દેશને મળ્યા નવા મુખ્ય ચૂંટણી કમિશનર, રાજીવ કુમારની જગ્યા લેશે જ્ઞાનેશ કુમાર


નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી 2025: ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર દેશના નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત થયા છે. તેઓ રાજીવ કુમારની જગ્યા લેશે. જ્ઞાનેશ કુમારનો કાર્યકાળ 29 જાન્યુઆરી 2029 સુધી રહેશે. રાજીવ કુમાર 18 ફેબ્રુઆરી એટલે કે આજના દિવસે રિટાયર થઈ રહ્યા છે. 19 ફેબ્રુઆરીના રોજ જ્ઞાનેશ કુમાર સીઈસીનું પદ સંભાળશે. તેમને લઈને જાહેર થયેલા નોટિફિકેશનમાં કહેવાયું છે કે, મુખ્ય ચૂંટણી કમિશનર અને હાલના નિર્વાચન આયુક્ત, અધિનિયમ 2023ના ખંડ 4ની શક્તિઓનો ઉપયોગ કરતા રાષ્ટ્રપતિએ ચૂંટણી આયુક્ત જ્ઞાનેશ કુમારને મુખ્ય ચૂંટણી કમિશનર નિયુક્ત કર્યા છે. તો વળી જ્ઞાનેશ કુમારની જગ્યાએ ડો. વિવેક જોશી હવે ચૂંટણી કમિશનર હશે.
અહીં ઉલ્લેખનિય છે કે જ્ઞાનેશ કુમાર કેરળ કેડરના 1988 બેચના IAS અધિકારી છે. તેઓ ગયા વર્ષે માર્ચથી ચૂંટણી કમિશનરનું પદ સંભાળી રહ્યા છે. મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમારની નિમણૂકની સૂચના વચ્ચે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ અસંમતિ નોંધ મોકલી છે. તેમણે અગાઉ સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દા પર સુનાવણી હોવાથી બેઠક મુલતવી રાખવાની માંગ કરી હતી.
કોંગ્રેસે ઉઠાવ્યા પ્રશ્નો
સૂચના જારી કરવામાં આવે તે પહેલાં, આજે પીએમઓમાં પસંદગી સમિતિની બેઠક યોજાઈ હતી. પીએમ મોદી, અમિત શાહ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ તેમાં ભાગ લીધો હતો. મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક માટે બેઠક બોલાવવામાં મોદી સરકાર દ્વારા દાખવવામાં આવેલી ઉતાવળ પર કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. ૧૯ ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટમાં પસંદગી સમિતિ પર સુનાવણી યોજાવાની હોવાથી પક્ષે બેઠક મુલતવી રાખવાની માંગ કરી હતી.
કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકારો સાથે વાત કરતા, પાર્ટીના ખજાનચી અજય માકન, વરિષ્ઠ નેતાઓ અભિષેક મનુ સિંઘવી અને ગુરદીપ સપ્પલે જણાવ્યું હતું કે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરો (નિમણૂક, સેવા શરતો અને કાર્યકાળ) અધિનિયમ, 2023 ને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ભારત પહોંચેલા કતારના અમીરનું સ્વાગત કરવા PM મોદી પોતે એરપોર્ટ પહોંચ્યા