એલોન મસ્ક-બાઈડેનનું Twitter એકાઉન્ટ હેક કરવું હેકરને પડ્યું મોંઘુ
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડન, ટેસ્લાના CEO એલોન મસ્ક સહિત સેલિબ્રિટીસના Twitter એકાઉન્ટ હેક કરવા એક હેકરને ભારે પડ્યા છે. 24 વર્ષીય હેકરને યુએસની ફેડરલ જેલમાં મોકલવામાં આવ્યો છે. જુલાઈ 2020માં, અન્ય લોકો સાથે મળીને હેકરે ઓછામાં ઓછા 130 નામચીન લોકોના Twitter એકાઉન્ટ હેક કર્યા અને આ તમામ એકાઉન્ટ કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો. જોસેફ જેમ્સ ઓ’કોનોર નામના આ હેકરે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડન, અમેરિકન સોશ્યલાઈટ અને મોડલ કિમ કાર્દિશિયન અને ટેસ્લાના CEO એલોન મસ્કના Twitter એકાઉન્ટ સહિત ઘણા સેલિબ્રિટી એકાઉન્ટ્સને ટાર્ગેટ કર્યા હતા..
હેકરને પાંચ વર્ષની જેલની સજા
અનેક હાઈપ્રોફાઈલ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને ટાર્ગેટ બનાવતી સાયબર સ્ટોકિંગ અને કોમ્પ્યુટર હેકિંગ બદલ હેકરને દોષી ઠેરવવામાં આવ્યો હતો. ન્યૂયોર્ક ફેડરલ કોર્ટમાં ઓ’કોનરને પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી, કોર્ટમાં, હેકરે કહ્યું કે તેના અપરાધ મૂર્ખતાપૂર્ણ અને નિરર્થક છે અને તેણે જેટલા લોકોના એકાઉન્ટ હેક કર્યા હતા તે તમામ લોકોની માફી માંગી હતી.
PlugWalkJoe નામનું ઓનલાઈન હેન્ડલ
ઑકોનર જે તેના ઓનલાઈન હેન્ડલ PlugWalkJoe દ્વારા વધુ જાણીતો છે, તે એક જૂથનો ભાગ હતો. જેણે જુલાઈ 2020માં ક્રિપ્ટોકરન્સી કૌભાંડ ફેલાવવા માટે Apple, Binance, Bill Gates, Joe Biden અને Elon Musk સહિતના ડઝનેક હાઈ-પ્રોફાઈલ ટ્વિટર એકાઉન્ટ હેક કર્યા હતા.. તેને આ વર્ષે એપ્રિલમાં સ્પેનથી યુએસ પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો.
જુલાઈ 2020 માં જોસેફ જેમ્સ ઓ’કોનોરે પ્રેસિડેન્ટ બાઈડનના એકાઉન્ટ પર લખ્યું – નીચેના સરનામા પર મોકલવામાં આવેલા તમામ બિટકોઇન્સ બમણા પાછા મોકલવામાં આવશે. જો તમે 1,000 ડોલર મોકલો તો હું 2,000 ડોલર પાછા મોકલીશ. આ માત્ર 30 મિનિટ માટે કરો. આનંદ લો.
Twitterએ આ કાર્યવાહી કરી
ટ્વિટરે તે સમયે હેકર્સને નિશાન બનાવવાના પ્રયાસમાં તમામ વેરિફાઈડ એકાઉન્ટને નિષ્ક્રિય કરીને અને ટ્વીટ ફીચરને અક્ષમ કરીને જવાબ આપ્યો હતો. તેની અરજીના સોદાના ભાગ રૂપે, ઓ’કોનોરે તમામ પીડિતોને વળતર ચૂકવવા અને 794,000 ડોલરથી વધુની રકમ જપ્ત કરવા સંમત થયા છે.