ચૂંટણી 2022નેશનલ

જ્ઞાનવાપી મસ્જિદ કેસ: શિવલિંગ મળ્યું તે જગ્યા સીલ કરવા કોર્ટનો આદેશ, ઓવૈસીનો હુંકાર-“મસ્જિદ હતી અને રહેશે”

Text To Speech

ઉત્તરપ્રદેશના વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદનો વિવાદ દિવસે-દિવસે વધુ વકરી રહ્યો છે. હિન્દુ પક્ષે દાવો કર્યો છે કે મસ્જિદમાં 12 ફૂટ 8 ઈંચનું શિવલિંગ મળી આવ્યું છે. હિન્દુ પક્ષના દાવા બાદ વારાણસી કોર્ટે શિવલિંગ મળ્યું તે જગ્યાને સીલ કરવાનો આદેશ કર્યો છે. વારાણસી કોર્ટના આ આદેશ પર વિવિધ પક્ષના નેતાઓએ પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. કોર્ટના આદેશને 1991ના એક્ટનું ઉલ્લંઘન ગણાવતા AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, તેમને શંકા હતી કે આવો નિર્ણય આવી શકે છે.

12.8 ફૂટનું શિવલિંગ મળ્યાનો દાવો
ત્રીજા દિવસનો સરવે પૂર્ણ થયા બાદ હિન્દુ પક્ષના વકીલે દાવો કર્યો કે, નંદીની મૂર્તિની બરાબર સામેથી મળી આવેલું શિવલિંગ 12 ફૂટ 8 ઈંચનું છે. શિવલિંગ મળ્યા બાદ ત્યાં હાજર લોકોએ હર હર મહાદેવના નારા લગાવ્યા હતા.

મસ્જિદમાં શિવલિંગના દાવાને લઈ બન્ને પક્ષ આમને-સામને આવી ગયા છે. નેતાઓએ પણ આ મુદ્દે રાજનીતિ કરવાની બાકી રાખી નહીં. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્ય અને AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીના નિવેદન સામે આવી ચૂક્યા છે. કેશવપ્રસાદ મૌર્યએ કહ્યું છે કે, “સત્યને તમે ગમે તેટલું છુપાવો પરંતુ, એક દિવસ બહાર આવી જ જાય છે”. તો આ મુદ્દે ઓવૈસીએ હુંકાર કરતા કહ્યું- “જ્ઞાનવાપી મસ્જિદ હતી અને કયામત સુધી રહેશે…ઈંશાઅલ્લાહ.”

ઓવૈસીનો હુંકાર

મસ્જિદ હતી અને રહેશે-ઓવૈસી
અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, “આ બાબરી મસ્જિદના ડિસેમ્બર 1949ના ચેપ્ટરનું પુનરાવર્તન છે.” આ આદેશ જ મસ્જિદના ધાર્મિક સ્વરૂપને બદલી નાંખે છે. કોર્ટનો ફેંસલો 1991ના એક્ટનું ઉલ્લંઘન છે. મને આશંકા હતી અને સાચે આવું બન્યું. જ્ઞાનવાપી મસ્જિદના ફેંસલાના દિવસ સુધી મસ્જિદ હતી અને રહેશે.” મસ્જિદમાં શિવલિંગ હોવાના દાવાને લઈ હિન્દુ પક્ષ વારાણસી કોર્ટ પહોંચ્યો હતો. જ્યાં અરજી દાખલ કરી અપીલ કરવામાં આવી કે જ્ઞાનવાપી મસ્જિદમાં જે જગ્યાએથી શિવલિંગ મળ્યું છે, તે જગ્યા તાત્કાલિક સીલ કરવામાં આવે.

આવતીકાલે SCમાં સુનાવણી
જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે વિરુદ્ધ મસ્જિદ કમિટીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે સુનાવણી થશે. જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડ અને જસ્ટિસ પી.એસ. નરસિમ્હાની બેન્ચ આ અરજી પર સુનાવણી કરશે.આ વિવાદને લઈ અરજીકરનાર અંજુમન ઈંતજામિયા મસ્જિદ કમિટીએ જ્ઞાનવાપીમાં સર્વે પર રોક લગાવવાની માંગણી કરી છે.

Back to top button