલન કરવું જોઈએ.
હાજીઓ હજના પહેલા દિવસે તવાફ (પરિક્રમા) કરે છે. તવાફ એટલે કે હાજીઓ કાબાની આસપાસ સાત વાર ફરે છે. એવું માનવામાં આવે છે કે તે તેમને અલ્લાહની નજીક લાવે છે. આ પછી સાફા અને મારવા નામની બે ટેકરીઓ વચ્ચે સાત વાર પરિક્રમા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે પયગંબર ઇબ્રાહિમની પત્ની હાજીર તેના પુત્ર ઇસ્માઇલ માટે પાણીની શોધમાં સફા અને મારવાના પહાડોની વચ્ચે સાત વખત ચાલી હતી. અહીંથી હાજીઓ મક્કાથી આઠ કિલોમીટર દૂર મીના શહેરમાં ભેગા થાય છે. અહીં તેઓ રાત્રે પ્રાર્થના કરે છે. હજના બીજા દિવસે, હાજીઓ અરાફાત પર્વત પર પહોંચે છે, જ્યાં તેઓ તેમના પાપોની માફી માટે પ્રાર્થના કરે છે. આ પછી, તેઓ મુઝદલિફાના મેદાનોમાં ભેગા થાય છે. ત્યાં તેઓ બીજી રાત ખુલ્લામાં પ્રાર્થના કરવામાં વિતાવે છે.
હજયાત્રીઓએ હજ યાત્રા પૂર્ણ કરવા માટે છેલ્લી વખત તવાયફ કરવાનું હોય છે
હજના ત્રીજા દિવસે, તેઓ જમારત પર પથ્થર ફેંકવા માટે ફરીથી મીના પાછા ફરે છે. વાસ્તવમાં જમારત ત્રણ પત્થરોનું માળખું છે, જે શેતાન અને પ્રાણીઓના બલિદાનનું પ્રતીક છે. વિશ્વભરના અન્ય મુસ્લિમો માટે, તે ઈદનો પ્રથમ દિવસ છે. આ પછી હાજી મુંડન કરાવે છે અથવા વાળ કાપી નાખે છે. પછીના દિવસોમાં હાજી ફરીથી મક્કામાં તવાફ અને સઈ કરે છે અને પછી જમાતમાં પાછા ફરે છે. મક્કા છોડતા પહેલા તમામ હજયાત્રીઓએ હજ યાત્રા પૂર્ણ કરવા માટે છેલ્લી વખત તવાયફ કરવાનું હોય છે.
હજ કરી રહેલા યાત્રાળુઓની સંખ્યા
હજ એ વિશ્વમાં મુસ્લિમોનો સૌથી મોટો મેળાવડો છે. કોરોના પહેલા દર વર્ષે 20 લાખથી વધુ લોકો મક્કા જતા હતા.કોરોના દરમિયાન સાઉદી અરેબિયાની બહારથી આવેલા હજયાત્રીઓ માટે મક્કા બંધ કરવામાં આવ્યું હતું. 2021માં કોરોના પ્રતિબંધો વચ્ચે માત્ર 58,745 હજયાત્રીઓ હજ માટે પહોંચ્યા હતા. સાઉદી અરેબિયાએ આ વર્ષે એપ્રિલમાં કહ્યું હતું કે આ વર્ષે દેશ અને બહારના 10 લાખથી વધુ લોકોને હજ કરવાની મંજૂરી આપવામાં આવશે. સાઉદી અરેબિયાના હજ અને ઉમરાહ મંત્રાલયનું કહેવું છે કે હજની મંજૂરી ફક્ત તે લોકોને જ આપવામાં આવશે જેમણે કોરોનાની બંને રસી લીધી હોય અથવા જેની ઉંમર 65 વર્ષથી વધુ ન હોય.