અરવલ્લી: મોડાસામાં પર્યાવરણ જતનના સંકલ્પ સાથે ઉજવાઈ ગુરુ પૂર્ણિમા
- ગાયત્રી ચેતના કેન્દ્રની યુવા ટીમે ” એક વૃક્ષ ગુરુદેવ કે નામ” ના સંકલ્પ સાથે તરુપ્રસાદનું વિતરણ કર્યું
અરવલ્લી 22 જુલાઈ 2024 : ગાયત્રી પરિવાર હંમેશા સાધનાત્મક તેમજ રચનાત્મક ગતિવિધિઓ ચલાવે છે. વિશ્વના સંરક્ષણ માટે પર્યાવરણ બચાવ અંતર્ગત વૃક્ષારોપણ ઝુંબેશ ચલાવાઈ રહેલ છે. મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રની યુવા ટીમ- જીપીવાયજી દ્વારા છેલ્લા ૧૫૮ રવિવારથી “પ્રાણવાન સન્ડે” તેમજ ” મારું ઘર – મારું વૃક્ષ” નામે અવિરત વૃક્ષારોપણ-જતન ઝુંબેશ ચલાવાઈ રહેલ છે.
ગુરુ પૂર્ણિમા એ શિષ્યનો ગુરુ પ્રત્યેના સમર્પણનો ઉત્સવ છે. ગુરુશિષ્યના સંબંધને ગાઢ બનાવવા શિષ્ય દ્વારા અલગ અલગ સંકલ્પ લેવાતા હોય છે. મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા પાંચ દિવસીય “ગુરુગીતા” કથા-સત્સંગ સાથે ગુરુ પૂર્ણિમા ઉત્સવનું આયોજન કરેલ. ૧૭ થી ૨૦ જુલાઈ દરમિયાન મોડાસા સહિત ગામેગામથી શ્રદ્ધાળુઓ આ કથા-સત્સંગમાં જોડાયા. જેમાં વડોદરાના વર્ષાબેન આહિરે ગુરુ શિષ્યના પવિત્ર સંબંધ પર ધારદાર ભાવવિભોર શૈલીમાં કથા-સત્સંગનું રસપાન કરાવ્યું.
પાંચમાં દિવસ ૨૧ મી જુલાઈ રવિવારે ગુરુ પૂર્ણિમાઉત્સવ પર મોડાસા સહિત ગામેગામથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ગાયત્રી મહાયજ્ઞમાં આહુતિઓ અર્પણ કરવા તેમજ ગુરુદિક્ષા- ગુરુચરણ કમલ પાદુકા પૂજન માટે ઉપસ્થિત રહ્યાં. ત્યારે આ પવિત્ર ઉત્સવને યાદગાર બનાવવા મોડાસાની જીપીવાયજી યુવા ટીમે અનોખો પ્રયોગ કર્યો. આ ગુરુ પૂર્ણિમા ઉત્સવ પર આ યુવા ટીમ દ્વારા ” એક વૃક્ષ ગુરુદેવ કે નામ ” ના સંકલ્પ સાથે એક એક છોડનું ગુરુદેવના પ્રસાદ રુપે તરુપ્રસાદ નું ઉછેર કરવાના સંકલ્પ સાથે વિતરણ કરાયું. જે સૌએ આ તરુપ્રસાદને ઉછેર કરી ગુરુદેવ પ્રત્યેના સમર્પણનો અને પર્યાવરણ બચાવમાં સહભાગી બનવા સંકલ્પ સાથે તરુપ્રસાદ સ્વીકાર્યો.
આ પણ વાંચો : અરવલ્લી : “ગુરુ ગીતા” કથા-સત્સંગનો મોડાસામાં શુભારંભ