કોરોના બાદ વધુ એક જીવલેણ વાયરસે હલચલ મચાવી છે. દેશના અનેક રાજ્યોમાં ઈન્ફલ્યુએન્ઝાનો પ્રકોપ વધી રહ્યો છે. દેશમાં H3N2 વાયરસના કારણે મૃત્યુ થયાનું સામે આવ્યું છે. હરિયાણા અને કર્ણાટકમાં બે લોકોના મોત થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બે રાજ્યો સિવાય અન્ય રાજ્યોમાં પણ 4 લોકોના મોત થયા છે. દરરોજ દર્દીઓની સંખ્યા વધી રહી છે. જ્યારે દેશ ત્રણ વર્ષ બાદ કોરોના મહામારીમાંથી બહાર આવ્યો છે ત્યારે હવે આ વાયરસ જીવલેણ બનતો હોય તેવું લાગી રહ્યું છે. બાળકો અને વૃદ્ધોને આ વાયરસ ઝડપથી અસર કરે છે.નોંધપાત્ર વાત એ છે કે, દેશમાં છેલ્લા ઘણા દિવસોથી ફ્લૂના કેસ વધી રહ્યા છે અને મોટાભાગના ચેપ H3N2 વાયરસથી થાય છે, જેને ‘હોંગકોંગ ફ્લૂ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો કે, ભારતમાં અત્યાર સુધી માત્ર H3N2 અને H1N1 ચેપ જ જોવા મળ્યા છે. આ ચેપના લક્ષણોમાં તાવ, શરદી, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ અને ઘરઘરનો સમાવેશ થાય છે. તે ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવવાથી ફેલાય છે.
આ પણ વાંચો : મહાઠગ સુકેશ ચંદ્રશેખરનો દાવો, કહ્યું- બધાનો પર્દાફાશ કરીશ, દારૂ કૌભાંડમાં અરવિંદ કેજરીવાલ વઝીર !
H3N2 ઝડપથી ફેલાય છે
ICMR વૈજ્ઞાનિકો, જેઓ શ્વસન વાયરલ રોગોની નજીકથી દેખરેખ રાખે છે, તેમણે કહ્યું કે H3N2 ઈન્ફલ્યુએન્ઝા, જે છેલ્લા બે-ત્રણ મહિનાથી વ્યાપકપણે ફેલાઈ રહ્યો છે. નિષ્ણાતો કહે છે કે છેલ્લા 6 મહિનામાં ઈન્ફલ્યુએન્ઝાના કેસમાં 200 ટકાનો વધારો થયો છે. આના મુખ્ય ત્રણ કારણો છે. તેમાં નવેમ્બરથી જાન્યુઆરી સુધીની શિયાળાની ઋતુ, વાયુ પ્રદૂષણમાં વધારો અને વાયરલ ઇન્ફેક્શનનો સમાવેશ થાય છે.
કોરોના જેવા લક્ષણો
દેશભરમાં H3N2 વાયરસના 90 કેસ છે. જ્યારે H1N1ના અત્યાર સુધીમાં 8 કેસ નોંધાયા છે. ડૉક્ટરોએ કહ્યું છે કે કોવિડ નીચલા શ્વસન માર્ગને અસર કરે છે. જ્યારે H3N2 ઉપલા શ્વસન માર્ગને અસર કરે છે. જેમ કે તાવ, ઉધરસ, શરદી, ગળા, નાક અને આંસુમાં બળતરા. બંનેના લક્ષણો સમાન છે અને તે ઝડપથી ફેલાય છે.