ઘરનાં વાઈફાઈ રાઉટર પર હેકર્સની નજર, એક ભૂલથી થઈ શકે છે ડેટા ચોરી

WiFi Router Security: આજના ડિજિટલ યુગમાં ઘરનું વાઈફાઈ રાઉટર માત્ર ઈન્ટરનેટ આપતું સાધન નથી, પરંતુ તે તમારા સમગ્ર ડિજિટલ જીવનનું ગેટવે બની ગયું છે. પરંતુ શું તમે ક્યારેય તમારા ઘરનાં રાઉટરનું બેકએન્ડ ચેક કર્યું છે? સામાન્ય રીતે લોકો વાઈફાઈ રાઉટરની સુરક્ષાને ગંભીરતાથી લેતા નથી, જેના કારણે તે હેકિંગથી લઈને જાસૂસી સુધી માટે સરળ ટાર્ગેટ બની શકે છે.
તાજેતરમાં ભારત સરકારે ચાઈનીઝ CCTV કેમેરાઓ પર કડક પગલાં લીધા છે અને STQC સર્ટિફિકેશન ફરજિયાત બનાવ્યું છે. તેની અસર ખાસ કરીને Dahua અને Hikvision જેવી કંપનીઓ પર પડી છે. સાથે સાથે TP-Link જેવા બ્રાન્ડ્સ પર પણ ભવિષ્યમાં નિયંત્રણ કડક થઈ શકે છે. પરંતુ આ ચર્ચા વચ્ચે એક વધુ મોટું જોખમ આપણા ઘરમાં જ છુપાયેલું છે – વાઈફાઈ રાઉટર.
વાઈફાઈ રાઉટર સિક્યોરિટી પર મોટો સવાલ
ભારતમાં કરોડો ઘરોમાં ઈન્ટરનેટ કનેક્શન છે અને દરેક ઘરમાં એક રાઉટર છે. આ રાઉટર માત્ર ઈન્ટરનેટ જ નહીં પરંતુ તમારા સ્માર્ટફોન, લેપટોપ, બેન્કિંગ એપ, સ્માર્ટ ટીવી અને CCTV સુધી બધું જ જોડે છે. જો આ જ ડિવાઇસ કમજોર હોય તો આખું નેટવર્ક જોખમમાં પડી શકે છે.
અમેરિકામાં પણ રાઉટર્સને લઈને કડક પગલાં
ઇન્ટરનેશનલ સ્તરે પણ આ ખતરો વધી રહ્યો છે. અમેરિકાની Federal Communications Commission (FCC) એ ચીનમાં બનેલા નેટવર્ક ડિવાઇસ અને વિદેશી ઇલેક્ટ્રોનિક્સ અંગે ચિંતા વ્યક્ત કરી છે. કેટલાક રાઉટર્સ પર પ્રતિબંધ લગાવવાના પણ નિર્ણય લેવામાં આવ્યા છે. રિપોર્ટ્સ મુજબ, મેલિશિયસ એક્ટર્સ રાઉટરનાં સુરક્ષા ખામીનો લાભ લઈને આખું નેટવર્ક કબજે કરી લે છે. આ માત્ર ડેટા ચોરી સુધી સીમિત નથી, પરંતુ મોટા સ્તરે નેટવર્ક ડિસ્ટર્બન્સ અને જાસૂસી સુધી પહોંચી શકે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સાઇબર ઓપરેશન્સમાં રાઉટરનો ઉપયોગ
છેલ્લાં કેટલાક વર્ષોમાં Volt Typhoon અને Flax Typhoon જેવા સાઇબર ઓપરેશન્સમાં રાઉટર અને નેટવર્ક ડિવાઇસને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. આથી સ્પષ્ટ થાય છે કે હવે યુદ્ધ માત્ર સરહદ પર નહીં પરંતુ નેટવર્ક પર પણ લડાઈ બની ગયું છે.
ભારતમાં સસ્તા અને ચાઈનીઝ રાઉટરનો ઉપયોગ
ભારતમાં મોટાભાગના લોકો સસ્તા રાઉટર ખરીદે છે, જેમાંથી ઘણાં ચીન અથવા ચાઈનીઝ સપ્લાય ચેઇન સાથે જોડાયેલા હોય છે. આવા ડિવાઇસમાં ઘણીવાર સિક્યોરિટી અપડેટ્સ સમયસર મળતા નથી અને ફર્મવેરમાં ખામીઓ રહે છે, જેના વિશે યુઝરને ખબર પણ નથી પડતી.
ટેક્નિશિયનની ભૂલ પણ મોટું જોખમ
ઘણા કિસ્સાઓમાં રાઉટર ઇન્સ્ટોલ કરનાર ટેક્નિશિયન ડિફોલ્ટ યુઝરનેમ અને પાસવર્ડ રાખી દે છે. આ માહિતી તેમના પાસે પણ રહે છે. એટલે તમારા ઘરનું વાઈફાઈ માત્ર તમારું નહીં, પરંતુ કોઈ ત્રીજા વ્યક્તિ માટે પણ ખુલ્લું બની શકે છે. ભારતમાં મોટાભાગના યુઝર્સને રાઉટર સેટિંગ્સ, IP એડ્રેસ, એડમિન પેનલ અથવા ફર્મવેર અપડેટ વિશે જાણકારી નથી. પરિણામે વર્ષો સુધી એક જ પાસવર્ડ ચાલતો રહે છે અને સુરક્ષા અપડેટ થતી નથી.
હેકર્સ માટે સરળ ટાર્ગેટ
હેકર્સ આવા રાઉટર્સને સરળતાથી સ્કેન કરે છે, જેમાં ડિફોલ્ટ ક્રેડેન્શિયલ્સ અથવા જૂનું ફર્મવેર હોય છે. એકવાર એક્સેસ મળી જાય પછી રાઉટર પર સંપૂર્ણ કંટ્રોલ મેળવી શકાય છે અને તેને બોટનેટનો ભાગ બનાવી શકાય છે. આ બોટનેટનો ઉપયોગ મોટા સાઇબર એટેક, જેમ કે DDoS એટેકમાં થાય છે, જેમાં લાખો ડિવાઇસ એકસાથે કોઈ સર્વર પર ટ્રાફિક મોકલે છે. 2016નું Mirai બોટનેટ તેનું સૌથી મોટું ઉદાહરણ છે, જેમાં લાખો IoT ડિવાઇસ અને રાઉટર હેક કરીને ઇન્ટરનેટ સર્વિસિસ ઠપ કરી દેવામાં આવી હતી.
SSID હાઈડ કરવું અને ચેકિંગ
રાઉટરનું બેકએન્ડ ખોલીને કનેક્ટેડ ડિવાઇસ ચેક કરવા જોઈએ. જો અજાણ્યા ડિવાઇસ જોડાયેલા હોય તો તે જોખમનું સંકેત છે. શક્ય હોય તો SSID (વાઈફાઈ નામ) હાઈડ કરવું જોઈએ, જેથી બહારના લોકો તેને જોઈ ન શકે.
ISP રાઉટર અને રિમોટ એક્સેસ જોખમ
ભારતમાં ISP દ્વારા આપવામાં આવતા રાઉટર ઘણીવાર કસ્ટમ ફર્મવેર પર ચાલે છે, જેમાં યુઝરને સંપૂર્ણ કંટ્રોલ મળતો નથી. કેટલાક કેસમાં રિમોટ એક્સેસ ચાલુ રહે છે, જેના કારણે કંપની અથવા ટેક્નિશિયન દૂરથી પણ લોગિન કરી શકે છે. જો આ એક્સેસ ખોટા હાથમાં જાય તો મોટું જોખમ બની શકે છે. ઘણા રાઉટરમાં હાર્ડકોડેડ ક્રેડેન્શિયલ્સ પણ હોય છે, જેને બદલવું શક્ય નથી.
રાઉટર હેક થવાથી શું થાય?
જો રાઉટર હેક થઈ જાય તો હેકર તમારા નેટવર્કમાં જોડાયેલા દરેક ડિવાઇસને મોનિટર કરી શકે છે. તે જોઈ શકે છે કે તમે કઈ વેબસાઇટ ખોલો છો, કયો ડેટા ટ્રાન્સફર કરો છો, અને ઘણીવાર બેન્કિંગ માહિતી પણ લીક થઈ શકે છે. DNS સેટિંગ્સ બદલીને યુઝરને ફેક વેબસાઇટ પર રીડાયરેક્ટ કરી શકાય છે, જ્યાંથી ફ્રોડ થાય છે. કેટલીકવાર આખું નેટવર્ક જાસૂસી માટે પણ ઉપયોગમાં લેવાય છે.
રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ ખતરો
આ સમસ્યા માત્ર વ્યક્તિગત નથી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ ગંભીર છે. જો મોટા પાયે કમજોર રાઉટર નેટવર્કમાં હોય તો તેને ટાર્ગેટ કરીને મોટા સાઇબર એટેક થઈ શકે છે. CCTV કેમેરાની જેમ રાઉટર પણ મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ભાગ છે, પરંતુ તે દેખાતો નથી, એટલે જોખમ વધુ છે.
ઉકેલ શું છે?
આ જોખમને ઘટાડવા માટે યુઝર્સે ડિફોલ્ટ પાસવર્ડ બદલવો જોઈએ, ફર્મવેર અપડેટ રાખવું જોઈએ અને બેઝિક સિક્યોરિટી સેટિંગ્સ સમજવી જોઈએ. સરકારે CCTV કેમેરા માટે જેવો નિયમ લાગુ કર્યો છે, એવો જ કડક નિયમ રાઉટર અને નેટવર્ક ડિવાઇસ માટે પણ જરૂરી છે, જેથી ડિજિટલ સુરક્ષા વધુ મજબૂત બની શકે.
આ પણ વાંચો: ક્રિકેટની રમત બની મોતનું કારણ, 1 રનના વિવાદમાં મિત્રની હત્યા












