ડેરા સચ્ચા સૌદાના ગુરમીત રામ રહીમને મળ્યા ફરી પેરોલ જામીન, 40 દિવસ માટે આવશે જેલમાંથી બહાર
બળાત્કાર અને હત્યાના દોષિત ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહને ફરી એકવાર 40 દિવસ માટે પેરોલ આપવામાં આવ્યા છે. જે અંગે અધિકારીઓએ માહિતી આપી હતી. હકીકતમાં, રામ રહીમ, જે તેની બે શિષ્યો પર બળાત્કાર કરવા બદલ 20 વર્ષની સજા ભોગવી રહ્યો હતો અને હત્યાના આરોપમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો, તેને ઓક્ટોબરમાં 40 દિવસ માટે પેરોલ આપવામાં આવ્યા હતા. જે 25 નવેમ્બરે જ સમાપ્ત થઈ હતી. જે મુજબ તેને 56 દિવસ બાદ ફરી એકવાર પેરોલ મળી છે. ન્યૂઝ એજન્સી અનુસાર, રોહતકના ડિવિઝનલ કમિશનર સંજીવ વર્માએ જણાવ્યું કે 40 દિવસ માટે પેરોલ આપવામાં આવી છે.
રામ રહીમની પેરોલ અરજી ડીએમને મોકલી અપાઈ
આ પહેલા હરિયાણાના જેલ મંત્રી રણજીત સિંહ ચૌટાલાએ ડેરા પ્રમુખની તાજેતરની પેરોલ અરજી પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે ડેરા પ્રમુખે 40 દિવસ માટે પેરોલ માટે અરજી કરી હતી, જેને રોહતક ડિવિઝનલ કમિશનરને મોકલી દેવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું કે પેરોલ સમયગાળા દરમિયાન ડેરા પ્રમુખ 25 જાન્યુઆરીએ પૂર્વ ડેરા પ્રમુખ શાહ સતનામ સિંહની જન્મજયંતિના કાર્યક્રમમાં હાજરી આપી શકે છે.
પંજાબ ચૂંટણી પહેલા રજા અપાઈ હતી
ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબરમાં પેરોલ પરથી આવ્યા બાદ 55 વર્ષીય સિરસા ડેરા પ્રમુખે યુપીના બરનવા આશ્રમમાં ઘણા ઓનલાઈન સત્સંગનું આયોજન કર્યું હતું. જેમાં હરિયાણાના ભાજપના નેતાઓએ પણ ભાગ લીધો હતો. પંજાબ વિધાનસભાની ચૂંટણીના માંડ બે અઠવાડિયા પહેલા તેને 7 ફેબ્રુઆરી, 2022થી ત્રણ સપ્તાહની રજા પણ આપવામાં આવી હતી.
સ્વાતિ માલીવાલે વિરોધ કર્યો
દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આ મામલે ટ્વિટ કરીને પેરોલ પર વાંધો ઉઠાવ્યો છે. તેણે ટ્વીટ કર્યું, “બળાત્કારી હત્યારા રામ રહીમને ફરી એકવાર 40 દિવસ માટે પેરોલ આપવામાં આવ્યો છે. બેશરમીની તમામ હદ વટાવી દેવામાં આવી છે. દેશવાસીઓ તમારી દીકરીઓને બચાવો, બળાત્કારીઓ આઝાદ ફરશે.”
એસજીપીસીએ અગાઉની પેરોલ સામે વાંધો ઉઠાવ્યો હતો
શીખોની સર્વોચ્ચ ધાર્મિક સંસ્થા શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC)એ અગાઉ ગુરમીત રામ રહીમ સિંહને ગત વર્ષે આપવામાં આવેલી 40 દિવસની પેરોલ સામે વાંધો ઉઠાવ્યો હતો. SGPC પ્રમુખ હરજિન્દર સિંહ ધામીએ આરોપ લગાવ્યો હતો કે ગુરમીત રામ રહીમ સિંહ પર વિશેષ લાભ આપવામાં આવી રહ્યો છે, ત્યારે લગભગ ત્રણ દાયકાથી જેલમાં બંધ શીખ કેદીઓને તેમની સજા પૂરી કર્યા પછી પણ મુક્ત કરવામાં આવી રહ્યાં નથી.
ફેબ્રુઆરીમાં 21 દિવસની પેરોલ મળી
ફેબ્રુઆરીમાં રામ રહીમની પેરોલ 21 દિવસ માટે મંજૂર કરવામાં આવી હતી. આ દરમિયાન સરકારે રામ રહીમના જીવને ખતરો હોવાનું જણાવીને તે Z પ્લસની સુરક્ષા પણ પૂરી પાડી હતી. પરોલ દરમિયાન, રામ રહીમ મોટાભાગનો સમય તેના ગુરુગ્રામ આશ્રમમાં રહ્યો હતો. સરકારે ADGP (CID)ના રિપોર્ટને સુરક્ષાનો આધાર બનાવ્યો હતો.
રામ રહીમ 20 વર્ષની સજા કાપી રહ્યો છે
ઉલ્લેખનીય છે કે, રામ રહીમ સિરસામાં પોતાના આશ્રમમાં બે મહિલા અનુયાયીઓ પર બળાત્કાર કરવા બદલ 20 વર્ષની જેલની સજા ભોગવી રહ્યો છે. પંચકુલાની વિશેષ સીબીઆઈ કોર્ટે ઓગસ્ટ 2017માં રામ રહીમને આ કેસમાં દોષિત ઠેરવ્યો હતો. આ સિવાય ગુરમીત રામ રહીમને ડેરાના પૂર્વ મેનેજર રણજીત સિંહની હત્યાના કેસમાં પણ કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી હતી.