ગુરમીત રામ રહીમ 21 દિવસની ફર્લો ઉપર ફરી જેલમાંથી આવશે બહાર
બળાત્કાર અને હત્યાના કેસમાં હરિયાણાની રોહતક જેલમાં સજા કાપી રહેલા ગુરમીત રામ રહીમ ફરી એકવાર જેલમાંથી બહાર આવી શકે છે. તેમનો 21 દિવસનો ફર્લો મંજૂર કરવામાં આવ્યો છે. જેલમાંથી બહાર આવ્યા બાદ રામ રહીમ ઉત્તર પ્રદેશના બાગપતના આશ્રમમાં રહેશે. તે અગાઉ આ વર્ષે જુલાઈમાં પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો હતો. તે અત્યાર સુધીમાં સાત વખત જેલમાંથી બહાર આવ્યો છે.
અગાઉ 7 વખત જેલની બહાર આવી ચૂક્યો છે
પેરોલ આપવાનો રાજ્યનો અધિકાર છે અને તે જેલમાં રહેલા કેદીના સારા વર્તનના આધારે આપવામાં આવે છે. ગુરમીત રામ રહીમ 2017માં સજા સંભળાવ્યા બાદથી કુલ 7 વખત જેલની બહાર રહી ચૂક્યા છે. તે તેની બે વિદ્યાર્થીનીઓ પર બળાત્કાર કરવા બદલ 20 વર્ષની કેદ અને હત્યા માટે આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે.
ફર્લો શું છે?
– ફર્લો રજા જેવું હોય છે, જેમાં કેદીને થોડા દિવસો માટે મુક્ત કરવામાં આવે છે. ફર્લોના સમયગાળાને કેદીની સજા અને તેના અધિકારમાંથી રાહત તરીકે જોવામાં આવે છે.
– ફર્લો ફક્ત તે કેદીઓને જ મળે છે જેમને સજા થઈ હોય. ફર્લો સામાન્ય રીતે લાંબા સમયથી સજા પામેલા કેદીને આપવામાં આવે છે.
– તેનો હેતુ એ છે કે કેદી તેના પરિવાર અને સમાજના લોકોને મળી શકે. તે કોઈપણ કારણ વગર પણ આપી શકાય છે.
– જેલ રાજ્યનો વિષય હોવાથી દરેક રાજ્યમાં ફર્લો અંગે અલગ-અલગ નિયમો છે. ઉત્તર પ્રદેશમાં ફર્લો આપવાની કોઈ જોગવાઈ નથી.