

જ્ઞાનવાપી મસ્જિદ વિવાદને લઈ બધા જ લોકોની નજર અત્યારે કોર્ટની સુનાવણી પર છે. ત્યારે મસ્જિદમાં સરવેની રિપોર્ટ સોંપવામાં આવી છે. તેની વચ્ચે હવે ઑલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ (AIMPLB) આ મામલે ખુલીને મુસ્લિમ પક્ષના સમર્થનમાં ઉતરી આવ્યું છે. બોર્ડે કહ્યું છે કે, લીગલ કમિટી મુસ્લિમ પક્ષની દરેક સંભવ મદદ કરશે. સાથે જ જ્ઞાનવાપી વિવાદને લઈ મુસ્લિમ પક્ષ હવે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે.

AIMPLBએ મસ્જિદને લઈ વ્યક્ત કરી ચિંતા
ઑલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની એક મીટિંગ મળી હતી, જેમાં AIMIM સાંસદ ઓવૈસી પણ જોડાયા હતા. આ વર્ચ્યુઅલ મીટિંગમાં અંદાજીત 45 સદસ્ય સામેલ થયા હતા. આ બેઠકમાં એ નક્કી થયું હતું કે, પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે. જેમાં તેમણે મુસ્લિમ પક્ષ વતી એક મેમોરેન્ડમ આપવામાં આવશે.

મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની આ બેઠકમાં સામેલ થયેલા સદસ્યોએ જ્ઞાનવાપી મસ્જિદને લઈ ઉભા થયેલા હાલાત અને સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી. ત્યારબાદ, સામુહિક રીતે કહેવામાં આવ્યું કે, મુસ્લિમ પક્ષને જ્ઞાનવાપી કેસ લડવામાં દરેક પ્રકારની સંભવિત મદદ કરવામાં આવશે. આ દરમિયાન કેટલાક લોકોએ જન આંદોલન ઉભું કરવાની વાત કરી, જેને બહુમતથી નામંજૂર કરવામાં આવ્યું.
વારાણસી કોર્ટમાં સુનાવણી
સરવે બાદ જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં શિવલિંગ મળવાનો દાવો કરાયો છે. જેને લઈ જોરદાર વિવાદ ઉભો થયો છે. હિન્દુ પક્ષનું કહેવું છે કે, અહીંયા મંદિર હતું અને બાદમાં તેને મસ્જિદમાં ફેરવી દેવાયું તે સાબિત થઈ જશે. તો, મુસ્લિમ પક્ષનું કહેવું છે કે, પત્થર શિવલિંગ નહીં પરંતુ ફુવારો છે. તો આ મામલે વધુ એક અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં માગ કરવામાં આવી છે નદીં ભગવાનની મૂર્તિની સામે આવેલી મસ્જિદની દીવાલને તોડીને અહીં સરવે કરવામાં આવે.