આદતો ભલે નાની લાગે, પરંતુ તે વધારી શકે છે તમારું બ્લડ શુગર લેવલ
- ખાણીપીણીની આદતો અને લાઈફસ્ટાઈલની ખોટી આદતો પણ તમને આ બીમારીના શિકાર બનાવી શકે છે. આવી નાની લાગતી આદતો વ્યક્તિનું બ્લડ શુગર લેવલ વધારી શકે છે.
ડાયાબિટીસ આજે વિશ્વભરમાં વ્યાપી ચૂક્યો છે. ભારતમાં છેલ્લા બે દાયકાથી ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે વધતી ઉંમરની સાથે ફેમિલી હિસ્ટ્રીના કારણે પણ આ બીમારી વધુ થઈ રહી છે. આ સાથે ખાણીપીણીની આદતો અને લાઈફસ્ટાઈલની ખોટી આદતો પણ તમને આ બીમારીના શિકાર બનાવી શકે છે. જાણો એવી રોજિંદી આદતો, જેને આપણે નાની સમજવાની ભૂલ કરીએ છીએ. આવી નાની લાગતી આદતો વ્યક્તિનું બ્લડ શુગર લેવલ વધારી શકે છે.
ડાયાબિટીસ અને વ્હાઈટ બ્રેડ
મોટાભાગના ભારતીયો નાસ્તામાં વ્હાઈટ બ્રેડનું સેવન કરે છે, તે કાર્બ્સથી ભરપૂર હોય છે. રિફાઈન્ડ કાર્બ્સ બ્લડ શુગરને ઝડપથી વધારે છે. તેનું સેવન ડાયાબિટીસ માટે ખતરનાક છે. તમારે ધ્યાન રાખવું પડશે કે તમે ક્યાંક રિફાઈન્ડ કાર્બ્સનું રોજ સેવન તો નથી કરી રહ્યા ને? બિસ્કીટ, કેક, પેસ્ટ્રી, મીઠાઈ, વ્હાઈટ ભાત અને એનર્જી ડ્રિંકમાં પણ રિફાઈન્ડ કાર્બ્સ હોય છે.
બ્રેકફાસ્ટ ન કરવાની આદત ખતરનાક
જો તમને ડાયાબિટીસ છે તો તમારે ખાણીપીણી પર પૂરતું ધ્યાન આપવું પડશે. આ બીમારીમાં લાંબા સમય સુધી પેટ ખાલી ન રાખવાની સલાહ આપવામાં આવે છે. ડાયાબિટીસથી પીડાતા લોકો માટે સવારનો નાસ્તો ખૂબ જરૂરી છે.
સતત બેસી રહેવું પણ ખતરનાક
ડાયાબિટીસના દર્દીઓ માટે શારીરિક પ્રવૃત્તિ કરવી પણ જરૂરી છે. જો તમને ઓફિસમાં સતત બેસી રહેવાની આદત હોય તો તમારા માટે તે સમસ્યારૂપ બની શકે છે. વર્ષ 2021માં થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું હતું કે આળસ ભરેલી જીવનશૈલી અને ફિઝિકલ એક્ટિવિટી ન કરનારા લોકોને ટાઈપ ટુ ડાયાબિટીસનો ખતરો 31 ટકા વધી જાય છે.
એકલતા પણ જોખમી
કોરોના મહામારીના લગભગ એક વર્ષ બાદ અમેરિકામાં કરાયેલા એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે લાંબા સમય સુધી એકલા રહેવાથી ટાઈપ-2 ડાયાબિટીસનું જોખમ વધે છે. જે લોકો એકલા રહે છે, કોઈ સાથે હળતા ભળતા નથી તેવા લોકોને ટાઈપ-ટુ ડાયાબિટીસનો ખતરો વધુ રહે છે.
આ પણ વાંચોઃ કૌન હૈ બે..? વિદ્યાર્થીની માતા અને સ્કૂલ શિક્ષક વચ્ચેની ચૅટ થઈ વાયરલ