વાળ અને ત્વચાની સુંદરતા વધારતી નાળિયેરની મલાઇ
વાળ અને ત્વચા બન્ને માટે નાળિયેર પાણી ફાયદાકારક માનવામાં આવે છે.ગરમીની ઋતુમાં નારિયેળ પાણીનું સેવન પ્રચુર માત્રામાં થતું જોવા મળ્યું છે. નાળિયેર પાણી પીવાની સાથેસાથ તેનો ઉપયોગ ે ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક નીવડે છે. ડાઘા વિનાની ત્વચા અને રેશમ જેવા મુલાયમ વાળ માટે નારિયેળ પાણી ગુણકારી નીવડે છે.જોકે ફક્ત નારિયેળ પાણી જ નહીં પરંતુ તેની મલાઇ પણ ખૂબસૂરતી વધારવાનું કામ કરે છે. નાળિયેરમાં સમાયેલી મલાઇમાં ફાઇબર મલાઇ પેટ સંબંધિત તકલીફોને દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે ત્વચા માટે પણ ફાયદાકારક છે. ત્વચા પર તેના ઉપયોગથી ત્વચા પરના ડાઘા દૂર થવાની સાથે સાથે નિખરે છે.
નાળિયેરની મલાઇમાં રહેલા ગુણ દરેક પ્રકારની ત્વચાને અનુકુળ હોય છે. ત્વચાને હેલ્ધી અને ગ્લોઇંગ બનાવવા માટે મલાઇનો ઉપયોગ કરવામાં આવે છે.
નાળિયેરની મલાઇના ફાયદા : નાળિયેર પાણી અને મલાઇ ત્વચાને આંતરિક અને બહારથી બન્ને રીતે હાઇડ્રેટ રાખે છે. તેમાં વિટામિન એ, સી, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આર્યન, સોડિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વો સમાયેલા છે. નિયમિત રીતે થોડા અઠવાડિયા તેનો ઉપયોગ કરવાથી ત્વચામાં ફરક જોવા મળે છે.
નારિયેળની મલાઇનો ફેસ મસાજ : સવારે અથવા તો રાતના સૂતા પહેલા નાળિયેરની મલાઇથી મસાજ કરવો. આ માટે મલાઇને મિકસરમાં વાટી લેવી અને આ પેસ્ટથી ચહેરા પર મસાજ કરવો. મસાજ કર્યાના 10 મિનીટ પછી ચહેરાને હુંફાળા પાણીથી ધોઇ નાખવો. સવારે આ મસાજ કરતા હોય તો મલાઇને વાટી લીધા પછી ફ્રિજમાં થોડી વાર માટે રાખી લેવી અને પછી ચહેરા પર લગાડવી.આ રીતે મલાઇનો ઉપયોગ કરવાથી ચહેરા પરની પફીનેસ દૂર થાય છે તેમજ ચહેરો તાજગીસભર લાગે છે.
તૈલીય ત્વચાથી છુટકારો મળે છે : નાળિયેરની મલાઇનો ઉપયોગ ઔઇલી સ્કિનથી છુટકારો મેળવી શકાય છે તેમજ સાથેસાથે મૃત ત્વચા પર દૂર થાય છે. એક બાઉલમાં એક ચમચો મલાઇ લેવી અને તેમાં અડધો ચમચો મુલતાની માટી અને ચણાનો લોટ ભેળવી દેવો. પેસ્ટને હળવી પાતળી કરવા માટે તેમાં ગુલાબજળના થોડા ટીપાં ભેળવવા. આ પેકને ચહેરા પર લગાડી 20 મિનીટ પછી એક ભીના કરેલા નેપકિનને હળવે હળવે ચહેરા પર રગડીને પેક દૂર કરવો. આ રીતે ચહેરો લુછવાથી ત્વચા સ્વચ્છ થાય છે.
સન ટેનની સમસ્યા : નાળિયેરની મલાઇને વાટી તેમાં કેરેટ સીડ એસેન્શિયલ ઓઇલનું એક ટીપું ભેળવવું. જો માત્રા વધારે હોય તો બે ટીપા ભેળવી શકાય. આ મિશ્રણને આઇસ ક્યૂબવાળી ટ્રેમાં રાખીને ફ્રિઝરમાં રાખી દેવું. જામી જાય પછી આ બરફના ટુકડાથી ચહેરાનો મસાજ કરવો અને દસ મિનીટ પછી ચહેરો ધોઇ નાખવો.
બોડી સ્ક્રબ તરીકે ઉપયોગ : નાળિયેરની મલાઇ અને ઓટસને ભેળવીને બોડી સ્ક્રબ તૈયાર કરવો. સ્નાન કરતા પહેલા બોડીને આ મિશ્રણથી સ્ક્રબ કરવું. મલાઇ અને ઓટસને બરાબર ભેળવીને મિશ્રણ તૈયાર કરી બોડી મસાજ કરવા પાંચ મિનીટ પછી સ્નાન કરી લેવું.આના ઉપયોગથી હાથ-પગનું ટેનિંગ પણ દૂર થાય છે. ઇચ્છો તો નિયમિત રીતે ઉપયોગ કરી શકાય છે.